Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

હોશિયા 11 - પવિત્ર બાઇબલ C.L.


બંડખોર લોકો પર પ્રભુનો પ્રેમ

1 પ્રભુ કહે છે, “જ્યારે ઇઝરાયલ બાળક હતો ત્યારે મેં તેના પર પ્રેમ રાખ્યો અને ઇજિપ્તમાંથી મેં તેને મારા પુત્ર તરીકે બોલાવી લીધો.

2 પણ જેમ જેમ હું તેને બોલાવતો રહ્યો તેમ તેમ તે મારાથી દૂર થતો ગયો. તેમણે બઆલને બલિદાનો ચડાવ્યાં ને મૂર્તિઓ આગળ ધૂપ બાળ્યો.

3 મેં જ એફ્રાઇમને ચાલતાં શીખવ્યું. મેં જ તેમને મારા હાથમાં ઉછેર્યા. પણ મેં તેમની સારસંભાળ લીધી છે એવું તેમણે સ્વીકાર્યું નહિ.

4 મમતા અને પ્રેમથી મેં તેમને મારી તરફ ખેંચ્યા. મેં તેમને ઉઠાવીને ગાલસરસા ચાંપ્યા અને તેમને લળી લળીને ખવડાવ્યું.

5 પણ તેમણે મારી તરફ પાછા ફરવાનો ઇનકાર કર્યો છે એટલે તેમણે ઇજિપ્તમાં પાછા જવું પડશે અને આશ્શૂર તેમના પર રાજ કરશે.

6 તેમનાં શહેરોમાં લડાઈ વ્યાપી જશે; શહેરોના દરવાજાઓ તોડી પડાશે અને મારા લોકનો વિનાશ કરાશે કારણ, તેઓ પોતાની મરજી મુજબ વર્તે છે.

7 મારા લોકનું વલણ મારાથી વિમુખ થવાનું છે. તેમના પર લાદવામાં આવેલી ધૂંસરીને લીધે તેઓ પોક મૂકશે પણ કોઈ તે ઉઠાવી લેશે નહિ.

8 હે એફ્રાઈમ, હું તને કેવી રીતે તજી દઈ શકું? હું તને કેવી રીતે તરછોડું? આદમા નગરના જેવો તમારો નાશ કરું? અથવા તારા પ્રત્યે સબોઈમના જેવો વર્તાવ કરું? મારું મન મને એમ કરવા દેશે નહિ. કારણ, તમારા પ્રત્યેનો મારો પ્રેમ પ્રબળ છે.

9 હું મારા કોપમાં તમને સજા કરીશ નહિ, હું એફ્રાઈમનો બીજીવાર નાશ કરીશ નહિ; કારણ, હું ઈશ્વર છું, માણસ નહિ. હું, પવિત્ર ઈશ્વર તમારી સાથે છું; તમારી પાસે હું કોપાયમાન થઈને આવીશ નહિ.

10 “હું પ્રભુ તેમના શત્રુઓ પર સિંહની જેમ ગર્જીશ અને મારા લોક મને અનુસરશે. તેઓ પશ્ર્વિમમાંથી મારી પાસે ઉતાવળે આવશે.

11 તેઓ પક્ષીઓની ઝડપે ઇજિપ્તથી અને કબૂતરોની જેમ આશ્શૂરથી આવશે. હું તેમને તેમના વતનમાં પાછા લાવીશ. હું પ્રભુ એ બોલ્યો છું.”

12 પ્રભુ કહે છે, “ઇઝરાયલના લોકોએ મને જુઠાણાથી અને એફ્રાઈમના લોકોએ મને ઠગાઇથી ઘેરી લીધો છે. યહૂદિયાના લોકો મારી એટલે તેમના વિશ્વાસુ અને પવિત્ર ઈશ્વર વિરુદ્ધ બળવો કરે છે.”

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan