હિબ્રૂઓ 4 - પવિત્ર બાઇબલ C.L.1 તેથી આપણે ભય રાખીએ; રખેને ઈશ્વરે આપણને તેમના વિશ્રામમાં પ્રવેશવાનું આપેલું વચન જારી હોવા છતાં કદાચ તમારામાંનો કોઈ તે વિશ્રામમાં પ્રવેશ કરવામાં નિષ્ફળ નીવડે. 2 કારણ, તેમની જેમ આપણે પણ શુભસંદેશ સાંભળ્યો છે. તેમણે સંદેશો સાંભળ્યો, પણ તેનાથી તેમને કંઈ લાભ થયો નહીં. કારણ, તેમણે તે સાંભળીને તેનો વિશ્વાસ સહિત સ્વીકાર કર્યો નહીં. 3 પણ આપણે વિશ્વાસ કરનારા ઈશ્વરના વિશ્રામમાં જરૂર પ્રવેશ કરીશું. તેમણે જેમ કહ્યું હતું તેમ, “મેં ગુસ્સે ભરાઈને શપથ લીધા કે તેઓ મારા વિશ્રામસ્થાનમાં કદી પ્રવેશ કરશે નહિ!” સૃષ્ટિનું સર્જન કર્યું, તે સમયથી જ તેમનું કાર્ય પૂર્ણ થયું હોવા છતાં તેમણે એ કહ્યું. 4 કારણ, સાતમા દિવસ સંબંધી પવિત્રશાસ્ત્રમાં એક જગ્યાએ આવું લખેલું છે: “ઈશ્વરે પોતાનાં સર્વ કાર્યોમાંથી સાતમે દિવસે વિશ્રામ લીધો.” 5 આ જ બાબત સંબંધી ફરી કહેવામાં આવ્યું છે: “તેઓ મારા વિશ્રામમાં કદી જ પ્રવેશ કરશે નહિ.” 6 તેમણે પ્રથમ શુભસંદેશ સાંભળ્યો, છતાં ઈશ્વરના વિશ્રામમાં પ્રવેશ કરી શક્યા નહિ. કારણ, તેમણે તે શુભસંદેશ પર વિશ્વાસ કર્યો નહીં. હજુ પણ કેટલાકને ઈશ્વરના વિશ્રામમાં પ્રવેશ કરવાનું બાકી રહે છે. 7 આ બાબતની પ્રતીતિ એ પરથી થાય છે કે ઈશ્વરે બીજો દિવસ જેને ‘આજનો દિવસ’ કહેવાય છે તેને નિયત કર્યો છે. અગાઉ ઉલ્લેખ કરવામાં આવેલ શાસ્ત્રભાગમાં તે દિવસ સંબંધી ઘણાં વર્ષો પછી ઈશ્વર દાવિદ દ્વારા બોલ્યા, “જો આજે તમે ઈશ્વરની વાણી સાંભળો, તો હઠીલા બનશો નહિ.” 8 જો યહોશુઆ લોકોને ઈશ્વરના વિશ્રામમાં દોરી ગયો હોત તો ઈશ્વર બીજા દિવસ સંબંધી પાછળથી બોલ્યા ન હોત. છતાં પણ, જેમ ઈશ્વરે સાતમે દિવસે વિશ્રામ કર્યો, 9 તે રીતે ઈશ્વરનો વિશ્રામ તેમના લોકો માટે હજુ ઉપલબ્ધ છે. 10 જેમ ઈશ્વરે પોતાનાં કાર્યોમાંથી વિશ્રામ કર્યો તેમ જે કોઈ ઈશ્વરના વિશ્રામમાં પ્રવેશે છે તે પોતાનાં સર્વ કાર્યોમાંથી વિશ્રામ લે છે. 11 તેથી, ઈશ્વરના વિશ્રામમાં પ્રવેશવા આપણે ખંતથી યત્ન કરીએ. તેમની માફક આપણે અનાજ્ઞાંક્તિ બનીને વિશ્રામમાં પ્રવેશ કરવાને નિષ્ફળ ન જઈએ. 12 ઈશ્વરનું વચન જીવંત અને સમર્થ છે. બેધારી તલવાર કરતાં પણ તે વધુ તીક્ષ્ણ છે. તે જીવ અને આત્મા તથા સાંધા અને મજ્જાના વિભાજન સુધી ઊંડે સુધી ઊતરી જાય છે. તે મનુષ્યના દયની ઇચ્છાઓ તથા વિચારોની પારખ કરે છે. 13 ઈશ્વરથી છુપાવી શકાય એવી કોઈ જ બાબત નથી. તેમની સમક્ષ સૃષ્ટિની દરેક વસ્તુ ખુલ્લી તથા ઉઘાડી છે અને તેમની સમક્ષ આપણે બધાએ આપણો હિસાબ આપવો પડશે. પ્રમુખ યજ્ઞકાર 14 તેથી, આપણે જે વિશ્વાસ પ્રગટ કરીએ છીએ તેને દૃઢતાથી પકડી રાખીએ. કારણ, આપણે માટે છેક ઈશ્વરની હજૂરમાં ગયેલા મહાન પ્રમુખ યજ્ઞકાર છે. 15 આપણા એ પ્રમુખ યજ્ઞકાર ઈશ્વરપુત્ર ઈસુ આપણી નબળાઈઓ પ્રત્યે લાગણી ન ધરાવે એવા નથી. એથી ઊલટું, આપણા પ્રમુખ યજ્ઞકાર આપણી જેમ બધાં પ્રલોભનોમાંથી પસાર થયેલા છે, અને છતાં તેમણે પાપ કર્યું નથી. 16 તેથી, આપણે હિંમતપૂર્વક ઈશ્વરના કૃપાસન પાસે દયા પામવાને તથા જરૂરને પ્રસંગે મદદ પ્રાપ્ત કરવાને જઈએ. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide