Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

હાગ્ગાય 2 - પવિત્ર બાઇબલ C.L.


નવા મંદિરનો વૈભવ

1 એ જ વર્ષે સાતમા માસની એકવીસમી તારીખે પ્રભુએ ફરીથી હાગ્ગાય સંદેશવાહક દ્વારા સંદેશો મોકલ્યો.

2 પ્રભુએ હાગ્ગાયને યહૂદિયાના રાજ્યપાલ ઝરુબ્બાબેલને, પ્રમુખ યજ્ઞકાર યહોશુઆને તેમજ સર્વ લોકોને આમ કહેવા જણાવ્યું:

3 “આ મંદિરનો અગાઉનો વૈભવ જોયો હોય એવો કોઈ તમારામાં હજી હયાત છે? અત્યારે તે તમને કેવું લાગે છે? એ તમને મામૂલી નથી લાગતું?

4 તેમ છતાં હે ઝરુબ્બાબેલ, તું હિંમતવાન થા. હે પ્રમુખ યજ્ઞકાર યહોશુઆ, તું પણ હિંમતવાન થા. હે દેશના સઘળા લોકો, તમે પણ હિંમત રાખો. ક્મે લાગી જાઓ, કારણ, હું સર્વસમર્થ પ્રભુ તમારી સાથે છું.

5 તમે ઇજિપ્તમાંથી નીકળી આવ્યા ત્યારે જ મેં તમને વચન આપ્યું હતું કે હું સદા તમારી સાથે રહીશ; માટે ગભરાશો નહિ.

6 “થોડા જ સમયમાં હું ફરીથી આકાશ તથા પૃથ્વી અને કોરી ભૂમિ તથા સમુદ્રને ધ્રૂજાવીશ.

7 હું સર્વ પ્રજાઓને ઉથલાવી પાડીશ. તેમનો સઘળો ખજાનો અહીં લાવવામાં આવશે અને મંદિર વૈભવથી ભરાઈ જશે.

8 જગતભરનું સોનુંરૂપું મારું જ છે.

9 ત્યારે નવું મંદિર જૂના કરતાં વિશેષ વૈભવી થશે, અને હું મારા લોકને સમૃદ્ધિ અને શાંતિ બક્ષીસ.” સર્વસમર્થ પ્રભુ એ બોલ્યા છે.


ભ્રષ્ટતા વિષે યજ્ઞકારોનો સંપર્ક

10 સમ્રાટ દાર્યાવેશના અમલના બીજા વર્ષના નવમા મહિનાની ચોવીસમી તારીખે સર્વસમર્થ પ્રભુએ હાગ્ગાય સંદેશવાહક સાથે ફરીથી વાત કરી.

11 તેમણે કહ્યું, “તું યજ્ઞકારોને આ પ્રશ્ર્ન પર તેમનો નિર્ણય જણાવવા પૂછ:

12 જો કોઈ માણસ પોતાના વસ્ત્રની ચાળમાં અર્પિત માંસ લે, અને પછી એ વસ્ત્રને રોટલી, શાક, દ્રાક્ષાસવ, તેલ કે બીજો કોઈ ખાદ્ય પદાર્થ સ્પર્શે તો એ ખાદ્યપદાર્થ પવિત્ર બની જાય ખરો?” યજ્ઞકારોએ જવાબ આપ્યો, “ના.”

13 પછી હાગ્ગાયે પૂછયું, “કોઈ માણસ શબના સ્પર્શથી અશુદ્ધ થાય અને પછી પેલા ખાદ્યપદાર્થોને અડકે તો તે પદાર્થો અશુદ્ધ બની જાય ખરા?” યજ્ઞકારોએ જવાબ આપ્યો. “હા.”

14 ત્યારે હાગ્ગાયે કહ્યું, “પ્રભુ કહે છે: આ પ્રજા એ જ રીતે અશુદ્ધ છે. તેમની મહેનતમજૂરીથી પેદા થયેલી સઘળી નીપજ અને વેદી પરનાં તેમનાં સર્વ અર્પણ પણ એવાં જ અશુદ્ધ છે.”


આશિષ માટે પ્રભુનું વચન

15 પ્રભુ કહે છે, “તમે મંદિર બાંધવાનું શરૂ કર્યું તે પહેલાં તમારી કેવી હાલત હતી તેનો વિચાર કરો.

16 તમે અનાજના ઢગલા પાસે બસો કિલોની આશાએ જતા, પણ ત્યાંથી તમને સો કિલો જ અનાજ મળતું; તમે દ્રાક્ષાકુંડ પાસે સો લિટર દ્રાક્ષાસવ લેવા જતા, પણ તમને ફક્ત ચાલીસ લિટર જ મળતો.

17 તમારી ઊપજનો નાશ કરવા મેં લૂ તથા કરા મોકલ્યા હતા. છતાં તમે મારી તરફ પાછા ફર્યા નહિ.

18 આજે નવમા માસની ચોવીસમી તારીખે મંદિરનો પાયો નંખાયો છે. તો હવેથી શું શું થશે તેનો વિચાર કરજો.

19 વખારમાં અનાજ નથી; વાવવાનાં બી જેટલું પણ નહિ. દ્રાક્ષવેલા, અંજીરીઓ, દાડમડીઓ અને ઓલિવ વૃક્ષોને હજી ફળ આવ્યાં નથી. તોપણ આજથી હું તમને આશિષ આપીશ.”


ઝરુબ્બાબેલને પ્રભુનું વચન

20 તે જ મહિનાની ચોવીસમી તારીખે પ્રભુએ હાગ્ગાયને બીજો સંદેશો આપ્યો.

21 તે સંદેશો યહૂદિયાના રાજ્યપાલ ઝરુબ્બાબેલ માટે હતો: “હું આકાશ તથા પૃથ્વીને ધ્રૂજાવીશ.

22 હું રાજ્યોને ઉથલાવી પાડીશ અને તેમની સત્તાનો અંત લાવીશ. હું રથો અને તેમના સારથિઓને ઉથલાવી પાડીશ. ઘોડા મૃત્યુ પામશે અને ઘોડેસવારો એકબીજાની ક્તલ કરશે.

23 હે મારા સેવક ઝરુબ્બાબેલ, તે દિવસે હું તને મારે નામે રાજ્ય કરવા નીમીશ. મેં તને પસંદ કર્યો છે.” સર્વસમર્થ પ્રભુ એ બોલ્યા છે.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan