હોશિયા 14 - પવિત્ર બાઇબલ C.L.પાછા વળો, પ્રભુના લોક! 1 હે ઇઝરાયલના લોકો, તમારા પ્રભુ પરમેશ્વર પાસે પાછા આવો. તમારાં પાપોએ ઠોકર ખવડાવીને તમને પાડી નાખ્યા છે. 2 તમારી કબૂલાત સાથે તેની પાસે પાછા આવો અને કહો, “અમારાં પાપનું નિવારણ કરો અને કૃપા કરી અમારો સ્વીકાર કરો. અમે આખલાના અર્પણની જેમ અમારા મુખેથી તમને સ્તુત્યાર્પણ ચડાવીશું. 3 આશ્શૂર દેશ અમને બચાવી શકે નહિ અને યુદ્ધના ઘોડાઓ અમને રક્ષણ આપી શકે નહિ. હવે અમે મૂર્તિઓને નહિ કહીએ કે તમે અમારા ઈશ્વર છો. અમે કબૂલ કરીએ છીએ: હે પ્રભુ, અનાથો પર તમે દયા દર્શાવો છો.” નવજીવનની આશા 4 પ્રભુ કહે છે, “હું મારા લોકને છોડાવીને મારી પાસે પાછા લાવીશ. હું તેમના પર મારા પૂરા દયથી પ્રેમ રાખું છું. હવે હું તેમના પર કોપાયમાન નથી. 5 હું ઇઝરાયલી લોકો માટે ઝાકળરૂપ બનીશ અને તેઓ પોયણાંની માફક ખીલી ઊઠશે. લબાનોનનાં વૃક્ષોની જેમ તેમનાં મૂળ ઊંડાં જશે. 6 તેઓ નવા ફણગાની જેમ ફૂટશે અને ઓલિવ વૃક્ષ જેવી શોભા ધારણ કરશે. લબાનોનના દેવદારની જેમ તેઓ સુવાસિત થશે. 7 તેઓ ફરીથી મારી છાયામાં વસતા થશે. તેઓ વાડીની જેમ ફૂલશે અને ફાલશે અને દ્રાક્ષવેલાની જેમ ફળથી લચી પડશે. લબાનોનના દ્રાક્ષાસવની જેમ તેઓની કીર્તિ પ્રસરશે. 8 એફ્રાઈમના લોકોને મૂર્તિઓ સાથે શો સંબંધ હોય? હું તેમની પ્રાર્થના સાંભળીશ અને તેમની સારસંભાળ રાખીશ. સતત લીલાછમ રહેતા દેવદારની જેમ હું તેમને છાયારૂપ થઈશ, તેમની બધી જ આશિષોનું ઉદ્ગમસ્થાન હું જ છું.” 9 જે જ્ઞાની હોય તેણે અહીં લખેલી વાત સમજવી અને બુદ્ધિમાને તેને ગ્રહણ કરવી. પ્રભુના માર્ગો સત્ય છે અને નેક માણસો એમાં ચાલશે, પરંતુ પાપીઓ તેની અવગણના કરીને ઠોકર ખાશે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide