હોશિયા 4 - પવિત્ર બાઇબલ C.L.ઇઝરાયલ સામે પ્રભુનો આરોપ 1 આ દેશના રહેવાસીઓ વિરુદ્ધ પ્રભુ ફરિયાદ કરવા માગે છે; “હે ઇઝરાયલી લોકો, સાંભળો: દેશમાં વફાદારી કે પ્રેમ રહ્યાં નથી અને લોકો મને ઈશ્વર તરીકે ગણકારતા નથી. 2 તેઓ વચનો આપે છે, પણ પાળતા નથી. તેઓ જુઠ્ઠું બોલે છે, ખૂન કરે છે, ચોરી કરે છે અને વ્યભિચાર આચરે છે. ગુનાઓ વધતા જાય છે અને ઉપરાઉપરી ખૂન થાય છે. 3 તેથી જમીન સુકાઈ જશે અને તેની પરના બધા જીવ મરણ પામશે. બધાં જ પ્રાણીઓ અને પક્ષીઓ, અરે, સમુદ્રનાં માછલાંય મરણ પામશે.” યજ્ઞકારો સામે ફરિયાદ 4 પ્રભુ કહે છે, “છતાં કોઈ લોકોનો જ દોષ ન કાઢે અથવા તેમને ઠપકો ન દે; કારણ, હે યજ્ઞકારો, મારી ફરિયાદ તો તમારી વિરુદ્ધ છે. તમે રાતદિવસ ભારે ગોટાળા કરો છો 5 અને સંદેશવાહકો પણ એમાં કંઈ ઊણા ઊતરે એવા નથી. તેથી હું તમારી જનેતા ઇઝરાયલનો નાશ કરીશ. 6 મારા લોકોનો નાશ નક્કી થઈ ચૂકયો છે. કારણ, તેઓ મને ઈશ્વર તરીકે ગણકારતા નથી. તમે યજ્ઞકારોએ મારો નકાર કર્યો છે અને મારા શિક્ષણનો ત્યાગ કર્યો છે, તેથી હું પણ તમારો ત્યાગ કરું છું અને તમારા પુત્રોને પણ યજ્ઞકાર તરીકે સ્વીકારીશ નહિ. 7 “યજ્ઞકારોની સંખ્યા વધે છે, તો તેટલાં પાપ પણ વધે છે. પણ હું તમારા સન્માનને અપમાનમાં ફેરવી નાખીશ. 8 મારા લોકનાં પાપને કારણે તમે ધનવાન થાઓ છો અને એટલે તેઓ વધારે ને વધારે પાપ કરે તેવું તમે ઇચ્છો છો. 9 પણ તમને તે લોકોના જેવી જ સજા થશે. હું તમને સજા કરીશ અને તમારે તમારી દુષ્ટતાની કિંમત ચૂકવવી પડશે. 10 તમે બલિદાનોનો તમારો હિસ્સો ખાશો, તોય તમે ભૂખ્યા રહેશો. તમે અન્ય દેવતાઓની પૂજા કરશો, પણ તમને બાળકો નહિ થાય, કારણ, તમે મને તરછોડીને અન્ય દેવતાઓને અનુસર્યા છો.” પ્રભુ મૂર્તિપૂજાને વખોડે છે 11 પ્રભુ કહે છે, “વેશ્યાગમન અને જૂના તથા નવા દ્રાક્ષાસવથી મારા લોક તેમની અક્કલ ગુમાવે છે. 12 તેઓ વૃક્ષના ઠૂંઠા પાસે સલાહ માગે છે અને એક લાકડી પાસે ઉત્તરની અપેક્ષા રાખે છે! તેમણે મારો ત્યાગ કર્યો છે. એક વ્યભિચારી સ્ત્રીની જેમ તેમણે પોતાને અન્ય દેવતાઓને સોંપ્યા છે. 13 પર્વતોની ટોચ પરનાં પૂજાસ્થાનોમાં તેઓ યજ્ઞો કરે છે અને ટેકરીઓ પર ઊંચાં અને ઘટાદાર ઓક વૃક્ષો નીચે સારો છાંયો હોવાથી તેઓ ત્યાં ધૂપ બાળે છે. “પરિણામે, તમારી પુત્રીઓ વેશ્યાગીરી કરે છે અને તમારી પુત્રવધૂઓ વ્યભિચાર કરે છે. 14 છતાં હું તેમને એ માટે સજા કરીશ નહિ. કારણ, તમે પોતે જ વેશ્યાઓ સાથે એકાંતમાં જાઓ છો અને મંદિરની દેવદાસીઓ સાથે જોડાઈને ભ્રષ્ટ અર્પણો ચઢાઓ છો.” આમ, અક્કલ વગરના લોકો નાશ વહોરી લે છે. 15 “હે ઇઝરાયલના લોકો, જો કે તમે વેશ્યાની જેમ બેવફા બનો, તો તેથી યહૂદિયાના લોકોએ એ જ બાબતમાં દોષિત બનવાની જરૂર નથી. ગિલ્ગાલ કે ‘બેથ-આવેન’માં ભક્તિ કરવા જશો નહિ અને ત્યાં જઈને જીવતા પ્રભુના નામે સમ ખાશો નહિ. 16 ઇઝરાયલના લોકો તો અડિયલ વાછરડી જેવા છે. મારે પ્રભુએ તેમને ઘાસનાં મેદાનમાં ઘેટાંની જેમ કેવી રીતે ચારવા? 17-18 એફ્રાઈમના લોકોએ તો મૂર્તિઓ સાથે સંબંધ બાંધ્યો છે; તેમને તેમના માર્ગે ભટકવા દો. પુષ્કળ દ્રાક્ષાસવ પીધા પછી તેઓ વ્યભિચારમાં મશગૂલ રહે છે અને સન્માનને બદલે અપમાન પસંદ કરે છે. 19 પણ વાયુના ઝપાટામાં તેઓ ઘસડાઈ જશે; તેમના વિધર્મી યજ્ઞોથી તેઓ લજ્જિત થશે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide