હિબ્રૂઓ 2 - પવિત્ર બાઇબલ C.L.મહાન ઉદ્ધાર 1 તેથી આપણે જે સંદેશ સાંભળ્યો છે, તેનાથી દૂર ફેંકાઈ ન જઈએ તે માટે આપણે તે પ્રત્યે પૂરું લક્ષ આપવું જોઈએ. 2 જો દૂતોએ આપેલો સંદેશો સત્ય પુરવાર થયો અને જેમણે તે માન્યો નહીં અથવા તેનું પાલન કર્યું નહીં તેમને ઘટિત શિક્ષા કરવામાં આવી, 3 તો આ મહાન ઉદ્ધારના સંદેશની ઉપેક્ષા કરીને આપણે શી રીતે બચી શકીશું? પ્રથમ પ્રભુએ પોતે આ ઉદ્ધારનો સંદેશ પ્રગટ કર્યો અને જેમણે એ વિષે સાંભળ્યું તેમણે તે સંદેશ સાચો છે એવી સાક્ષી આપણને પણ આપી. 4 તે જ સમયે ઈશ્વરે શક્તિશાળી ચિહ્નો, આશ્ર્વર્યકારક કૃત્યો અને ભિન્ન ભિન્ન પ્રકારના ચમત્કારો દ્વારા તેનું સમર્થન પણ કર્યું. વળી, પોતાની ઇચ્છા પ્રમાણે તેમણે પવિત્ર આત્માની બક્ષિસો પણ આપી. ઈસુ એ જ ઉદ્ધારક 5 જેના સંબંધી અમે વાત કરીએ છીએ તે આવનાર યુગને તેમણે દૂતોના અધિકાર નીચે મૂક્યો નથી. 6 પરંતુ પવિત્ર શાસ્ત્રમાં કોઈક જગ્યાએ આવી સાક્ષી આપવામાં આવી છે: “હે ઈશ્વર, માણસની શી વિસાત કે તમે તેને લક્ષમાં લો; માનવપુત્ર કોણ કે તમે તેની કાળજી રાખો? 7 થોડા સમય માટે જ દૂતો કરતાં તમે તેને ઊતરતી કક્ષાનો કર્યો, પણ પછી તમે તેને મહિમા તથા સન્માનનો મુગટ પહેરાવ્યો અને સર્વ વસ્તુઓ પર સત્તાધીશ બનાવ્યો.” 8 ઈશ્વરે “તેને સર્વસત્તાધીશ” બનાવ્યો. એનો સ્પષ્ટ અર્થ તો એ છે કે તેના અધિકાર નીચે ન મૂકાયું હોય એવું કશું નથી. પરંતુ વર્તમાનમાં આપણે તેને બધા પર સત્તા ચલાવતો જોતા નથી. 9 પરંતુ આપણે ઈસુને જોઈએ છીએ કે થોડા સમય માટે તેમને દૂતો કરતાં ઊતરતી કક્ષાએ મૂકવામાં આવ્યા, જેથી ઈશ્વરની કૃપા દ્વારા તે બધા મનુષ્યો માટે મૃત્યુ પામે અને જે મૃત્યુ તેમણે સહન કર્યું તેના પરિણામરૂપે આપણે તેમને મહિમા અને માનનો મુગટ પહેરાવેલા જોઈએ છીએ. 10 સર્વનું સર્જન કરનાર અને ટકાવી રાખનાર ઈશ્વરને એ ઘટિત હતું કે તે તેમનાં ઘણાં સંતાનોને પોતાના મહિમાના ભાગીદાર બનાવવા એ સંતાનોના ઉદ્ધારર્ક્તા ઈસુને દુ:ખ દ્વારા પરિપૂર્ણ કરે. 11 તે મનુષ્યોને તેમનાં પાપથી શુદ્ધ કરે છે, તેથી તે તથા જેમને તે શુદ્ધ કરે છે તે બધાના પિતા એક જ છે. તેથી ઈસુ તેમને પોતાના ભાઈઓ કહેતાં શરમાતા નથી. 12 તે ઈશ્વરને કહે છે: “હે ઈશ્વર, હું મારા ભાઈઓને તમારું નામ પ્રગટ કરીશ. તેમની સભા મયે હું તમારી પ્રશંસા કરીશ.” 13 તે એમ કહે છે, “હું ઈશ્વરમાં મારો વિશ્વાસ મૂકીશ.” વળી, તે કહે છે, “જે સંતાનો ઈશ્વરે મને આપ્યાં છે તેમની સાથે હું અહીં છું.” 14 જેમને તે સંતાનો કહે છે તે માનવ પ્રકૃતિ ધરાવે છે. તેથી ઈસુ પોતે તેમના જેવા બન્યા અને મનુષ્ય સ્વભાવના ભાગીદાર બન્યા; જેથી તે પોતાના મૃત્યુ દ્વારા મૃત્યુ પર અધિકાર ધરાવનાર શેતાનનો નાશ કરે. 15 અને તે દ્વારા જેઓ પોતાના જીવન દરમિયાન મૃત્યુની બીકના લીધે ગુલામ હતા તેમનો તે ઉદ્ધાર કરે. 16 તે દૂતોને મદદ નથી કરતા એ તો સ્પષ્ટ છે. તેને બદલે જેમ શાસ્ત્ર કહે છે તે પ્રમાણે, “તે અબ્રાહામના વંશજોને મદદ કરે છે.” 17 આથી બધી રીતે પોતાના ભાઈઓ જેવા થવું તેમને માટે જરૂરી હતું, જેથી લોકોનાં પાપની માફીને અર્થે તે ઈશ્વર સમક્ષ પોતાના ભાઈઓના વિશ્વાસપાત્ર અને દયાળુ મુખ્ય યજ્ઞકાર બને. 18 ઈસુએ તેમને થયેલાં પ્રલોભનોમાં દુ:ખ સહન કર્યું હોવાથી હાલ જેમનું પ્રલોભન થાય છે તેમને મદદ કરવાને તે સક્ષમ છે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide