હિબ્રૂઓ 9 - પવિત્ર બાઇબલ C.L.પાર્થિવ અને સ્વર્ગીય આરાધના 1 પ્રથમ કરારમાં આરાધના માટે નિયમો તથા માનવરચિત ભજનસ્થાન હતાં. 2 એક મંડપ બનાવવામાં આવ્યો હતો અને તેનો બહારનો ભાગ પવિત્રસ્થાન કહેવાતો હતો. તે ભાગમાં દીપવૃક્ષ, મેજ તથા ઈશ્વરને અર્પિત રોટલી હતાં. 3 બીજા પડદાની પાછળ પરમ પવિત્ર સ્થાન હતું. 4 તેમાં ધૂપ બાળવા માટેની સુવર્ણ વેદી અને ચોમેર સોનાથી મઢેલી કરારપેટી હતાં. આ પેટીમાં માન્ના ભરેલું સુવર્ણપાત્ર, કળીઓ ફૂટેલી આરોનની લાકડી અને આજ્ઞાઓ લખેલી પથ્થરની બે પાટીઓ હતાં. 5 આ પેટીના ઢાંકણ પર કરૂબ દૂતો હતા. જ્યાં પાપોની ક્ષમા મળતી હતી તે જગ્યા પર તેમની પાંખો પ્રસરેલી હતી. પરંતુ આ સર્વ બાબતો વિગતવાર રીતે સમજાવવાનો અત્યારે સમય નથી. 6 આ વસ્તુઓ એ પ્રમાણે ગોઠવેલી હતી. યજ્ઞકારો પોતાની ફરજ બજાવવા મંડપની બહારના ભાગમાં દરરોજ જતા હતા; 7 પરંતુ મંડપના અંદરના ભાગમાં માત્ર પ્રમુખ યજ્ઞકાર વર્ષમાં એક જ વાર જતો હતો. તે પોતાની સાથે રક્ત લઈ જતો અને પોતાને માટે અને લોકોએ અજાણતાં કરેલાં પાપને બદલે તે રક્ત ઈશ્વરને અર્પણ કરતો. 8 આ બધી વ્યવસ્થા દ્વારા પવિત્ર આત્મા સ્પષ્ટ રીતે શીખવે છે કે જ્યાં સુધી બહારનો મંડપ ઊભો છે ત્યાં સુધી પરમ પવિત્રસ્થાનમાં જવાનો માર્ગ ખોલવામાં આવ્યો નથી. 9 આ ચિત્ર તો વર્તમાન સમયનો નિર્દેશ કરે છે. એનો અર્થ એ થાય છે કે ઈશ્વરને ચઢાવેલાં અર્પણો અને બલિદાનો ભક્તના દયને સંપૂર્ણ રીતે પવિત્ર કરી શક્તાં નથી. 10 તેમનો સંબંધ ફક્ત ખોરાક, પીણાં અને જુદા જુદા પ્રકારના શુદ્ધિકરણના રીતરિવાજો સાથે જ છે. ઈશ્વર નવી વ્યવસ્થાની સ્થાપના કરે ત્યાં સુધી જ આ સર્વ બાહ્ય નિયમો લાગુ પડતા હતા. 11 પરંતુ જે સારી બાબતો અત્યારે પણ હયાત છે તેના પ્રમુખ યજ્ઞકાર તરીકે ખ્રિસ્ત આવી પહોંચ્યા છે. જે મંડપમાં તે સેવા કરે છે તે વધુ મહાન અને વધારે સંપૂર્ણ છે. તે મંડપ માણસો દ્વારા બનાવવામાં આવ્યો નથી, એટલે કે તે આ સર્જેલી સૃષ્ટિનો ભાગ નથી. 12 ખ્રિસ્ત એ મંડપમાં થઈને સર્વકાળ માટે માત્ર એક જ વાર પરમ પવિત્રસ્થાનમાં પ્રવેશ્યા. તે પોતાની સાથે અર્પણ તરીકે બકરા અને વાછરડાનું રક્ત લઈને નહીં પરંતુ પોતાનું રક્ત લઈને પ્રવેશ્યા અને તે દ્વારા આપણે માટે સાર્વકાલિક ઉદ્ધાર પ્રાપ્ત કર્યો. 13 વિધિગત રીતે અશુદ્ધ હોય તેઓ પર બકરા તથા વાછરડાનું રક્ત અને વાછરડીની રાખ છાંટવામાં આવે છે અને તે દ્વારા તેમને તેમની તેવી અશુદ્ધતામાંથી શુદ્ધ કરવામાં આવે છે. 14 જો એ સાચું છે તો ખ્રિસ્તના રક્ત દ્વારા શુદ્ધતા મળે તે કેટલું વધારે શકાય છે! કારણ, સનાતન આત્મા દ્વારા તેમણે પોતાનું સંપૂર્ણ બલિદાન ઈશ્વરને અર્પણ કર્યું. તેમનું રક્ત આપણાં અંત:કરણોને મર્ત્ય કાર્યોથી શુદ્ધ કરે છે; જેથી આપણે જીવંત ઈશ્વરની સેવા કરી શકીએ. 15 આ કારણથી ખ્રિસ્ત નવા કરારના મયસ્થ છે, જેથી જેમને ઈશ્વરે આમંત્રણ આપ્યું છે તેઓ, ઈશ્વરે જે સાર્વકાલિક આશિષો સંબંધી વચન આપ્યું છે, તે પ્રાપ્ત કરે. તે એટલા માટે શકાય છે કે, પહેલા કરારના અમલ દરમિયાન મનુષ્યોથી થયેલાં ઉલ્લંઘનોમાંથી મુક્તિ અપાવનાર મરણ ખ્રિસ્તે સહન કર્યું છે. 16 વસિયતનામાની બાબતમાં, વસિયતનામું કરનાર વ્યક્તિ મૃત્યુ પામી છે એ પુરવાર કરવું અગત્યનું છે. 17 કારણ, વસિયતનામું કરનાર વ્યક્તિ જીવે છે ત્યાં સુધી એ વસિયતનામાનો અમલ થઈ શક્તો નથી, પણ ફક્ત તેના મૃત્યુ પછી જ તેનો અમલ થઈ શકે. 18 તેથી જ પ્રથમ કરાર પણ રક્તના ઉપયોગ દ્વારા જ અમલમાં લાવવામાં આવ્યો. 19 મોશેએ પ્રથમ લોકોને નિયમશાસ્ત્રની સર્વ આજ્ઞાઓ કહી સંભળાવી. ત્યાર પછી તેણે વાછરડાનું રક્ત તથા પાણી લીધાં અને ઝૂફા અને કિરમજી ઊન વડે નિયમના પુસ્તક પર તથા સર્વ લોકો પર છાંટયાં. 20 તેણે કહ્યું, “ઈશ્વરે જે કરારને આધીન રહેવાનું તમને ફરમાવ્યું છે તેને આ રક્ત મુદ્રાંક્તિ કરે છે.” 21 તે જ પ્રમાણે, મોશેએ મંડપ પર તથા ભજનસેવામાં વપરાતી સર્વ વસ્તુઓ પર પણ રક્તનો છંટકાવ કર્યો. 22 અલબત્ત, નિયમશાસ્ત્ર પ્રમાણે લગભગ બધી જ વસ્તુઓ રક્ત દ્વારા શુદ્ધ થાય છે; અને રક્ત વહેવડાવ્યા વગર પાપોની ક્ષમા મળતી નથી. પાપ દૂર કરવાનો માર્ગ 23 સ્વર્ગીય વસ્તુઓના નમૂનાઓને આ રીતે શુદ્ધ કરવામાં આવતા હતા પરંતુ સ્વર્ગીય વસ્તુઓ માટે વધુ સારાં બલિદાનોની જરૂર પડે છે. 24 કારણ, ખ્રિસ્ત માણસે બનાવેલ પવિત્ર સ્થાન કે જે માત્ર નમૂનો છે તેમાં નહિ, પરંતુ તે સ્વર્ગમાં જ ગયા; જ્યાં તે પણ આપણે માટે ઈશ્વરની હાજરીમાં ઉપસ્થિત થાય છે. 25 યહૂદી પ્રમુખ યજ્ઞકાર પવિત્ર સ્થાનમાં દર વર્ષે પ્રાણીઓના રક્ત સાથે પ્રવેશ કરે છે. પણ પોતાનું અર્પણ કરવા માટે ખ્રિસ્તે ઘણીવાર પ્રવેશ કર્યો નથી; 26 કારણ, જો તે પ્રમાણે હોત તો સૃષ્ટિના સર્જનથી જ ઘણીવાર તેમને દુ:ખસહન કરવું પડયું હોત. તેને બદલે, જ્યારે સર્વ યુગોનો અંત પાસે આવ્યો છે, ત્યારે પોતાના બલિદાન દ્વારા પાપ દૂર કરવા તે સર્વકાળ માટે ફક્ત એક જ વાર પ્રવેશ્યા. 27 દરેક વ્યક્તિએ એકવાર મરવું પડે છે અને ત્યાર પછી ઈશ્વર દ્વારા તેનો ન્યાય થાય છે. 28 તે જ પ્રમાણે ઘણાનાં પાપ દૂર કરવા માટે ખ્રિસ્તનું રક્ત એક જ વાર અર્પણ કરવામાં આવ્યું. તેઓ બીજીવાર પાપના સંબંધમાં નહિ, પરંતુ જેઓ તેમની પ્રતીક્ષા કરે છે તેમનો ઉદ્ધાર કરવા પ્રગટ થશે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide