હિબ્રૂઓ 7 - પવિત્ર બાઇબલ C.L.મેલ્ખીસેદેક યજ્ઞકાર 1 મેલ્ખીસેદેક શાલેમનો રાજા તથા સર્વોચ્ચ ઈશ્વરનો યજ્ઞકાર હતો. અબ્રાહામ કેટલાક રાજાઓનો પરાજય કરીને યુદ્ધમાંથી પાછો આવતો હતો ત્યારે મેલ્ખીસેદેક તેને મળ્યો અને આશિષ આપી. 2 અબ્રાહામે મળેલી બધી લૂંટમાંથી તેને દશમો ભાગ આપ્યો. (મેલ્ખીસેદેકના નામનો મૂળ અર્થ “ન્યાયદક્ષ રાજા” થાય છે. વળી, તે શાલેમનો રાજા હતો તેથી તેના નામનો બીજો અર્થ “શાંતિનો રાજા” પણ થાય છે). 3 મેલ્ખીસેદેકનાં માતાપિતા કે તેના કોઈપણ પૂર્વજની કોઈ નોંધ મળતી નથી. વળી, તેના જન્મ કે મરણ સંબંધી પણ કોઈ નોંધ નથી. તે ઈશ્વરપુત્ર જેવો છે; યજ્ઞકાર તરીકે તે સર્વકાળ રહે છે. 4 મેલ્ખીસેદેક કેટલો મહાન હતો તે લક્ષમાં લો! આદિપિતા અબ્રાહામે યુદ્ધમાંથી મળેલી લૂંટનો દશમો ભાગ તેને આપ્યો. 5 લેવીના વંશમાં યજ્ઞકાર બનનારાઓને ઇઝરાયલી લોકો પાસેથી દશાંશ લેવાની નિયમશાસ્ત્રમાં આજ્ઞા આપવામાં આવી છે. આનો અર્થ તો એ થયો કે પોતે અબ્રાહામના વંશજો હોવા છતાં પણ પોતાના જાતભાઈઓ પાસેથી તેઓ દશાંશ મેળવે છે. 6 મેલ્ખીસેદેક લેવીના વંશનો ન હતો. તો પણ તેણે અબ્રાહામ પાસેથી દશાંશ મેળવ્યો; એટલું જ નહિ, જેને પ્રભુએ વરદાન આપ્યું હતું તેવા અબ્રાહામને તેણે આશિષ આપી. 7 આશિષ આપનાર વ્યક્તિ એ આશિષ મેળવનાર વ્યક્તિ કરતાં મહાન છે એમાં કોઈ જ શંકા નથી. 8 દશાંશ ઉઘરાવનારા યજ્ઞકારો તો મર્ત્ય છે, પરંતુ મેલ્ખીસેદેકના સંબંધમાં તો જેમ શાસ્ત્ર કહે છે તે પ્રમાણે, અમર માનવે દશાંશ મેળવ્યો. 9 એમ કહી શકાય કે જ્યારે અબ્રાહામે દશાંશ આપ્યો ત્યારે જેના વંશજો દશાંશ ઉઘરાવે છે એવા લેવીએ પણ દશાંશ આપ્યો. 10 કારણ, લેવી હજી જન્મ્યો ન હતો. તેથી એમ કહી શકાય કે તેનો પૂર્વજ અબ્રાહામ મેલ્ખીસેદેકને મળ્યો ત્યારે લેવી અબ્રાહામની કમરમાં બીજરૂપે હતો. 11 લેવીઓના યજ્ઞકાર પદને આધારે ઇઝરાયલી લોકોને નિયમ આપવામાં આવ્યો. હવે જો લેવીય યજ્ઞકારોનું કાર્ય ખામીરહિત ન હોત, તો આ આરોનના યજ્ઞકારપદની પરંપરા પ્રમાણે નહિ, પણ મેલ્ખીસેદેકના યજ્ઞકારપદની પરંપરા પ્રમાણેના બીજા પ્રકારના યજ્ઞકારની જરૂર પડી ન હોત. 12 તેથી જ્યારે યજ્ઞકારપદ બદલાય છે ત્યારે નિયમ પણ બદલાય છે. 13 વળી, આપણા પ્રભુ જેમના સંબંધી આ બધું કહેવામાં આવ્યું છે તે બીજા જ કુળના હતા. અને આ કુળની કોઈ વ્યક્તિએ યજ્ઞકાર તરીકે વેદીની સેવા કદી કરી નથી. 14 એ તો જાણીતી વાત છે કે તે તો યહૂદાના કુળમાં જન્મ્યા હતા; અને યજ્ઞકારો સંબંધી બોલતાં મોશેએ આ કુળનો ઉલ્લેખ કર્યો ન હતો. મેલ્ખીસેદેક જેવા બીજા યજ્ઞકાર 15 આ બાબત વધુ સ્પષ્ટ બને છે કે મેલ્ખીસેદેક જેવા બીજા એક યજ્ઞકાર ઊભા થયા છે. 16 તેમને માનવી નિયમો કે ધારાધોરણ પ્રમાણે યજ્ઞકાર બનાવવામાં આવ્યા નથી; તે તો સાર્વકાલિક જીવનના સામર્થ્યથી યજ્ઞકાર બન્યા છે. 17 કારણ, શાસ્ત્ર કહે છે, “મેલ્ખીસેદેકના યજ્ઞકાર- પદની પરંપરા પ્રમાણે તું સનાતન યજ્ઞકાર છે.” 18 જૂનો નિયમ નિર્બળ અને નિરુપયોગી હોવાથી રદ કરાયો છે. 19 કારણ, મોશેનો નિયમ કશાને સંપૂર્ણ કરી શક્તો નથી. પણ હવે જેના દ્વારા આપણે ઈશ્વરની નજીક આવીએ એવી વધુ સારી આશા આપવામાં આવેલી છે. 20 આ ઉપરાંત, એમાં ઈશ્વરના શપથ પણ છે. જ્યારે બીજાઓને યજ્ઞકાર બનાવવામાં આવ્યા ત્યારે આવા કોઈ શપથ નહોતા. 21 પરંતુ ઈસુ શપથ દ્વારા યજ્ઞકાર બન્યા, “ઈશ્વરે શપથ લીધા છે, અને તે પોતાના વિચારો બદલશે નહિ. ‘તું સનાતન યજ્ઞકાર છે.” 22 આ તફાવત ઈસુને વધુ સારા કરારના જામીન બનાવે છે. 23 વળી, બીજો પણ એક તફાવત છે; પેલા બીજા યજ્ઞકારો ઘણા હતા, કારણ, તેઓ મૃત્યુ પામતા હતા અને તેથી તેઓ પોતાના કાર્યમાં ચાલુ રહી શક્તા ન હતા. 24 પરંતુ ઈસુ સર્વકાળ જીવે છે, અને તેથી તેમનું યજ્ઞકારપદ સાર્વકાલિક છે. 25 તેથી જેઓ તેમના દ્વારા ઈશ્વર પાસે આવે છે તેમનો પૂરેપૂરો ઉદ્ધાર કરવાને તે હરહંમેશ શક્તિમાન છે. કારણ, એવા લોકો માટે ઈશ્વર સમક્ષ મયસ્થી કરવા તે સર્વકાળ જીવે છે. 26 ઈસુ, આપણી જરૂરિયાતો પૂરી કરે તેવા પ્રમુખ યજ્ઞકાર છે. તે પવિત્ર છે; તેમનામાં કોઈ દોષ કે પાપ નથી; તેમને પાપી મનુષ્યોથી અલગ કરવામાં આવેલા છે અને આકાશ કરતાં પણ ઊંચે ચઢાવવામાં આવેલા છે. 27 તેથી બીજા પ્રમુખ યજ્ઞકારોની જેમ તેમને દરરોજ પ્રથમ પોતાનાં પાપોને માટે અને પછી લોકોનાં પાપોને માટે બલિદાન અર્પવાં પડતાં નથી. તેમણે પોતાનું અર્પણ કર્યું ત્યારે તેમણે હંમેશને માટે પર્યાપ્ત એવું બલિદાન એક જ વખત કર્યું. 28 મોશેનો નિયમ પ્રમુખ યજ્ઞકાર તરીકે અપૂર્ણ માનવોને નીમે છે. પરંતુ નિયમ પછી આવેલું ઈશ્વરનું શપથપૂર્વકનું વચન, સર્વકાળ માટે સંપૂર્ણ બનાવવામાં આવેલા પુત્રને પ્રમુખ યજ્ઞકાર તરીકે નીમે છે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide