હબાકુક 3 - પવિત્ર બાઇબલ C.L.હબાક્કુકની પ્રાર્થના 1 હબાક્કુક સંદેશવાહકની આ પ્રાર્થના છે. (શિગ્યોનોથ પર) 2 હે પ્રભુ, તમારાં કામો વિષે મેં તમારી કીર્તિ સાંભળી છે અને તેથી હું વિસ્મય પામું છું. હે પ્રભુ, અમારા સમયમાં પણ એવાં અજાયબ ક્મ ફરી કરી બતાવો. તમે કોપાયમાન થયા હોય, તોપણ દયા દર્શાઓ. 3 ઈશ્વર તેમાનથી આવે છે; પવિત્ર ઈશ્વર પારાનના ડુંગરો પરથી આવે છે. (સેલાહ) તેમના પ્રકાશથી આકાશ છવાઈ જાય છે અને પૃથ્વી તેમની સ્તુતિથી ભરપૂર થઈ છે. 4 તેમનો પ્રકાશ સૂર્યના જેવો છે. તેમના હાથમાંથી કિરણો ફૂટે છે. તેમનું સામર્થ્ય ત્યાં જ છુપાયેલું છે. 5 મરકી તેમની આગળ આગળ જાય છે અને રોગચાળો તેમને પગલે પગલે ચાલે છે. 6 તે થોભે છે, તો પૃથ્વી કાંપી ઊઠે છે. તેમની નજર માત્રથી પ્રજાઓ થરથરે છે. પ્રાચીન પર્વતોના ચૂરેચૂરા થઈ જાય છે. કાયમી ડુંગરા જેના પર તે પુરાતન સમયમાં ચાલતા તે ધરાશાયી બની જાય છે. 7 મેં કુશાનના લોકોને ભયભીત થયેલા જોયા, અને મિદ્યાનના લોકોને થરથરતા જોયા. 8 હે પ્રભુ, શું નદીઓએ તમને કોપાયમાન કર્યા? શું સમુદ્રે તમને રોષ ચઢાવ્યો? તમે તમારા લોકોને વિજય પમાડયો ત્યારે તમે વાદળો પર સવારી કરી અને ઝંઝાવાતી વાદળાં તમારા રથ હતાં. 9 તમે તમારું ધનુષ્ય ઉપાડેલું છે, અને તમારું અચૂક બાણ તાકેલું છે. (સેલાહ) તમે તમારા વીજબાણથી પૃથ્વીને ચીરી નાખો છો. 10 તમને જોઈને પર્વતો કંપ્યા, આકાશમાંથી મુશળધાર વરસાદ વરસ્યો; ભૂગર્ભમાં પાણી ગર્જ્યાં અને તેમના ફૂવારા ઊંચે ઊછળ્યા. 11 તમારા તેજીલાં બાણોના ઝબકારાથી અને ચમક્તા ભાલાના ચળક્ટથી સૂર્ય અને ચંદ્ર થંભી ગયા. 12 તમે તમારા રોષમાં પૃથ્વીને ખૂંદી વળો છો, અને ગુસ્સામાં પ્રજાઓને કચડી નાખો છો. 13 તમારા લોકોને ઉગારવા અને તમારા અભિષિક્ત રાજાને બચાવવા તમે બહાર નીકળી આવો છો. (સેલાહ) તમે દુષ્ટોના અધિપતિને મહાત કર્યો છે અને તેના સાથીદારોનો સંપૂર્ણ સંહાર કર્યો છે. 14 ગરીબો પર છૂપી રીતે અત્યાચાર કરવામાં આનંદ માનનારા લોકોની જેમ, તેના સૈન્યે અમને વેરવિખેર કરી નાખવા અમારા પર પ્રચંડ હુમલો કર્યો. ત્યારે તમે તેના સેનાપતિને તમારા બાણથી વીંધી નાખ્યો. 15 ઘોડેસવાર થઈ તમે સમુદ્રને ખૂંદી વળ્યા, ત્યારે તેનાં ઊછળતાં પાણી ફીણ ફીણ થઈ ગયાં. 16 એ બધું સાંભળીને હું ધ્રૂજી ઊઠું છું. મારા હોઠ ભયથી થરથરે છે. મારા શરીરના સ્નાયુઓ ઢીલા થઈ જાય છે અને મારા પગ લથડાય છે. અમારા પર આક્રમણ કરનારાઓને ઈશ્વર શિક્ષા કરે તે સમયની હું ધીરજપૂર્વક વાટ જોઈશ. 17 જો કે અંજીરીને ફૂલ ન બેસે, અને દ્રાક્ષવેલાઓ પર કંઈ દ્રાક્ષ ન પાકે; જો કે ઓલિવનો પાક નિષ્ફળ નીવડે, અને ખેતરોમાં કંઈ ધાન્ય પાકે નહિ; જો કે વાડામાંનાં બધાં ઘેટાં નાશ પામે, અને ઢોરની બધી કોઢો ખાલીખમ થઈ જાય, 18 તો પણ હું પ્રભુ મારા ઈશ્વરને લીધે હર્ષનાદ કરીશ, કારણ, તે મારા ઉદ્ધારક છે. 19 પ્રભુ પરમેશ્વર મને સામર્થ્ય બક્ષે છે. તે મારા પગને હરણના જેવા ચપળ બનાવે છે અને મને પર્વતીય સ્થાનોમાં સંભાળીને ચલાવે છે. (સંગીત સંચાલક માટે નોંધ: ગીત તંતુવાદ્ય સાથે ગાવાનું છે.) |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide