Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

હિબ્રૂઓ 6 - પવિત્ર બાઇબલ C.L.

1 તેથી આપણે ખ્રિસ્તી સિદ્ધાંતના પ્રાથમિક શિક્ષણથી પણ આગળ જઈને સંપૂર્ણ શિક્ષણ તરફ વધીએ. નિર્જીવ કાર્યોથી પાછા ફરવું અને ઈશ્વરમાં વિશ્વાસ કરવો;

2 બાપ્તિસ્માઓ સંબંધીનું શિક્ષણ તથા હાથ મૂકવાની ક્રિયા, મૂએલાંઓનું સજીવન કરાવું અને સાર્વકાલિક ન્યાય - આવાં પ્રાથમિક સત્યોના પાયા આપણે ફરીથી ન નાખીએ.

3 ઈશ્વરની પરવાનગી હોય તો આપણે એ બધું કરીશું.

4 જેઓ એકવાર ઈશ્વરના પ્રકાશમાં હતા, જેમણે સ્વર્ગીય બક્ષિસનો સ્વાદ માણ્યો,

5 પવિત્ર આત્માના ભાગીદાર થયા, ઈશ્વરના સંદેશની ઉત્તમતાનો અનુભવ કર્યો અને આવનાર યુગના સામર્થ્યનો અનુભવ કર્યો,

6 અને પછી અધ:પતન પામ્યા, તેમને પાપથી પાછા ફેરવવા એ અશક્ય છે. કારણ, તેઓ ઈશ્વરના પુત્રને પોતામાં ફરીવાર ક્રૂસે જડે છે અને તેમને જાહેરમાં નિંદાપાત્ર કરે છે.

7 જે જમીન તેના પર વારંવાર પડતા વરસાદને શોષે છે અને જેણે તેને તૈયાર કરી છે તેને માટે ઉપયોગી છોડ ઉગાડે છે,

8 તેને ઈશ્વર આશિષ આપે છે. પણ તે જમીન કાંટા ઝાંખરા ઉગાડે તો બિનઉપયોગી બને છે. તેવી જમીન શાપિત થવાના જોખમમાં છે; તે અગ્નિ દ્વારા બાળી નંખાશે.

9 જો કે અમે આમ કહીએ છીએ તોપણ પ્રિયજનો, તમારાં કૃપાદાનો તેમ જ તમારા ઉદ્ધાર સંબંધી અમને ખાતરી છે, અને ઈશ્વર પક્ષપાતી નથી.

10 તમે જે કાર્યો કર્યાં અથવા તમારા સાથી ખ્રિસ્તીઓને જે મદદ તમે કરી અને હજી પણ કરી રહ્યા છો તે દ્વારા જે પ્રેમ ઈશ્વર તરફ તમે બતાવ્યો તે તે ભૂલી જશે નહિ.

11 અમારી એવી ઝંખના છે કે તમારી આશાની પરિપૂર્ણતા માટે તમે સૌ તે આશામાં અંત સુધી ખંત દાખવો.

12 તમે આળસુ ન બનો, પણ વિશ્વાસ અને ધીરજથી ઈશ્વરનાં વચનોનો વારસો મેળવનારાઓનું અનુકરણ કરો.


ઈશ્વરનું સત્ય વચન

13 ઈશ્વરે અબ્રાહામને વચન આપ્યું ત્યારે વચન મુજબ કરવાને તેમણે શપથ લીધા હતા. ઈશ્વર કરતાં બીજું કોઈ મોટું ન હોવાથી, તેમણે શપથ લેતી વખતે પોતાના જ નામનો ઉપયોગ કર્યો.

14 તેમણે કહ્યું, “હું તને વચન આપું છું કે હું તને આશિષ આપીશ અને ઘણાં સંતાનો પણ આપીશ.”

15 અબ્રાહામ ધીરજવાન હતો અને તેથી તેના હક્કમાં ઈશ્વરે આપેલું વચન પૂર્ણ થયું.

16 માણસ શપથ લે છે ત્યારે તે પોતા કરતાં બીજી કોઈ મહાન વ્યક્તિના નામનો ઉપયોગ કરે છે, અને એમ શપથ માણસો વચ્ચેના વિવાદનો નિકાલ લાવે છે.

17 ઈશ્વરનો હેતુ અફર છે એવું વચનના ભાગીદાર થનારાઓને સ્પષ્ટ થાય તે માટે તેમણે શપથ સાથે પોતાનું વચન આપ્યું.

18 તેથી વચન તથા શપથ એ બે બાબતો એવી છે કે તે કદી બદલાઈ શકે નહિ. તેમજ તેના સંબંધી ઈશ્વર જૂઠું બોલી શક્તા નથી. તેથી તેની સાથે સલામતી મેળવનાર એવા આપણને આપણી સમક્ષ મૂકવામાં આવેલી આશાને દૃઢતાથી વળગી રહેવા માટે ઘણું પ્રોત્સાહન મળે છે.

19 આ આશા તો આપણા આત્મા માટે લંગર સમાન છે. તે સલામત અને ચોક્કસ છે તથા સ્વર્ગીય મંદિરના પડદામાં થઈને છેક અંદરના ભાગમાં પ્રવેશ કરે છે.

20 ઈસુ આપણી પહેલાં આપણે માટે ત્યાં પ્રવેશીને મેલ્ખીસેદેકના યજ્ઞકારપદની પરંપરા પ્રમાણે સનાતન પ્રમુખ યજ્ઞકાર બન્યા છે.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan