Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

હોશિયા 7 - પવિત્ર બાઇબલ C.L.

1 “જ્યારે જ્યારે હું ઇઝરાયલી પ્રજાને સાજા કરવા ઇચ્છતો ત્યારે ત્યારે મેં એફાઈમની દુષ્ટતા અને સમરૂનનાં ભૂંડાં કામો જ જોયાં છે. તેઓ એકબીજાને દગો દે છે, તેઓ ઘરમાં ધૂસી જઈને ચોરી કરે છે, તેઓ લોકોને શેરીઓમાં લૂંટે છે.

2 એમની સઘળી ભૂંડાઈ હું સ્મરણમાં રાખીશ એ વિચાર તો તેમના મનમાં આવતો જ નથી. પણ તેમનાં પાપે તેમને ચોગરદમ ઘેરી લીધા છે અને એ બધાં મારી દષ્ટિ આગળ છે.”


મહેલમાં પ્રપંચ

3 પ્રભુ કહે છે, “લોકો રાજાને અને તેના અધિકારીઓ ફોસલાવીને કપટ કરે છે.

4 તેઓ સૌ દ્રોહી અને દગાખોર છે. ભઠિયારો ભઠ્ઠીનો તાપ ધીમો રાખે છે અને લોટ બાંયા પછી ખમીર ચઢે ત્યારે જ અગ્નિ સંકોરીને તાપ વધારે છે. તમારો ધૂંધવાતો તિરસ્કાર પણ એવા ભારેલા અગ્નિ જેવો છે.

5 રાજાના ઉત્સવને દિવસે રાજાને અને અધિકારીઓને તેમણે ખૂબ દારૂ પીવડાવ્યો, એટલે સુધી કે તેમને ભાન ન રહ્યું.

6 તપાવેલી ભઠ્ઠીની જેમ તેઓ તેમના પ્રપંચમાં સળગતા રહ્યા. આખી રાત તેમનો રોષ ધૂંધવાતો રહ્યો અને સવારે તો જવાળાઓમાં ભભૂકી ઊઠયો.

7 તેમના ભભૂકી ઊઠેલા ક્રોધમાં તેઓ તેમના શાસકોને મારી નાખે છે. એમ તેમણે તેમના રાજાઓને એક પછી એક મારી નાખ્યા છે; પણ મદદ માટે કોઈ મને પ્રાર્થના કરતા નથી.”


ઇઝરાયલ અને અન્ય પ્રજાઓ

8 પ્રભુ કહે છે, “એફ્રાઈમ, મારા લોક, એક બાજુએ શેકેલી રોટલી જેવા છે. તેઓ આજુબાજુની પ્રજાઓ ઉપર આધાર રાખે છે,

9 અને સમજતા નથી કે વિદેશીઓ પર રાખેલો આધાર તેમની શક્તિ લૂંટી લે છે. તેમના દિવસો ભરાઈ ચૂક્યા છે, પણ તેની તેમને ખબર નથી.

10 ઇઝરાયલના લોકોનો ઘમંડ તેમની વિરુદ્ધ સાક્ષી પૂરે છે. એ બધું બન્યા છતાં તેઓ તેમના પ્રભુ પરમેશ્વર પાસે પાછા ફર્યા નથી.

11 ભોળા કબૂતરની જેમ એફ્રાઇમ મદદ માટે ફાંફાં મારે છે; પહેલાં તેના લોકો ઇજિપ્તની મદદ માગે છે અને પછી તેઓ આશ્શૂર તરફ દોડે છે!

12 પણ તેઓ ત્યાં જતાં હોય તેવામાં હું જાળ બિછાવીને તેમને પક્ષીઓની માફક પકડી લઈશ, ને તેમની ભૂંડાઈ માટે હું તેમને સજા કરીશ.

13 “તેમની કેવી દુર્દશા થશે! મને તરછોડીને તેમણે બળવો કર્યો છે. તેમનો સદંતર નાશ થશે. હું તેમને છોડાવવા માગતો હતો. પણ તેઓ તો મારે વિષે જુઠાણી વાતો ચલાવે છે.

14 તેમણે ખરા દિલથી મને પ્રાર્થના કરી નથી. એથી ઊલટું, તેઓ વિધર્મીઓની માફક જમીન પર આળોટે છે અને રડે છે. જ્યારે તેઓ અનાજ અને દ્રાક્ષાસવ માટે પ્રાર્થના કરે છે ત્યારે વિધર્મીઓની માફક તેઓ પોતાને ઘાયલ કરે છે. તેઓ કેવા બંડખોર છે!

15 જો કે મેં તેમની ઉન્‍નતિ કરી અને તેમને બળવાન બનાવ્યા તો પણ તેઓ મારી વિરુદ્ધ પ્રપંચ કરે છે.

16 તેઓ મને તરછોડીને નિર્માલ્ય દેવતાઓ પાછળ ભમ્યા કરે છે. તેઓ નિશાન ચૂકવી દે એવા વાંકા ધનુષ્ય જેવા છે. તેમના આગેવાનો તેમની ઘમંડી વાતોને લીધે ક્રૂર મોતે મરશે અને ઇજિપ્તવાસીઓ તેમની મશ્કરી ઉડાવશે.”

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan