હિબ્રૂઓ 8 - પવિત્ર બાઇબલ C.L.આપણા પ્રમુખ યજ્ઞકાર 1 અમારા કહેવાનો સાર આ છે: આપણા આ પ્રમુખ યજ્ઞકાર એવા છે કે જેઓ સ્વર્ગમાં રાજાધિરાજના રાજ્યાસનની જમણી તરફ બિરાજેલા છે. 2 તે માણસ નહિ, પણ પ્રભુ દ્વારા ઊભા કરાયેલા એવા સાચા મંડપના, પ્રમુખ યજ્ઞકાર તરીકે પરમ પવિત્રસ્થાનમાં સેવા કરે છે. 3 પ્રત્યેક પ્રમુખ યજ્ઞકારને ઈશ્વર આગળ અર્પણ કરવા અને પ્રાણીઓનાં બલિદાન ચઢાવવા નીમવામાં આવે છે. તેથી આપણા પ્રમુખ યજ્ઞકાર પાસે પણ અર્પણ કરવા માટે કંઈક હોવું જોઈએ, 4 જો તે પૃથ્વી પર હોત તો તે કદી જ યજ્ઞકાર બની શક્ત નહિ. કારણ, યહૂદી નિયમ પ્રમાણે અર્પણ કરનારા તો ઘણા યજ્ઞકારો છે. 5 યજ્ઞકાર તરીકે તેઓ જે કાર્ય કરે છે, તે તો માત્ર સ્વર્ગીય મંડપનો નમૂનો અને પ્રતિછાયા છે. મોશેના સંબંધમાં પણ એવું જ હતું. જ્યારે તે મંડપ બનાવવાની શરૂઆત કરવાનો હતો ત્યારે ઈશ્વરે તેને કહ્યું, “પર્વત પર તને જે નમૂનો બતાવવામાં આવ્યો તે જ પ્રમાણે બધું કરવાની ચોક્સાઈ રાખજે.” 6 ઈશ્વર અને તેમના લોકો વચ્ચે ઈસુએ કરેલો કરાર વધુ સારાં વચનો પર આધારિત હોવાથી ચડિયાતો છે, તેમ એ બીજા યજ્ઞકારો કરતાં ઈસુને સોંપાયેલું યજ્ઞકાર તરીકેનું કાર્ય ચડિયાતું છે. 7 જો પ્રથમ કરારમાં કંઈ જ ઊણપ ન હોત તો બીજા કરારની જરૂર ન પડત. 8 પરંતુ ઈશ્વર પોતાના લોકોનો દોષ કાઢતાં કહે છે: “પ્રભુ કહે છે: એવા દિવસો આવે છે, જ્યારે હું ઇઝરાયલ તથા યહૂદાના લોકની સાથે નવો કરાર કરીશ. 9 “પ્રભુ કહે છે: મેં તેમના પૂર્વજોને તેમનો હાથ પકડીને ઇજિપ્ત દેશમાંથી મુક્ત કર્યા ત્યારે મેં જે કરાર તેમની સાથે કર્યો તેના જેવો એ કરાર નહિ હોય.” “મેં તેમની સાથે કરેલા કરારને તેઓ વિશ્વાસુ રહ્યા નહિ. અને તેથી મેં તેમની કંઈ પરવા કરી નહીં.” 10 હવે, આવનાર દિવસોમાં હું ઇઝરાયલી લોકો સાથે આ કરાર કરીશ એવું પ્રભુ કહે છે: હું મારા નિયમો તેમના મનમાં મૂકીશ, અને તે તેમના દયપટ પર લખીશ. “હું તેમનો ઈશ્વર થઈશ, અને તેઓ મારા લોક થશે. 11 તેમનામાંના કોઈએ પોતાના સાથી નાગરિકને કે પોતાના દેશબધુંને ‘પ્રભુને ઓળખ’ એમ કહીને શીખવવું પડશે નહિ. 12 કારણ, નાનામોટા સૌ મને ઓળખતા હશે. તેમના અપરાધોના સંબંધમાં હું દયા દર્શાવીશ અને હવેથી હું તેમનાં પાપ યાદ કરીશ નહીં.” 13 નવા કરાર સંબંધી વાત કરીને ઈશ્વરે પ્રથમ કરારને જૂનો ઠરાવ્યો; અને જે વસ્તુ જૂની અને ર્જીણ થઈ જાય છે તે થોડા વખતમાં જતી રહે છે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide