હાગ્ગાય 1 - પવિત્ર બાઇબલ C.L.મંદિર બાંધવા પ્રભુનો આદેશ 1 ઇરાનના સમ્રાટ દાર્યાવેશના અમલના બીજા વર્ષના છઠ્ઠા મહિનાની પહેલી તારીખે પ્રભુએ હાગ્ગાય સંદેશવાહક દ્વારા શઆલ્તીએલના પુત્ર, યહૂદિયાના રાજ્યપાલ ઝરુબ્બાબેલ અને યહોસાદાકના પુત્ર પ્રમુખ યજ્ઞકાર યહોશુઆ માટે સંદેશો મોકલ્યો. 2 સર્વસમર્થ પ્રભુએ હાગ્ગાયને કહ્યું, “આ લોકો કહે છે કે પ્રભુનું મંદિર બાંધવાનો સમય હજી આવ્યો નથી.” 3 તેથી પ્રભુએ હાગ્ગાય સંદેશવાહક દ્વારા લોકોને આ સંદેશો આપ્યો: 4 “તો પછી હે મારી પ્રજા, મારું મંદિર ખંડિયેર અવસ્થામાં પડયું છે ત્યારે તમારે તમારાં સુશોભિત મકાનોમાં રહેવાનો આ સમય છે? 5 તમારી હાલની સ્થિતિનો યાનપૂર્વક વિચાર કરો. 6 તમે વાવો છો ઘણું, પણ અતિ ઓછો પાક લણો છો. ખાવાને તમારી પાસે ખોરાક છે, પણ તેથી તમે ધરાઈ શક્તા નથી. પીવાને તમારી પાસે દ્રાક્ષાસવ છે, પણ તેનાથી તમે તૃપ્ત થઈ શક્તા નથી. તમારી પાસે વસ્ત્ર છે, પણ તેનાથી તમને હૂંફ વળતી નથી. તમે કમાઓ છો, પણ તમારી કમાણી કાણી કોથળીમાં નાખવા બરાબર થાય છે. 7 આવું કેમ થાય છે તેનો વિચાર કરો. 8 તો હવે પહાડી પ્રદેશમાંથી લાકડાં લાવીને મંદિર બાંધો. એથી હું પ્રસન્ન થઈશ અને એથી મારો મહિમા થશે. 9 “તમે વિપુલ પાકની આશા રાખી, પણ તે થોડો જ થયો. તમે તે અનાજ ઘેર લાવ્યા તો મેં તેને ફૂંક મારી ઉડાવી દીધું. એનું કારણ શું? એનું કારણ એ કે મારું મંદિર ભંગાર હાલતમાં પડયું છે, ત્યારે તમે પોતપોતાના ઘરના ક્મક્જમાં વ્યસ્ત છો. 10 તેને લીધે આકાશમાંથી વરસાદ વરસતો નથી ને ધરતીમાંથી કંઈ પાકતું નથી. 11 મેં ભૂમિ પર, પર્વતો પર, ખેતરો પર, દ્રાક્ષ અને ઓલિવની વાડીઓ પર, ભૂમિની સઘળી નીપજ પર માણસો અને પશુઓ પર અને ખેતીવાડીની તમારી સઘળી મહેનતમજૂરી પર દુકાળ મોકલ્યો છે.” પ્રભુના આદેશનું પાલન 12 ત્યારે ઝરુબ્બાબેલ, પ્રમુખ યજ્ઞકાર યહોશુઆ તથા બેબિલોનના દેશનિકાલીમાંથી પાછા ફરેલા સર્વ લોકો તેમના ઈશ્વર પ્રભુના આદેશને તથા સંદેશવાહક હાગ્ગાયના સંદેશને આધીન થયા. તેઓ પ્રભુનો ડર રાખવા લાગ્યા. 13 પછી હાગ્ગાયે લોકોને પ્રભુનો સંદેશો જણાવ્યો: “મારું વચન છે કે હું તમારી સાથે રહીશ.” 14 પ્રભુએ યહૂદિયાના રાજ્યપાલ ઝરુબ્બાબેલ, પ્રમુખ યજ્ઞકાર યહોશુઆ તથા દેશનિકાલીમાંથી પાછા ફરેલા સર્વ લોકોના મનમાં મંદિર બાંધવાની પ્રેરણા કરી. 15 તેથી સમ્રાટ દાર્યાવેશના અમલના બીજા વર્ષના છઠ્ઠા મહિનાની ચોવીસમી તારીખે લોકોએ પ્રભુના મંદિરનું બાંધક્મ શરૂ કર્યું. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide