હોશિયા 8 - પવિત્ર બાઇબલ C.L.મૂર્તિપૂજાનો વિરોધ 1 પ્રભુ કહે છે, “રણશિંગડું વગાડો, શત્રુઓ મારા દેશ પર ગરુડની પેઠે ઊતરી આવ્યા છે. મારા લોકોએ તેમની સાથે કરેલો મારો કરાર તોડયો છે અને મારા નિયમ વિરુદ્ધ બંડ પોકાર્યું છે. 2 જો કે તેઓ મને મદદ માટે પોકારે છે અને કહે છે, ‘ઓ ઇઝરાયલના પરમેશ્વર, અમે તમને સ્વીકારીએ છીએ,’ 3 તો પણ જે સારું છે તેનો તેમણે અનાદર કર્યો છે. એને લીધે તેમના શત્રુઓ તેમની પાછળ પડશે. 4 “મારા લોકોએ મારી સંમતિ વિના રાજાઓ સ્થાપ્યા છે અને મને પૂછયા વિના આગેવાનો પસંદ કર્યા છે. તેમણે પોતાના નાશ માટે સોનારૂપાની મૂર્તિઓ બનાવી છે, 5 સમરૂનના લોકો સોનાના વાછરડાની પૂજા કરે છે. હું તે ધિક્કારું છું અને મારો ક્રોધ તેમની વિરુદ્ધ સળગી ઊઠયો છે. તેઓ ક્યારે મૂર્તિપૂજાનો ત્યાગ કરશે? 6 ઇઝરાયલના કારીગરે મૂર્તિ બનાવી પણ તે કંઈ ઈશ્વર નથી. સમરૂનમાં પૂજાનાર સોનાના વાછરડાના ટુકડેટુકડા કરી નાખવામાં આવશે. 7 જો તેઓ પવન વાવે તો વંટોળિયો લણશે! ખેતરમાં અનાજ ન પાકે તો ખોરાક ન મળે. છતાં કદાચ અનાજ પાકે તો વિદેશીઓ તે ખાઈ જશે. 8 ઇઝરાયલના લોકો બીજી પ્રજાઓમાં ભળી ગયા છે અને ભાંગેલા વાસણ જેવા નકામા થઈ ગયા છે. 9 તેઓ સ્વછંદી જંગલી ગધેડાની જેમ પોતપોતાને માર્ગે ભટકે છે. તેઓ આશ્શૂરની મદદ માગવા ગયા છે. એફ્રાઇમના લોકોએ તેમના રક્ષણ માટે પોતાનાં મિત્ર રાજ્યોને પૈસા ચૂકવ્યા છે. 10 પણ હવે હું તેમને એકઠા કરીને સજા કરીશ. થોડા જ સમયમાં આશ્શૂરનો રાજા તેમના પર જુલમ ગુજારશે એટલે તેઓ દુ:ખથી બેવડા વળી જશે. 11 જેમ વેદીઓ વધારે તેમ પાપ વધારે; કારણ, એફ્રાઈમના લોકો વેદીઓ બાંધીને પાપ વધારે છે. 12 જો કે મારા લોકને માટે મારા નિયમશાસ્ત્રમાં હું હજારો વિધિઓ ઠરાવું, તોય તેઓ તેમને વિચિત્ર અને પરાયા ગણીને તેમનો અનાદર કરશે. 13 તેમને બલિદાનો ચડાવવાનું અને તેમનું માંસ ખાવાનું ગમે છે, પણ હું પ્રભુ તેમના પર પ્રસન્ન નથી અને હું તેમનાં પાપ સ્મરણ કરીને તેમને સજા કરીશ; હું તેમને પાછા ઇજિપ્ત મોકલી દઈશ. 14 “ઇઝરાયલના લોકોએ મહેલો બાંયા છે, પણ પોતાના સર્જકને ભૂલી ગયા છે. યહૂદિયાના લોકોએ કિલ્લેબંદીવાળાં નગરો બાંધ્યાં છે, પણ હું આગ મોકલીને તેમના મહેલો અને કિલ્લાઓને ભસ્મ કરી નાખીશ.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide