Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

હોશિયા 9 - પવિત્ર બાઇબલ C.L.


સજાનું ફરમાન

1 હે ઇઝરાયલના લોકો, વિધર્મીઓની જેમ ઉત્સવ ઉજવવાનું બંધ કરો. તમે તમારા ઈશ્વર પાસેથી ભટકી જઈને તેમને બેવફા નીવડયા છો. તમે સમગ્ર દેશમાં દેવદાસીઓની જેમ બઆલને વેચાયા છો, અને એના તરફથી જ અનાજ મળે છે એમ ધારીને તમે તે ઇચ્છયું છે.

2 પણ થોડા જ સમયમાં અનાજની ખળીઓમાંથી અનાજ અને દ્રાક્ષાકુંડમાંથી દ્રાક્ષાસવ ખલાસ થઈ જશે અને નવા દ્રાક્ષારસની ખોટ પડશે.

3 ઇઝરાયલના લોકો પ્રભુના દેશમાં રહેવા પામશે નહિ અને એફ્રાઇમને ઇજિપ્તમાં પાછા જવું પડશે અને આશ્શૂર દેશમાં નિષિદ્ધ ખોરાક ખાવો પડશે.

4 પરદેશમાં તેઓ ઈશ્વરને દ્રાક્ષાસવનાં પેયાર્પણો ચડાવી શકશે નહિ અથવા બલિદાનો અર્પી શકશે નહિ. મૃત્યુ પ્રસંગે ખવાતા ખોરાકની જેમ તેમનો ખોરાક અપવિત્ર થશે અને ખાનારા બધા અશુદ્ધ થશે. તેમનો ખોરાક માત્ર ભૂખ ભાગવા માટે જ વપરાશે અને તેમનું કંઈપણ પ્રભુના મંદિરમાં અર્પણ તરીકે લવાશે નહિ.

5 જ્યારે પ્રભુનાં મુકરર પર્વો આવશે ત્યારે તમે શું કરશો?

6 વિનાશમાંથી ઊગરવા લોકો નાસી છૂટશે ત્યારે ઇજિપ્તીઓ તેમને એકઠા કરીને મેમ્ફીસ નામના સ્થળે દફન કરવા માટે લઈ જશે. તેમના રૂપાના દાગીના ઝાંખરામાં પડશે અને તેમનાં ઘરની જગ્યાએ કાંટા ઊગી નીકળશે.

7 શિક્ષાનો સમય આવ્યો છે. બદલો લેવાના દિવસો આવી લાગ્યા છે. એ બધું બનશે ત્યારે ઇઝરાયલને ખબર પડશે. તમે કહો છો, “આ સંદેશવાહક મૂર્ખ છે, અને આ ઈશ્વર પ્રેરિત માણસ પાગલ છે.” પાપને લીધે તમે મારો આટલો તિરસ્કાર કરો છો.

8 ઈશ્વરે એફ્રાઈમને એટલે, પોતાના લોકને ચેતવણી આપવા માટે મને સંદેશવાહક તરીકે મોકલ્યો છે. છતાં જ્યાં જ્યાં હું જઉં છું ત્યાં ત્યાં તમે મને પક્ષીની જેમ જાળમાં ફસાવવા માગો છો. ઈશ્વરના સંદેશવાહકના શત્રુઓ તેમના મંદિરમાં જ છે.

9 અગાઉ ગિબ્યામાં જે કામો હતાં તેવાં તેમનાં કામ અતિ ભૂંડા છે. ઈશ્વર તેમનાં પાપ યાદ રાખીને તેમને સજા કરશે.


ઇઝરાયલના પાપનું પરિણામ

10 પ્રભુ કહે છે, “જ્યારે મેં ઇઝરાયલને પ્રથમ શોધી કાઢયો ત્યારે તે જંગલી દ્રાક્ષ જેવો હતો. અને જ્યારે મેં તમારા પૂર્વજોને પ્રથમ જોયા ત્યારે મેં તેમને ઋતુનાં પ્રથમ પાકા અંજીર જેવા જોયા. પણ તેઓ પેઓરના પર્વત પાસે આવ્યા ત્યારે તેમણે બઆલની પૂજા શરૂ કરી અને થોડા જ સમયમાં તેઓ તેમના આરાધ્ય દેવતાઓના જેવા ધૃણાપાત્ર બની ગયા.

11 એફ્રાઈમની મહત્તા પક્ષીની જેમ ઊડી જશે. તેમને ન તો બાળકોનો જન્મ થશે, ન તો સ્ત્રીઓ ગર્ભવતી થશે કે ન તો ગર્ભાધાન થશે.

12 અને જો કે તેઓ બાળકો ઉછેરે તો હું તેમને ઉપાડી લઈશ અને એકેય જીવતું બચશે નહિ. હું આ લોકોને તરછોડી દઈશ ત્યારે તેમની દુર્દશા થશે.”

13 હે પ્રભુ, એફ્રાઈનાં સંતાન શિકાર થવાં નિર્માયાં છે. અને હું તેમને માર્યાં જતાં જોઉં છું.

14 તેથી ઓ પ્રભુ, આ લોકો માટે કેવી પ્રાર્થના કરું? એ જ કે તેમની સ્ત્રીઓને ગર્ભપાત થાય અને તેમનાં સ્તનોનું દૂધ સુકાઈ જાય!


ઇઝરાયલ વિરુદ્ધ ઈશ્વરનો ચુકાદો

15 પ્રભુ કહે છે, “તેમનાં બધાં ભૂંડાં કામ ગિલ્ગાલમાં શરૂ થયાં. ત્યાં જ મને તેમના પર તિરસ્કાર આવ્યો અને તેમનાં ભૂંડાં કામોને લીધે હું તેમને મારા દેશમાંથી હાંકી કાઢીશ. હું હવેથી તેમના પર જરાય પ્રેમ રાખીશ નહિ. તેમના બધા જ આગેવાનોએ મારી વિરુદ્ધ બળવો કર્યો છે.

16 એફ્રાઇમના લોકો તો સુકાઈ ગયેલા મૂળવાળા ફળહીન છોડ જેવા છે. તેમને બાળકો નથી અને કદાપિ તેમને બાળકો થાય તો તેમનાં પ્રિય બાળકોનો હું સંહાર કરીશ.”

17 મારા ઈશ્વર તેમનો નકાર કરશે, કારણ, તેમણે તેમનું સાંભળ્યું નથી. તેથી તેઓ વિદેશી પ્રજાઓમાં ભટકશે.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan