Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યશાયા 1 - પવિત્ર બાઇબલ C.L.

1 આમોઝના પુત્ર યશાયાને યહૂદિયાના રાજાઓ ઉઝિયા, યોથામ અને હિઝકિયાના રાજ્યકાળ દરમ્યાન ઈશ્વરે યરુશાલેમ તથા યહૂદિયા સંબંધી પ્રગટ કરેલા સંદેશાઓનું વર્ણન આ પુસ્તકમાં છે.


પોતાના લોકને પ્રભુનો ઠપકો

2 પ્રભુએ કહ્યું, “હે આકાશો, સાંભળો! હે પૃથ્વી લક્ષ દે! તમે મારી વાત સાંભળો! મેં છોકરાંને પાળીપોષીને ઉછેર્યાં છે પણ તેમણે તો મારી વિરુદ્ધ બળવો પોકાર્યો છે.

3 બળદ પોતાના માલિકને ઓળખે છે અને ગધેડો પોતાના માલિકનો વાડો જાણે છે, પણ મારા ઇઝરાયલી લોકને એટલુંય ભાન નથી. તેઓ કંઈ જ સમજતા નથી.

4 “હે પાપ કરનારી પ્રજા, અન્યાયથી લદાયેલા લોક, દુરાચારીઓની ઓલાદ, વંઠી ગયેલાં છોકરાં! તમે પ્રભુનો ત્યાગ કર્યો છે; ઇઝરાયલના પરમપવિત્ર ઈશ્વરનો તિરસ્કાર કર્યો છે, અને તમે તેમનાથી વિમુખ થઈ ગયા છો.

5 તમે શા માટે વિદ્રોહ કર્યા કરો છો? શું હજી તમારે વધારે સજા ભોગવવી છે? આખું માથું તો સડી ગયું છે! વળી, હૃદય પણ નિર્ગત છે.

6 પગના તળિયાથી માથા સુધી એકેય અંગ તંદુરસ્ત નથી. આખા શરીરે ઘા, સોળ અને પાકેલા જખમ છે. ઘા દાબીને સાફ કરવામાં આવ્યા નથી કે તેમને પાટા બાંધવામાં આવ્યા નથી કે તેમને તેલ લગાડીને નરમ કરવામાં આવ્યા નથી.

7 “તમારો દેશ ઉજ્જડ થયો છે, અને તમારાં નગરોને અગ્નિથી બાળી નાખવામાં આવ્યાં છે. પરદેશીઓ તમારી નજરોનજર ખેતરો સફાચટ કરી નાખે છે અને તેમને ખેદાનમેદાન કરી નાખે છે.

8 ફક્ત સિયોનનગરી એટલે યરુશાલેમ જ બાકી છે અને તેને પણ ઘેરો ઘાલવામાં આવ્યો છે. તેની હાલત દ્રાક્ષવાડીમાંની ચોકીદારની ઝૂંપડી જેવી અને ક્કડીની વાડીમાંની છાપરી જેવી છે.”

9 સર્વસમર્થ પ્રભુએ આપણામાંથી કેટલાંકને બાકી રાખ્યા ન હોત તો સદોમ અને ગમોરાની માફક આપણું નામનિશાન રહેત નહિ.

10 હે યરુશાલેમ, તારા રાજર્ક્તાઓ અને તારા લોકો સદોમ અને ગમોરા જેવા છે. તમે પ્રભુની વાત સાંભળો. ઈશ્વરના નિયમ પ્રત્યે લક્ષ આપો.

11 પ્રભુ કહે છે, “તમારા આ અસંખ્ય યજ્ઞોની મારે કંઈ જરૂર નથી. તમારાં ઘેટાંના દહનબલિ અને માતેલાં ઢોરની ચરબીથી હું ધરાઈ ગયો છું અને આખલા, હલવાન તથા બકરાના રક્તથી હું કંટાળી ગયો છું.

12 “મારા સાંનિધ્યમાં આવતી વેળાએ તમને આ બધું લાવવાનું કોણે કહ્યું? મારા મંદિરના આંગણાને આમ તમારા પગ નીચે ખૂંદવાનું કોણે કહ્યું?

13 તમારાં નકામાં અર્પણો લાવશો નહિ. તમારા ધૂપની વાસ હું ધિક્કારું છું. તમારાં ચાંદ્રમાસના પ્રથમ દિવસનાં પર્વ, સાબ્બાથ અને ધાર્મિક સંમેલનો હું સહન કરી શક્તો નથી. કારણ, તમારાં પાપને લીધે તે બધાં ભ્રષ્ટ થઈ ગયાં છે.

14 તમારાં ચાંદ્રમાસના પ્રથમ દિવસનાં પર્વો અને પવિત્ર દિવસોને હું ધિક્કારું છું. મને એ બોજારૂપ થઈ પડયાં છે, અને તેમને સહીસહીને હું થાકી ગયો છું.

15 “જ્યારે તમે પ્રાર્થનામાં તમારા હાથ પ્રસારો ત્યારે હું તમારા તરફથી મારી દષ્ટિ ફેરવી લઈશ. તમે ગમે તેટલી પ્રાર્થના કરશો છતાં હું તમારું સાંભળીશ નહિ; કારણ, તમારા હાથ ખૂનથી ખરડાયેલા છે.

16 સ્નાન કરો અને શુદ્ધ થાઓ; તમારાં ભૂંડાં કર્મો મારી નજર આગળથી દૂર કરો. દુરાચાર બંધ કરો,

17 અને ભલું કરતાં શીખો. ન્યાયની પાછળ લાગો, પીડિતોને રક્ષણ આપો, અનાથોને તેમના હક્ક આપો અને વિધવાઓના પક્ષની હિમાયત કરો.”

18 પ્રભુ કહે છે, “ચાલો, આપણે વિવાદનો નિકાલ કરી નાખીએ. પાપને લીધે તમારા પર લાલ ડાધ પડયા છે, પણ હું તમને ધોઈને બરફના જેવા શ્વેત કરીશ. જો કે તમારા પાપના ડાઘ રાતા હોય તો પણ તમે ઊનના જેવા સફેદ થશો.

19 જો તમે મને આધીન થશો તો દેશની ઉત્તમ પેદાશ ખાશો.

20 પણ જો તમે મારું કહ્યું નહિ માનો અને વિદ્રોહ કરશો તો તમે તલવારનો ભોગ થઈ પડશો. હું પ્રભુ પોતે એ બોલ્યો છું.”


ભ્રષ્ટાચારી નગરી

21 એક સમયની પતિવ્રતા નારી જેવી નગરી આજે વેશ્યા જેવી બની ગઈ છે! એક વખતે તેમાં સદાચારીઓ રહેતા હતા, પણ હવે ખૂનીઓ જ બાકી રહ્યા છે.

22 હે યરુશાલેમ નગરી, એકવાર તું ચાંદી જેવી હતી, પણ અત્યારે તો તું કથીર બની ગઈ છે. તું ઉત્તમ દ્રાક્ષાસવ જેવી હતી, પણ અત્યારે તો પાણીમિશ્રિત દ્રાક્ષાસવ જેવી બની ગઈ છે.

23 તારા આગેવાનો બળવાખોર અને ચોરના મિત્રો છે. તેઓ સૌને લાંચ વહાલી લાગે છે અને તેઓ સૌ બક્ષિસ માટે ફાંફાં મારે છે. તેઓ અદાલતમાં અનાથનો બચાવ કરતા નથી અને વિધવાની ફરિયાદ સાંભળતા નથી.

24 એ માટે પ્રભુ, સર્વસમર્થ પ્રભુ, ઇઝરાયલના પરમપવિત્ર કહે છે, “હું મારા દુશ્મનો પર બદલો વાળીશ અને તેઓ મને ફરી કદી હેરાન કરશે નહિ.

25 હું તારી વિરુદ્ધ મારો હાથ ઉગામીશ. હું તને અગ્નિની ભઠ્ઠીમાં તાવીને તારી બધી જ અશુદ્ધતા દૂર કરીશ.

26 વર્ષો પૂર્વે તારી પાસે હતા તેવા રાજર્ક્તાઓ અને સલાહકારો હું તને આપીશ. ત્યાર પછી યરુશાલેમ ન્યાયી અને પતિવ્રતા નારી જેવી નગરી તરીકે ઓળખાશે.

27 પ્રભુ ન્યાયી હોવાથી સિયોન એટલે યરુશાલેમને અને પાપથી પાછા ફરનારા તેના લોકોને બચાવશે.

28 પણ પ્રભુ વિરુદ્ધ પાપ કરનારાઓ અને બળવો પોકારનારાઓનો તો તે વિનાશ કરશે, અને તેમનો નકાર કરનાર પ્રત્યેક માર્યો જશે.

29 તમે જેમાં આનંદ માણતા હતા તે પવિત્ર ઓકવૃક્ષને લીધે તમે લજ્જિત થશો. તમારા પસંદ કરેલા ઉપાસનાનાં ઉપવનોને લીધે તમે અપમાનિત થશો.

30 કારણ, તમે તો જેનાં પાંદડાં કરમાઈ જાય છે તેવા મસ્તગીવૃક્ષ જેવા અને નિર્જળ વાડી જેવા થશો.

31 બળવાન માણસ કચરા જેવો અને તેનું કામ તણખલાં જેવું થશે. એ બન્‍ને સાથે જ બાળી નંખાશે અને આગ હોલવનાર કોઈ હશે નહિ.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan