હોશિયા 2 - પવિત્ર બાઇબલ C.L.1 તે માટે તમારા ઇઝરાયલી બધુંઓને આમ્મી એટલે ‘પ્રભુના લોક’ અને રૂહામા એટલે ‘ઈશ્વરની દયા પામેલા’ એમ કહીને બોલાવો. ઇઝરાયલને શિક્ષા અને તેનું સંસ્થાપન 2 “મારાં બાળકો, તમારી માને વિનવણીપૂર્વક સમજાવો. કારણ, તે મારી પત્ની નથી અને હું તેનો પતિ નથી. તેને સમજાવો કે તે પોતાના ચહેરા પરથી વ્યભિચાર અને પોતાનાં સ્તનો વચ્ચેથી જારકર્મો દૂર કરે. 3 નહિ તો હું તેને નિર્વસ્ત્ર કરી દઈશ અને તે તેના જન્મ દિવસે હતી તેવી નગ્ન કરી દઈશ. હું તેને સૂકી અને વેરાન ભૂમિ જેવી કરી દઈશ અને તેને તરસે મારી નાખીશ. 4 હું તેનાં બાળકો પર દયા દર્શાવીશ નહિ; કારણ, તેઓ વ્યભિચારથી જન્મેલાં છે. 5 તેમની જનેતા નિર્લજજ વેશ્યા છે. તેણે પોતે જ કહ્યું, ‘હું તો મને ખોરાક, પાણી, ઊન અને અળસીરેસાનાં વસ્ત્રો, ઓલિવ તેલ અને દ્રાક્ષાસવ પૂરાં પાડનાર મારા આશકોની પાછળ જઈશ.’ 6 “એ માટે હું તેને કાંટાની વાડથી ઘેરી લઈશ અને તેની આસપાસ દીવાલ ઊભી કરીશ કે જેથી તે બહાર જઈ શકે નહિ. 7 તે પોતાના આશકો પાછળ પડશે, પણ તેઓ સુધી પહોંચી શકશે નહિ. તે તેમને શોધશે પણ તેઓ જડશે નહિ. પછી તે કહેશે, ‘હું મારા પ્રથમ પતિ પાસે પાછી જઈશ, કારણ, અત્યારનાં કરતાં હું ત્યારે વધારે સુખી હતી.’ 8 “હું જ તેને અનાજ, ઓલિવ તેલ અને દ્રાક્ષાસવ આપતો હતો એવું તો તે ક્યારેય સ્વીકારતી નથી. મેં જ તેને આપેલા અઢળક સોનારૂપાનો તેણે બઆલની ભક્તિમાં ઉપયોગ કર્યો. 9 તેથી કાપણીની મોસમમાં મારાં આપેલાં અનાજ અને દ્રાક્ષાસવ હું પાછાં લઈ લઈશ. 10 અને તેની લાજ ઢાંકવાને આપેલાં ઊન અને અળસીરેસા હું ખૂંચવી લઈશ. તેના આશકોના દેખતાં હું તેની લાજ ઉઘાડી પાડીશ, અને મારા હાથમાંથી તેને કોઈ છોડાવી શકશે નહિ. 11 હું તેનાં બધાં પર્વો એટલે તેના ઉત્સવો, ચાંદ્રમાસના પ્રથમ દિવસો, સાબ્બાથો અને નિયત થયેલ સર્વ ધાર્મિક સંમેલનોનો અંત આણીશ. 12 તેના દ્રાક્ષવેલા અને અંજીરીઓ જેઓ વિષે તેણે કહ્યું કે એ તો મારા આશકો પાસેથી વેતન તરીકે મળેલાં છે તેમનો હું વિનાશ કરીશ. હું તેની દ્રાક્ષવાડીઓ અને તેના બાગ બગીચાઓને વેરાન કરી નાખીશ, અને વન્ય પ્રાણીઓ તેમને ભેલાડી મૂકશે. 13 મને ભૂલી જઈને તે બઆલની આગળ ધૂપ બાળતી હતી અને નાકની વાળી તથા આભૂષણો પહેરીને આશકોની પાછળ પાછળ ભટક્તી હતી તે દિવસોને માટે હું તેને સજા કરીશ.” પ્રભુ પોતે એમ કહે છે. પોતાના લોકો પ્રત્યે પ્રભુનો પ્રેમ 14 “એ માટે હું તેને ભોળવી પટાવીને ફરીથી વેરાનપ્રદેશમાં લઈ જઈશ ને તેને પ્રેમાળ શબ્દોથી જીતી લઈશ. 15 હું તેને તેની દ્રાક્ષવાડીઓ પાછી આપીશ અને ‘વિપત્તિની ખીણ’ને આશાનું દ્વાર બનાવી દઈશ. તેની યુવાવસ્થામાં એટલે કે તે ઇજિપ્તમાંથી નીકળી આવી તે દિવસોમાં તેનો જેવો હતો તેવો જ પ્રતિભાવ તે મારા પ્રત્યે દાખવશે. 16 પછી તે મને ‘ઇશી’ (અર્થાત્ મારા સ્વામી) કહીને બોલાવશે અને ‘મારા બઆલ’ એમ કહીને મને ક્યારેય સંબોધશે નહિ. 17 હું તેને મુખે ‘બઆલ’નું નામ ફરી કદી ઉચ્ચારવા દઈશ નહિ. 18 “તે સમયે હું જંગલી જનાવરો, પક્ષીઓ અને પેટે ચાલનારાં પ્રાણીઓ સાથે કરાર કરીશ, એટલે તેઓ મારા લોકને કંઈ ઈજા પહોંચાડશે નહિ. હું ધનુષ્ય, તલવાર કે યુદ્ધનાં એવાં બધાં જ શસ્ત્રો નષ્ટ કરીશ અને મારા લોકને સલામતીમાં રાખીશ. 19 ઇઝરાયલ, હું તારી સાથે વિવાહ કરીશ. એ વિવાહ હું સત્યતાથી અને વિશ્વાસુપણે કરીશ. હું તારા પર અવિચળ પ્રેમ અને દયા દાખવીશ, અને સદાસર્વકાળ માટે તને મારી પોતાની કરી લઈશ. 20 હું મારું વચન પાળીશ અને તને મારી કરી લઈશ; અને હું તારો પ્રભુ છું એવું તું સાચે જ સ્વીકારશે. 21-22 તે સમયે હું મારા લોક યિઝ્રએલની પ્રાર્થનાઓ સાંભળીશ. પૃથ્વી પર વરસાદ વરસાવીશ એટલે ભૂમિ અનાજ, આસવ માટે દ્રાક્ષો અને તેલ માટે ઓલિવફળ નીપજાવશે. 23 હું મારા લોકને તેમના દેશમાં સ્થાપિત કરીશ અને તેમને સમૃદ્ધ કરીશ. “‘લો-રૂહામા’ એટલે ‘દયાવિહોણી’ એવા નામે જેઓ ઓળખાતા હતા તેમના પર હું દયા દાખવીશ; અને ‘મારા લોક નથી’ એવા નામે જેઓ ઓળખાતા હતા તેમને હું કહીશ કે, ‘તમે મારા લોક છો,’ અને તેઓ પ્રત્યુત્તર વાળશે, ‘તમે અમારા ઈશ્વર છો.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide