હિબ્રૂઓ 5 - પવિત્ર બાઇબલ C.L.1 દરેક પ્રમુખ યજ્ઞકાર માણસોમાંથી પસંદ કરવામાં આવે છે અને તેમના પ્રતિનિધિ તરીકે ઈશ્વરની સેવા કરવા, તેમજ અર્પણો તથા પાપોને માટે બલિદાનો ચઢાવવા તેને નીમવામાં આવે છે. 2 પ્રમુખ યજ્ઞકારના પોતાનામાં ય ઘણી નબળાઈઓ હોઈ, તે અજ્ઞાન તથા ભૂલો કરનારાઓ પ્રત્યે સહાનુભૂતિપૂર્વક વર્તી શકે છે. 3 વળી, તે પોતે નિર્બળ હોવાથી ફક્ત બીજાઓનાં જ નહિ, પરંતુ પોતાનાં પાપના પ્રાયશ્ર્વિત્ત માટે પણ તેણે બલિદાનો અર્પણ કરવાં પડે છે. 4 કોઈ વ્યક્તિ પ્રમુખ યજ્ઞકાર થવાનું માન પોતે જ પસંદ કરતી નથી, પરંતુ આરોનની જેમ ફક્ત ઈશ્વરના આમંત્રણ અનુસાર જ માણસ પ્રમુખ યજ્ઞકાર બને છે. 5 તે જ રીતે, ખ્રિસ્તે પણ પ્રમુખ યજ્ઞકાર થવાનું માન પોતે લીધું નહિ. પરંતુ ઈશ્વરે તેમને એ માન આપ્યું અને કહ્યું, “તું મારો પુત્ર છે, આજે હું તારો પિતા બન્યો છું.” 6 તેમણે બીજી જગ્યાએ એમ પણ કહ્યું, “તું મેલ્ખીસેદેકના યજ્ઞકારપદની પરંપરા પ્રમાણે મારો સનાતન યજ્ઞકાર છે.” 7 આ પૃથ્વી પરના પોતાના જીવન દરમિયાન ઈસુએ તેમને મૃત્યુમાંથી બચાવનાર ઈશ્વરને મોટે ઘાંટે તથા આંસુઓ સહિત પ્રાર્થનાઓ અને વિનંતીઓ કરી. તે નમ્ર અને આજ્ઞાંક્તિ હતા તેથી ઈશ્વરે તેમનું સાંભળ્યું. 8 તે ઈશ્વરપુત્ર હોવા છતાં દુ:ખસહન દ્વારા આજ્ઞાપાલન શીખ્યા. 9 તે સંપૂર્ણ બન્યા, ત્યારે તેમને આજ્ઞાંક્તિ બનનાર બધાને માટે તે સાર્વકાલિક ઉદ્ધારનું ઉદ્ગમસ્થાન બની ગયા. 10 અને ઈશ્વરે તેમને મેલ્ખીસેદેકના યજ્ઞકારપદની પરંપરા પ્રમાણે પ્રમુખ યજ્ઞકાર જાહેર કર્યા. વિશ્વાસના ત્યાગ વિરુદ્ધ ચેતવણી 11 આ મેલ્ખીસેદેક પરથી અમારે ઘણું કહેવાનું છે. પરંતુ તમારી સમજશક્તિ એટલી મંદ છે કે તમને તે સમજાવવું ઘણું અઘરું છે. 12 શિક્ષકો બનવા માટે તમને પૂરતો સમય મળ્યો છે; છતાં અત્યારે તો ઈશ્વરના સંદેશાનાં પ્રાથમિક સત્યો કોઈ તમને ફરીથી શીખવે એવી જરૂર છે. ભારે ખોરાકને બદલે તમારે હજી દૂધ પર રહેવું પડે છે. 13 જો કોઈને હજી દૂધ પર રહેવું પડતું હોય તો તે હજી સુધી બાળક છે, અને સારુંનરસું પારખવામાં બિનઅનુભવી છે. 14 પણ પરિપકવતાએ પહોંચેલાઓ માટે તો ભારે ખોરાક છે, કારણ, સારી નરસી બાબતો પારખવા તેમની વિવેકશક્તિ કેળવાયેલી છે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide