યશાયા 10 - પવિત્ર બાઇબલ C.L.1 તમારી કેવી દુર્દશા થશે! તમે અન્યાયી કાયદા ઘડો છે અને જુલમી ચુકાદા આપીને જુલમ કરો છો. 2 એ રીતે તમે ગરીબોનો હક્ક છીનવી લો છો અને પીડિતોને ન્યાયથી વંચિત રાખો છો. તમે વિધવાઓને તમારો શિકાર બનાવો છો અને અનાથોને લૂંટો છો. 3 ઈશ્વર તમને સજા ફરમાવશે ત્યારે તમે શું કરશો? તે તમારા પર દૂર દેશથી આફત લાવશે ત્યારે તમે શું કરશો? તમે મદદ માટે કોની પાસે દોડી જશો? તમારી ધનદોલત ક્યાં મૂકી જશો? 4 તમે કાં તો લડાઈમાં માર્યા જશો કાં તો નતમસ્તકે કેદી તરીકે પકડી જવાશો. આ બધું હોવા છતાં પ્રભુનો રોષ શમી ગયો નથી અને તેમનો હાથ હજી સજા કરવાને ઉગામેલો છે. આશ્શૂરનો રાજા ઈશ્વરનું સાધન 5 પ્રભુએ કહ્યું, “અરે, આશ્શૂર! આશ્શૂર તો મારા કોપનો દંડ છે અને તેના હાથમાં મારા રોષની લાકડી છે. 6 મને કોપાયમાન કરનાર અધર્મી પ્રજા પર આક્રમણ કરવા હું આશ્શૂરને મોકલીશ. તેમને લૂંટી લેવા, તેમની સંપત્તિ પચાવી પાડવા અને તેમને શેરીઓ ક્દવની જેમ ખૂંદી નાખવા હું આશ્શૂરને આજ્ઞા આપીશ.” 7 પણ આશ્શૂરના રાજાનો ઈરાદો તો કંઈક જુદો જ છે. તેના મનની ધારણા અલગ જ છે. તેનો ઈરાદો તો ઘણી પ્રજાઓનું નિકંદન કાઢી નાખવાનો છે. 8 તે બડાઈ મારે છે, “શું મારા સૈન્યના બધા અધિકારીઓ રાજાઓ નથી? 9 શું મેં જેમ કાલ્નો પર તેમ ર્ક્કમીશ પર, જેમ હમાથ પર તેમ આર્પાદ પર અને જેમ સમરૂન પર તેમ દમાસ્ક્સ પર જીત મેળવી નથી? 10 યરુશાલેમ અને સમરૂન કરતાં યે વધારે ભવ્ય મૂર્તિઓની પૂજા કરતા રાજ્યો મારા હાથમાં આવ્યાં છે. 11 સમરૂન અને તેની બધી મૂર્તિઓનો મેં નાશ કર્યો છે અને તે જ પ્રમાણે હું યરુશાલેમ તથા તેની મૂર્તિઓનો નાશ કરીશ.” 12 પણ પ્રભુ કહે છે, “સિયોન પર્વત પર અને યરુશાલેમમાં મારું કાર્ય પૂરું થયા પછી હું આશ્શૂરના રાજાને તેના મનના ઘમંડ માટે અને તેની આંખની મગરૂબી માટે સજા કરીશ.” 13 આશ્શૂરનો રાજા બડાઈ મારે છે, “મેં એ મારા બાહુબળથી કર્યું છે, હા, મારી બુદ્ધિથી કર્યું છે; કારણ, હું ચતુર છું. મેં રાજ્યોની સીમાઓ ખસેડી નાખી છે અને તેમના ભંડારો લૂંટયા છે. મેં આખલાની જેમ ત્યાંના રહેવાસીઓને ખૂંદ્યા છે. 14 દુનિયાનાં રાજ્યો તો પંખીના માળા જેવાં છે અને તેમાંથી હું જાણે છોડી દીધેલાં ઈંડા એકઠાં કરતો હોઉં તેમ સહેલાઈથી તેમને જીતીને લૂંટી લીધાં છે. કોઈએ પાંખ પણ ફફડાવી નથી કે ચાંચ ઉઘાડીને ‘ચીંચી’ પણ કર્યું નથી.” 15 પ્રભુ કહે છે, “શું કુહાડી તેના વાપરનારની સામે બડાઈ મારે? એ તો લાઠી માણસને ઊંચક્તી નથી, પણ માણસ લાઠીને ઉઠાવે છે એના જેવું છે.” 16 એ માટે સર્વસમર્થ પ્રભુ તેના ખડતલ યોદ્ધાઓ નિર્બળ થઈ જાય તેવો રોગ મોકલશે. તે તેમના શરીરમાં ભભૂક્તી આગની જેમ બળ્યા કરશે. 17 ઇઝરાયલનો પ્રકાશ અગ્નિરૂપ થશે અને પવિત્ર ઈશ્વર તેમને માટે જ્વાળારૂપ બનશે. 18 એક જ દિવસમાં તે કાંટા ઝાંખરા સહિત બધું બાળી નાખશે. 19 જેમ જીવલેણ રોગ માનવીનો નાશ કરે તેમ ગીચ વનો અને ફળદ્રુપ ખેતરોનો સંપૂર્ણ વિનાશ થશે. વનમાં એટલાં થોડાં વૃક્ષ બાકી રહેશે કે બાળક પણ ગણી શકે! થોડા લોકો પાછા આવશે 20 એવો સમય આવશે કે ઇઝરાયલના, એટલે, યાકોબના વંશજોમાંથી બચી ગયેલા લોકો તેમના પર ઘા કરનાર દેશ પર આધાર રાખશે નહિ, પણ તેઓ ઇઝરાયલના પવિત્ર પ્રભુ પર સાચા દિલથી ભરોસો રાખશે. 21 યાકોબના વંશજોમાંથી બાકી રહેલા થોડા લોક પરાક્રમી ઈશ્વર પાસે પાછા આવશે. 22 જો કે ઇઝરાયલના લોક સમુદ્રની રેતીના કણ જેટલા હશે તો પણ તેમાંથી થોડા જ પાછા આવશે. લોકોને માટે વિનાશ નિર્મિત છે અને તેઓ તેને માટે યોગ્ય છે. 23 સર્વસમર્થ પ્રભુ પોતે નક્કી કર્યા પ્રમાણે સમસ્ત દેશનો વિનાશ લાવશે. આશ્શૂરને સજા 24 તેથી સર્વસમર્થ પ્રભુ કહે છે, “હે સિયોનમાં વસનારા મારા લોક, જો કે આશ્શૂરીઓ તમારા પર ઇજિપ્તીઓની માફક જુલમ ગુજારે તો પણ તમે તેમનાથી ગભરાશો નહિ. 25 થોડા સમયમાં તમારા પરનો મારો કોપ સમાપ્ત થશે અને પછી હું તેમનો નાશ કરીશ. 26 જેમ મેં ઓરેબના ખડકે મિદ્યાનના લોકોને ફટકાર્યા તેમ હું તેમને ચાબુકથી ફટકારીશ અને જેમ મેં ઇજિપ્તીઓને સમુદ્રમાં શિક્ષા કરી હતી તેમ હું આશ્શૂરને સજા કરીશ. 27 એ સમયે હું તમારા ખભા પરથી આશ્શૂરના જુલમનો બોજો ઉતારી મૂકીશ અને તમે પુષ્ટ થયા હોવાથી તમારી ગરદન પરથી તેમની ઝૂંસરી ભાંગી નાખીશ.” વિજેતાનું આક્રમણ 28 દુશ્મનના લશ્કરે આયાથ નગર પર જીત મેળવી છે. તેઓ મિગ્રોનમાં થઈ પસાર થયા છે. મિખ્માશમાં તેમણે પોતાનો શસ્ત્રસરંજામ રાખ્યો છે. 29 તેઓ ખીણની પાર આવ્યા છે અને ગેબામાં રાતવાસો કર્યો છે. સમાના રહેવાસીઓ ધ્રૂજે છે અને શાઉલના નગર ગિબ્યાના લોકો નાસી ગયા છે. 30 હે ગાલ્લીમના લોકો, બૂમ પાડો. હે લાઈશાના લોકો, સાંભળો. હે અનાથોથના લોકો, જવાબ આપો. 31 માદમેના અને ગેબીમના લોકો જીવ બચાવવાને નાસી છૂટયા છે. 32 દુશ્મનો નોબમાં ખડક્યા છે અને ત્યાંથી સિયોન પર્વત પર, યરુશાલેમ શહેર પર આક્રમણ કરશે. 33 જેમ વૃક્ષ પરથી ડાળી મોટા કડાકા સાથે કાપી નાખવામાં આવે તેમ તેમને કાપી નાખવામાં આવશે. તે ઊંચા અને પડછંદ માણસોની ક્તલ કરી તેમને ભોંયભેગા કરી દેશે. 34 કુહાડાથી ગીચ જંગલને કાપી નાખવામાં આવે અને લબાનોનનાં મજબૂત વૃક્ષો ઢળી પડે તેમ પ્રભુ તેમને કાપી નાખશે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide