Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

હોશિયા 10 - પવિત્ર બાઇબલ C.L.

1 ઇઝરાયલના લોકો દ્રાક્ષોથી ભરપૂર ઘટાદાર દ્રાક્ષવેલા જેવા હતા. જેમ જેમ તેઓ ફળવંત થતા ગયા તેમ તેમ તેઓ વેદીઓ વધારતા ગયા. જેમ જેમ જમીનની પેદાશ વધતી ગઈ તેમ તેમ તેમના પૂજાસ્તંભોને વધારે ને વધારે શણગારતા ગયા.

2 તેમનાં હૃદયો કપટી છે, અને હવે પોતાનાં પાપ માટે તેમણે સહન કરવું પડશે. ઈશ્વર તેમની વેદીઓ તોડી પાડશે અને તેમના પૂજાસ્તંભોનો નાશ કરશે.

3 આ લોકો થોડા જ સમયમાં કહેશે, “અમારો કોઈ રાજા નથી, કારણ, આપણે ઈશ્વરની બીક રાખી નથી અને રાજા હોય તો પણ આપણને શા કામનો?”

4 તેઓ માત્ર મિથ્યા વાતો કરે છે, જુઠ્ઠાં વચનો આપે છે અને નકામા કરારો કરે છે! ખેતરના ચાસમાં ઊગી નીકળતા ઝેરી છોડવાઓ જેવો તેમનો ન્યાય અન્યાયમાં ફેરવાઇ ગયો છે.

5 સમરૂનના રહેવાસીઓ ભયભીત થશે અને બેથેલનો સોનાનો વાછરડો ઉપાડી જવામાં આવતાં તેઓ શોક કરશે. તેઓ અને તેના પૂજારી યજ્ઞકારો તેને લીધે કલ્પાંત કરશે. તેનો મહિમા ચાલ્યો જતાં તેઓ રોકકળ કરશે.

6 તે વાછરડાની મૂર્તિ જ નજરાણાં તરીકે આશ્શૂરના સમ્રાટ પાસે લઈ જવાશે. પોતે અનુસરેલી સલાહને લીધે ઇઝરાયલના લોકો અપમાનિત અને લજ્જિત થશે.

7 તેમનો રાજા પાણીમાં તરતી ચીપટની જેમ તણાઈ જશે.

8 ઇઝરાયલના લોકોનાં મૂર્તિપૂજાનાં તમામ ભૂંડા ઉચ્ચસ્થાનોનો નાશ કરવામાં આવશે. તેમની વેદીઓ ઉપર કાંટા અને ઝાંખરાં ઊગી નીકળશે. લોકો પર્વતોને હાંક મારશે, “અમને સંતાડો!” અને ટેકરીઓને વિનવશે, “અમને ઢાંકી દો!”


ઈશ્વરનું ઇઝરાયલ વિરુદ્ધ ન્યાયશાસન

9 પ્રભુ કહે છે, “ઇઝરાયલના લોકોએ ગિબ્યામાં તેમના પાપની શરૂઆત કરી ત્યારથી પાપ કરવાનું ચાલુ રાખ્યું છે. તેથી એ દુષ્ટોને લડાઈ ગિબ્યા પાસે જ ઝડપી લેશે.

10 આ પાપી લોકોને હું અચાનક ત્રાટકીને ગમે ત્યારે સજા કરીશ. પ્રજાઓ તેમની વિરુદ્ધ એકત્ર થશે અને તેમનાં બમણા પાપ માટે તેમને સજા થશે.

11 “એક સમયે એફ્રાઇમની પ્રજા અનાજ મસળવા માટે તૈયાર કરેલી એવી પલોટાયેલી વાછરડી જેવી હતી. પણ મેં તેની સુંદર ડોક પર ધુંસરી મૂકી અને સખત કામ કરવા મેં તેને હળ સાથે જોતરી. મેં યહૂદિયા પાસે ખેડ કરાવી અને ઇઝરાયલ પાસે ખેડેલી જમીન સમતળ કરાવી.

12 મેં કહ્યું, ‘તમારે માટે પડતર જમીનનું ખેડાણ કરો, નેકી વાવો અને મારા પ્રત્યેની તમારી નિષ્ઠાથી મળતી ફસલ પ્રાપ્ત કરો. હું આવીને તમારા પર આશિષની વૃષ્ટિ કરું ત્યાં સુધી મારી પાસે હા, તમારા પ્રભુ પાસે પાછા ફરવાનો આ સમય છે’.

13 પણ તમે તો તેને બદલે ભૂંડાઈ વાવી છે અને ફસલમાં દુષ્ટતા પામ્યા છો. તમે તમારા જુઠાણાનું પરિણામ ભોગવ્યું છે. “તમે તમારા રથો પર અને સૈન્યબળ પર ભરોસો રાખ્યો છે.

14 તેથી તમારા લોક પર લડાઈ આવી પડશે; અને તમારા બધા કિલ્લાઓ તોડી પાડવામાં આવશે. લડાઈમાં શાલ્માન રાજાએ બેથ-આર્બેલ શહેરનો નાશ કર્યો અને માતાઓને બાળકો સાથે પછાડી મારવામાં આવી તે દિવસના જેવું થશે.

15 હે બેથેલના લોકો, તમારી પણ એ જ દશા થશે. કારણ, તમે ભારે દુષ્ટતા આચરી છે. લડાઈની શરૂઆતમાં જ ઇઝરાયલનો રાજા માર્યો જશે.”

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan