Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

હિબ્રૂઓ 1 - પવિત્ર બાઇબલ C.L.


ઈશ્વરના પુત્રની મારફતે સંદેશ

1 પ્રાચીન કાળમાં ઈશ્વરપિતા આપણા પૂર્વજો સાથે પોતાના સંદેશવાહકો દ્વારા ઘણીવાર અને વિવિધ રીતે બોલ્યા હતા,

2 પણ આ અંતિમ કાળમાં તે આપણી સાથે પોતાના પુત્ર દ્વારા બોલ્યા છે. તેમના દ્વારા ઈશ્વરે આ સૃષ્ટિનું સર્જન કર્યું, અને છેવટે તેમને સર્વ વસ્તુઓના વારસદાર તરીકે નીમ્યા છે.

3 તે તો ઈશ્વરના ગૌરવનો પ્રકાશ અને તેમના સત્ત્વની આબેહૂબ પ્રતિમા છે અને તે પોતાના સમર્થ શબ્દ દ્વારા આખા વિશ્વને ધરી રાખે છે. માનવજાત માટે પાપોની ક્ષમા હાંસલ કરીને તે સ્વર્ગમાં ઈશ્વરની જમણી તરફ બિરાજેલા છે.


દૂતો કરતાં ચડિયાતા

4 ઈશ્વરે પુત્રને આપેલું નામ દૂતોના નામ કરતાં જેટલું મહાન છે, તેટલો જ પુત્ર પણ દૂતો કરતાં મહાન છે.

5 કારણ, ક્યારેય ઈશ્વરે કોઈ દૂતને એમ નથી કહ્યું કે, “તું મારો પુત્ર છે અને, આજે હું તારો પિતા બન્યો છું.” અથવા, કોઈ દૂતને તેમણે એમ પણ નથી કહ્યું કે, “હું તેનો પિતા થઈશ અને તે મારો પુત્ર થશે.”

6 વળી, ઈશ્વરે પોતાના પ્રથમજનિત પુત્રને દુનિયામાં મોકલતી વખતે ફરી કહ્યું, “ઈશ્વરના બધા દૂતો તેનું ભજન કરો.”

7 દૂતો વિષે તો ઈશ્વરે આમ કહ્યું હતું: “ઈશ્વર પોતાના દૂતોને વાયુરૂપ અને પોતાના સેવકોને અગ્નિની જવાળારૂપ બનાવે છે.”

8 પરંતુ પુત્ર માટે ઈશ્વર કહે છે:

9 “હે ઈશ્વર, તારું રાજયાસન સનાતન છે. તું તારું રાજય ન્યાયથી ચલાવે છે. તું સત્યને ચાહે છે અને અસત્યને ધિક્કારે છે. તેથી ઈશ્વરે, તારા ઈશ્વરે તને પસંદ કર્યો છે, અને તારા સાથીદારો કરતાં તને વિશેષ આનંદથી અભિષિક્ત કર્યો છે.”

10 તેમણે એમ પણ કહ્યું, “હે પ્રભુ, તેં આરંભમાં પૃથ્વીનું સર્જન કર્યું, અને તારા હાથો વડે આકાશો રચ્યાં.

11 એ બધાં નાશ પામશે, પરંતુ તું કાયમ રહેશે.

12 તેઓ તો વસ્ત્રની માફક ર્જીણ થઈ જશે, તું તેમને ઝભ્ભાની જેમ વાળી દેશે અને તેઓ વસ્ત્રની જેમ બદલાશે; પરંતુ તું હમેશાં એવો ને એવો જ છે, અને તારા આયુષ્યનો અંત નથી.”

13 ઈશ્વરે કદી પોતાના દૂતને એમ નથી કહ્યું કે, “હું તારા દુશ્મનોને તારા પગ મૂકવાનું આસન ન બનાવું ત્યાં સુધી તું મારી જમણી તરફ બેસ.”

14 તો પછી દૂતો કોણ છે? તેઓ તો ઈશ્વરની સેવા કરનાર આત્માઓ છે અને ઈશ્વરે તેમને ઉદ્ધાર મેળવનારાઓની સેવા કરવા મોકલી આપ્યા છે.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan