Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

હોશિયા 1 - પવિત્ર બાઇબલ C.L.

1 યહૂદિયાના રાજાઓ ઉઝિયા, યોથામ, આહાઝ તથા હિઝકિયા અને ઇઝરાયલના રાજા, એટલે કે યોઆશના પુત્ર યરોબઆમના શાસનકાળ દરમ્યાન પ્રભુએ બએરીના પુત્ર હોશિયાને આપેલો આ સંદેશ છે.


હોશિયાની પત્ની અને બાળકો

2 પ્રભુ ઇઝરાયલ સાથે હોશિયા દ્વારા સૌ પ્રથમ બોલ્યા ત્યારે તેમણે તેને કહ્યું, “જા, એક સ્ત્રી સાથે લગ્ન કર; તે સ્ત્રી તને બેવફા નીવડશે અને તેને વ્યભિચારનાં સંતાન થશે. કારણ, એક વ્યભિચારિણીની જેમ મારા લોકોએ બેવફાઈથી મારો ત્યાગ કર્યો છે.”

3 તેથી હોશિયાએ દિબ્લાઈમની પુત્રી ગોમેર સાથે લગ્ન કર્યું. ગોમેર ગર્ભવતી થઈ અને તેણે તેને માટે પુત્રને જન્મ આપ્યો.

4 પ્રભુએ હોશિયાને કહ્યું, “તેનું નામ ‘યિઝ્રએલ’ પાડ; કારણ, યેહૂએ યિઝ્રએલમાં ખૂનરેજી ચલાવી હતી અને તેથી થોડા જ સમયમાં તેનો બદલો હું તેના વંશજો પર વાળીશ અને યેહૂના રાજવંશનો અંત આણીશ.

5 એ સમયે હું યિઝ્રએલની ખીણમાં ઇઝરાયલની લશ્કરી તાક્ત ખતમ કરી નાખીશ.”

6 ગોમેર ફરીથી ગર્ભવતી થઈ અને આ વખતે પુત્રી જન્મી. પ્રભુએ હોશિયાને કહ્યું, “તેનું નામ લો-રૂહામા એટલે ‘દયા- વિહોણી’ પાડ; કારણ, હું ઇઝરાયલના લોક પર દયા રાખીશ નહિ કે તેમને ક્ષમા કરીશ નહિ.

7 પણ હું યહૂદિયાના લોકો ઉપર દયા દર્શાવીશ અને તેમનો ઉદ્ધાર કરીશ; ધનુષ્યથી, તલવારથી, ઘોડાઓથી કે ઘોડેસ્વારોથી નહિ, પણ તેમના ઈશ્વર પ્રભુ તરીકે હું જાતે તેમનો ઉદ્ધાર કરીશ.”

8 પુત્રીને ધાવણ છોડાવ્યા પછી ગોમેર ફરીથી ગર્ભવતી થઈ અને તેને પુત્ર જન્મ્યો.

9 પ્રભુએ હોશિયાને કહ્યું, “તેનું નામ લો-આમ્મી એટલે ‘મારા લોક નથી’ પાડ; કારણ, ઇઝરાયલના લોક મારા લોક નથી અને હું તેમનો ઈશ્વર નથી.”


ઇઝરાયલનું પુન:સ્થાપન

10 ઇઝરાયલના લોકો દરિયાની રેતી સમાન અગણિત અને અમાપ થશે. અત્યારે પ્રભુ તેમને આમ કહે છે: “તમે મારા લોક નથી.” પણ એવો દિવસ આવે છે જ્યારે તે તેમને કહેશે, “તમે જીવતા ઈશ્વરના પુત્રો છો.”

11 યહૂદિયાના અને ઇઝરાયલના લોકો ફરીથી એક થશે. તેઓ પોતાને માટે એક જ આગેવાન પસંદ કરશે અને તેઓ ફરીથી તેમની ભૂમિ પર સ્થાપિત થશે અને સમૃદ્ધિ મેળવશે. સાચે જ યિઝ્રએલનો દિવસ મહાન દિવસ થશે!

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan