Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

હિબ્રૂઓ 11 - પવિત્ર બાઇબલ C.L.


વિશ્વાસના શૂરવીરોની સુવર્ણયાદી

1 હવે વિશ્વાસ તો આપણે જે આશા રાખીએ છીએ તેની બાંયધરી તથા હજી નજરે જોયું નથી તેની ખાતરી છે.

2 પૂર્વજો વિશ્વાસ દ્વારા જ ઈશ્વરની પ્રશંસા પામ્યા.

3 વિશ્વાસ દ્વારા જ આપણે સમજી શકીએ છીએ કે ઈશ્વરના શબ્દ દ્વારા સૃષ્ટિનું સર્જન કરવામાં આવ્યું, જેથી જે અદૃશ્ય છે તેમાંથી દૃશ્યનું સર્જન થયું.

4 વિશ્વાસને લીધે જ હાબેલે કાઈન કરતાં ચડિયાતું બલિદાન ઈશ્વરને અર્પણ કર્યું, અને પોતાના વિશ્વાસ દ્વારા જ તેણે ઈશ્વરના ધોરણ પ્રમાણે વર્તનાર તરીકેની પ્રશંસા સંપાદન કરી, કારણ, ઈશ્વરે તેના અર્પણનો સ્વીકાર કર્યો. હાબેલ મૃત્યુ પામ્યો હોવા છતાં વિશ્વાસને કારણે બોલે છે.

5 વિશ્વાસને લીધે હનોખ મૃત્યુ પામ્યો નહિ, પણ એને બદલે, તેને ઈશ્વર પાસે લઈ લેવામાં આવ્યો, અને કોઈ તેને શોધી શકાયું નહિ, કારણ, ઈશ્વરે તેને ઉપર લઈ લીધો હતો. શાસ્ત્ર કહે છે કે ઉપર લઈ લેવાયા પહેલાં હનોખે ઈશ્વરને પ્રસન્‍ન કર્યા હતા.

6 કોઈ વ્યક્તિ વિશ્વાસ વગર ઈશ્વરને પ્રસન્‍ન કરી શક્તી નથી. કારણ, જે ઈશ્વર પાસે આવે છે, તેનામાં એવો વિશ્વાસ હોવો જ જોઈએ કે ઈશ્વર છે અને તેમને ખંતથી શોધનારને તે પ્રતિફળ આપે છે.

7 વિશ્વાસને લીધે હજી નજરે જોઈ નથી તેવી આવી પડનાર બાબતો અંગે ઈશ્વર તરફથી મળેલી ચેતવણીઓ નૂહે સાંભળી. તે ઈશ્વરને આધીન થયો, અને તેણે એક મોટું વહાણ બનાવ્યું. આથી તેનો તથા તેના કુટુંબનો બચાવ થયો. આ રીતે તેણે દુનિયાને દોષિત ઠરાવી અને વિશ્વાસ દ્વારા જ તે ઈશ્વર સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે સ્વીકૃત ઠર્યો.

8 ઈશ્વરે જ્યારે અબ્રાહામને આમંત્રણ આપ્યું ત્યારે તે વિશ્વાસને કારણે આધીન થયો અને જે દેશ આપવાનું વચન ઈશ્વરે આપ્યું હતું ત્યાં જવા ચાલી નીકળ્યો. પોતે ક્યાં જાય છે તે ન જાણ્યા છતાં તે પોતાના વતનમાંથી નીકળી ગયો.

9 વિશ્વાસને લીધે જ, ઈશ્વરે જે દેશ આપવાનું વચન આપ્યું હતું તેમાં તે પરદેશી તરીકે રહ્યો. ઇસ્હાક અને યાકોબ, જેમને ઈશ્વરે એ જ વચન આપ્યું હતું, તેમની સાથે અબ્રાહામ તંબૂઓમાં રહ્યો.

10 કારણ, ઈશ્વરે જે શહેરનું આયોજન અને બાંધક્મ કર્યું છે તથા જેના પાયા સાર્વકાલિક છે, તે શહેરની તે અપેક્ષા રાખતો હતો.

11 પોતાની ઉંમર વીતી ગઈ હોવા છતાં સારા પણ વિશ્વાસને લીધે ગર્ભ ધારણ કરવા શક્તિમાન બની; કારણ, ઈશ્વર પોતાનું વચન પૂરું કરશે એવો વિશ્વાસ તેણે રાખ્યો.

12 તેથી મૃત:પ્રાય એવા એક માણસમાંથી આકાશના તારા જેટલા તથા સમુદ્રકિનારાની રેતીના કણ જેટલા વંશજો ઉત્પન્‍ન થયા.

13 આ બધા માણસો વિશ્વાસમાં જારી રહેતાં મૃત્યુ પામ્યા. ઈશ્વરે જે બાબતોનું વચન આપ્યું તે તેઓ પામી શક્યા નહિ. પરંતુ તેમણે તેમને દૂરથી જોઈને તેમનો આવકાર કર્યો, અને પોતે આ દુનિયામાં પરદેશી તથા પ્રવાસી છે એવો તેમણે એકરાર કર્યો.

14 આવું કહેનારા એ સ્પષ્ટ દર્શાવે છે કે તેઓ પોતાના વતનની જ આશા રાખે છે.

15 જ્યાંથી તેઓ નીકળી આવ્યા હતા તે દેશની તેમની ઝંખના નહોતી. જો એમ હોત, તો તેઓ માટે ત્યાં પાછા જવાની તક મળી હોત.

16 એને બદલે, તેઓ એક વધુ સારા, એટલે સ્વર્ગીય દેશની ઝંખના સેવતા હતા. તેથી ઈશ્વર પોતાને તેમના ઈશ્વર તરીકે ઓળખાવતાં શરમાતા નથી. કારણ, તેમણે તેમને માટે એક શહેર તૈયાર કર્યું છે.

17 જ્યારે ઈશ્વરે અબ્રાહામની પરીક્ષા કરી ત્યારે અબ્રાહામે વિશ્વાસને લીધે જ પોતાના પુત્ર ઇસ્હાકનું અર્પણ કર્યું. અબ્રાહામને ઈશ્વરે વચન આપ્યું હતું, છતાં પોતાના એકનાએક પુત્રનું બલિદાન અર્પવા તે તૈયાર હતો.

18 ઈશ્વરે તેને કહ્યું હતું, “ઇસ્હાક દ્વારા જ આપેલા વચન પ્રમાણે તારા વંશજો ઉત્પન્‍ન થશે.”

19 અબ્રાહામને ખાતરી હતી કે ઈશ્વર ઇસ્હાકને મૃત્યુમાંથી પણ સજીવન કરવા માટે શક્તિમાન છે અને તેથી કહી શકાય કે, અબ્રાહામે ઇસ્હાકને મરણમાંથી પાછો મેળવ્યો.

20 વિશ્વાસ દ્વારા જ ઇસ્હાકે યાકોબ અને એસાવને આશિષ આપી.

21 વિશ્વાસને લીધે જ યાકોબે મરતી વખતે યોસેફના બંને પુત્રોને આશિષ આપી, અને પલંગના પાયાની મૂઠના ટેકે નમીને ઈશ્વરનું ભજન કર્યું,

22 પોતે મરવાની અણી પર હતો ત્યારે વિશ્વાસ દ્વારા જ યોસેફે “ઇઝરાયલીઓ ઇજિપ્તમાંથી બહાર નીકળી જશે.” તેમ કહ્યું હતું, અને પોતાના મૃતદેહ સંબંધી સૂચનાઓ આપી હતી.

23 વિશ્વાસને લીધે જ મોશેનાં માતપિતાએ તેને તેના જન્મ પછી ત્રણ મહિના સુધી સંતાડી રાખ્યો. તેમણે જોયું કે તે સુંદર બાળક છે અને તેથી રાજાની આજ્ઞાનું ઉલ્લંઘન કરતાં તેઓ ડર્યાં નહિ.

24 વિશ્વાસને લીધે જ, મોશેએ મોટો થયા પછી ફેરોની પુત્રીનો પુત્ર ગણાવાની ના પાડી.

25 પાપની ક્ષણિક મઝા માણવા કરતાં તેણે ઈશ્વરના લોકો સાથે દુ:ખ સહન કરવાનું પસંદ કર્યું.

26 ઇજિપ્તના સર્વ દ્રવ્યભંડારો કરતાં તેણે ખ્રિસ્તને માટે નિંદા સહન કરવાનું ઉત્તમ ગણ્યું. કારણ, તેની દૃષ્ટિ ભાવિ પ્રતિફળ પર મંડાયેલી હતી.

27 વિશ્વાસને લીધે જ મોશેએ રાજાના ગુસ્સાની બીક રાખ્યા વગર ઇજિપ્તનો ત્યાગ કર્યો. પોતે અદૃશ્ય ઈશ્વરને જોયા હોય, તેમ તે મક્કમ રહ્યો.

28 વિશ્વાસ દ્વારા જ તેણે પાસ્ખાપર્વની સ્થાપના કરી, તથા ઇઝરાયલીઓના પ્રથમજનિત પુત્રોને મરણનો દૂત મારી ન નાખે તે માટે તેણે દરવાજા પર રક્તનો છંટકાવ કરવાની આજ્ઞા કરી.

29 વિશ્વાસને લીધે જ ઇઝરાયલીઓ જાણે કોરી ભૂમિ પર ચાલતા હોય તેમ લાલ સમુદ્ર પસાર કરી શકયા; પરંતુ તેવો પ્રયાસ કરવા જતાં ઇજિપ્તીઓ પાણીમાં ડૂબી ગયા.

30 વિશ્વાસને લીધે જ ઇઝરાયલીઓએ યરીખો શહેરની દીવાલની આજુબાજુ સાત દિવસ સુધી કૂચ કરી, અને તેથી તે દીવાલો તૂટી પડી.

31 વિશ્વાસને લીધે જ ઈશ્વરને આધીન નહિ થનારા લોકો સાથે રાહાબ વેશ્યાનો સંહાર થયો નહિ. કારણ, રાહાબે જાસૂસોને મૈત્રીભર્યો આવકાર આપ્યો હતો.

32 આથી વધુ હું શું કહું? ગિદિયોન, બારાક, શિમશોન, યિફતા, દાવિદ, શમુએલ અને ઈશ્વરના સંદેશવાહકો, એ સર્વ વિષે કહેવાનો મારી પાસે પૂરતો સમય નથી.

33 તેમણે વિશ્વાસ દ્વારા સામ્રાજ્યો જીત્યાં, સત્ય પ્રમાણે વર્ત્યા અને ઈશ્વરનાં વચનો પૂરાં થતાં જોયાં. તેમણે સિંહોનાં મુખ બંધ કર્યાં.

34 ભડભડતા અગ્નિને હોલવી નાખ્યો. તેઓ તલવારની ધારથી બચી ગયા. તેઓ નિર્બળ હતા છતાં બળવાન બન્યા. તેમણે યુદ્ધમાં શૂરવીરતા દાખવી અને પરદેશી લશ્કરોને હાર આપી.

35 વિશ્વાસ દ્વારા જ સ્ત્રીઓને પોતાનાં મૃત્યુ પામેલાં સ્વજનો સજીવન થઈને પાછાં મળ્યાં. પણ બીજા કેટલાકે તો વિશેષ સારું જીવન પ્રાપ્ત કરવા છુટકારાનો સ્વીકાર કર્યો નહિ, તેથી રીબાઈ રીબાઈને મારી નંખાયા.

36 કેટલાકની મશ્કરી કરવામાં આવી અને કોરડા મારવામાં આવ્યા, બીજા કેટલાકને બાંધીને જેલમાં પૂરવામાં આવ્યા.

37 બીજા કેટલાકને પથ્થરે મારવામાં આવ્યા, કરવતથી વહેરી નાખવામાં આવ્યા, તલવારથી કાપી નાખવામાં આવ્યા. તેઓ ગરીબાઈ, કષ્ટો અને અત્યાચારનો ભોગ બનીને ઘેટાં તથા બકરાંના ચામડાં પહેરીને રખડતા હતા.

38 આ દુનિયા તેમને માટે લાયક ન હતી! તેઓ વેરાનમાં અને ડુંગરોમાં નિરાશ્રિતોની જેમ ભટક્તા હતા, અને ગુફાઓમાં તથા જમીનની બખોલોમાં વસતા હતા.

39 એ બધા પોતાના વિશ્વાસ દ્વારા કેવી મહાન પ્રશંસા પામ્યા! છતાં તેઓ ઈશ્વરે આપેલા વચનનું ફળ પામી શક્યા નહોતા,

40 કારણ, ઈશ્વરે આપણે માટે વધુ સારી યોજનાનું નિર્માણ કર્યું છે, ઈશ્વરનો હેતુ એ હતો કે તેઓ આપણી સાથે જ પરિપૂર્ણતા પ્રાપ્ત કરે.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan