હિબ્રૂઓ 3 - પવિત્ર બાઇબલ C.L.મોશે કરતાં ચડિયાતા 1 મારા પવિત્ર ભાઈઓ, તમને પણ ઈશ્વરે આમંત્રણ આપ્યું છે! આપણે પ્રગટ કરીએ છીએ તે વિશ્વાસના મુખ્ય યજ્ઞકાર થવા માટે ઈશ્વરે મોકલેલા ખ્રિસ્ત ઈસુનો વિચાર કરો. 2 જેમ મોશે ઈશ્વરના ઘરમાં તેનાં બધાં કાર્યમાં વિશ્વાસુ હતો તેમ ઈસુ પણ ઈશ્વરે તેમને માટે પસંદ કરેલા કાર્ય પ્રત્યે વિશ્વાસુ હતા. 3 જેમ ઘર કરતાં ઘર બાંધનારને વધુ માન મળે છે તેમ ઈસુ, મોશે કરતાં વધુ મહિમાને યોગ્ય છે. 4 દરેક મકાનનો બાંધનાર તો કોઈક હોય છે જ - અને ઈશ્વરે બધી વસ્તુઓ બાંધી છે. 5 ઈશ્વર ભવિષ્યમાં જે પ્રગટ કરવાના હતા તેની સાક્ષીના સંબંધમાં મોશે ઈશ્વરના આખા કુટુંબમાં સેવક તરીકે વિશ્વાસુ હતો, 6 પરંતુ ખ્રિસ્ત તો પુત્ર તરીકે ઈશ્વરના ઘરકુટુંબ પર અધિકારી તરીકે વિશ્વાસુ છે. જે બાબતોની આપણે આશા રાખીએ છીએ તેમાં જો આપણે હિંમત તથા ભરોસો રાખીએ તો આપણે ઈશ્વરનું ઘર છીએ. ઈશ્વરના લોકો માટે વિશ્રામ 7 પવિત્ર આત્મા કહે છે તેમ, 8 “જો આજે તમે ઈશ્વરની વાણી સાંભળો, તો તમારા પૂર્વજોએ ઈશ્વર વિરુદ્ધ બળવો કર્યો અને રણપ્રદેશમાં તે દિવસે તેમની પરીક્ષા કરી તેમ તમે તેમના જેવા હઠીલા બનશો નહિ. 9 ઈશ્વર કહે છે, “ચાળીસ વર્ષ મેં જે કાર્યો કર્યાં, તે જોયાં છતાં, તમારા પૂર્વજોએ મને ત્યાં ક્સોટીમાં મૂક્યો, અને મારી પરીક્ષા કરી. 10 તે કારણથી મેં એ લોકો વિરુદ્ધ ગુસ્સે થઈને કહ્યું, ‘તેઓ હંમેશાં બેવફા નીવડયા છે, અને મારી આજ્ઞાઓ પાળવાનો ઇનકાર કરે છે.’ 11 મેં ગુસ્સે ભરાઈને શપથ લીધા કે, ‘તેઓ મારા વિશ્રામમાં કદી જ પ્રવેશ કરશે નહિ.” 12 મારા ભાઈઓ, સાવધ રહો કદાચ તમારામાંના કોઈનું હૃદય દુષ્ટ અને અવિશ્વાસુ બને અને તે જીવતા ઈશ્વરથી વિમુખ થાય. 13 તેને બદલે, તમારામાંનો કોઈ પાપથી છેતરાય નહિ કે હઠીલો બને નહિ માટે પવિત્ર શાસ્ત્રમાં લખ્યા પ્રમાણે આપણે ‘આજનો દિવસ’ છે, ત્યાં સુધી દરરોજ તમારે એકબીજાને પ્રોત્સાહન આપવું જોઈએ. 14 કારણ, આપણે જે ભરોસો પ્રથમ રાખ્યો હતો તેને ચોક્સાઈથી અંત સુધી પકડી રાખીએ, તો આપણે બધા ખ્રિસ્ત સાથે ભાગીદાર છીએ. 15 પવિત્રશાસ્ત્ર આમ કહે છે: “જો આજે તમે ઈશ્વરની વાણી સાંભળો, તો જેમ તમે ઈશ્વર વિરુદ્ધ બળવો કર્યો ત્યારે બન્યા તેવા હઠીલા બનશો નહિ.” 16 ઈશ્વરની વાણી સાંભળવા તેમની વિરુદ્ધ બળવો કરનાર કોણ હતા? એ જ લોકો કે જેમને મોશેએ ઇજિપ્તમાંથી મુક્ત કર્યા. 17 કોના પર ઈશ્વર ચાળીસ વર્ષ સુધી ગુસ્સે રહ્યા? એ જ લોકો પર કે જેમણે પાપ કર્યું અને જેમનાં શબ આ અરણ્યમાં રઝડયાં. 18 ઈશ્વરે શપથ લીધા, “તેઓ મારા વિશ્રામસ્થાનમાં કદી જ પ્રવેશ કરશે નહીં” આ શપથ તેમણે કોના સંબંધી લીધા? જેમણે બળવો કર્યો તેમના સંબંધી. 19 તેથી આપણે જોઈએ છીએ કે, તેમના અવિશ્વાસને લીધે તેઓ પ્રવેશ કરી શક્યા નહિ. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide