હબાકુક 2 - પવિત્ર બાઇબલ C.L.પ્રભુનો પ્રત્યુત્તર 1 મારી ફરિયાદનો મને શો જવાબ મળે છે અને પ્રભુ મને શું કહે છે તે જાણવા હું મારી ચોકી પર ઊભો રહીશ. હા, મારા ચોકીના બુરજ પર ચઢીને તેની રાહ જોઈશ. 2 પ્રભુએ મને આ પ્રમાણે જવાબ આપ્યો, “હું તને જે પ્રગટ કરું તે પાટીઓ પર એવું સ્પષ્ટ લખ કે દોડનાર પણ સહેલાઈથી વાંચી શકે. 3 નોંધી લે કારણ, એનો સમય પાકશે જ. એ બનવાનું છે, પણ એ પૂર્ણ થવાનો સમય ઝડપથી આવી રહ્યો છે, અને એ પ્રક્ટીકરણ સાચું પડવાનું છે. કદાચ એ જાણે પૂરું થવામાં વિલંબ થતો હોય તેમ જણાય તોય તેની રાહ જો. એ પૂર્ણ થશે જ અને એમાં વિલંબ થશે જ નહિ.” 4 અને સંદેશ તો આવો છે: ‘દુષ્ટો બચી જશે નહિ, પણ જેઓ ઈશ્વરપરાયણ છે તેઓ જીવશે, કારણ, તેમનો વિશ્વાસ ઈશ્વર પર છે.’ દુષ્ટોનો અંજામ 5 સંપત્તિ ઠગારી છે. લોભીઓ, ઘમંડી અને બેચેન હોય છે. મૃત્યુલોક શેઓલના જેવી તેમની લાલસા હોય છે અને મોતની માફક તેઓ ક્યારેય સંતોષ પામતા નથી. તેઓ એક પછી બીજી પ્રજાઓને જીતી લે છે. 6 એ બધી જીતાયેલી પ્રજાઓ તેમના વિજેતાઓને મહેણાં મારતાં તેમનો તિરસ્કાર નહિ કરે? તેઓ કહેશે, “તમે જે તમારું નથી તે પચાવી પાડો છો, પણ તમારું આવી બન્યું છે! ક્યાં સુધી તમે તમારા દેવાદારોને દેવું ભરી દેવાની ફરજ પાડીને ધનવાન થતા જ રહેશો?” 7 પણ બીજાઓને જીતી લેનારા તમે પોતે જ અચાનક દેવાદાર બની જશો અને તમને જ વ્યાજ ભરી દેવાની ફરજ પાડવામાં આવશે. દુશ્મનો આવીને તમને ધ્રુજાવી દેશે. 8 તેઓ તમને લૂંટી લેશે. તમે ઘણી પ્રજાઓને લૂંટી છે, પણ તેઓમાંથી બચી ગયેલા લોકો હવે તમને લૂંટશે; કારણ, તમે તેમનામાં ખૂનામરકી ચલાવી છે અને દુનિયાના લોકો અને તેમનાં શહેરો પર જોરજુલમ ગુજાર્યા છે. 9 તમારું આવી બન્યું છે! તમે જોરજુલમથી પડાવી લઈને તમારા કુટુંબને ધનવાન બનાવ્યું છે, અને ઊંચે બાંધેલા માળાની જેમ તમારા ઘરને નુક્સાન અને જોખમથી સલામત કર્યું છે. 10 પણ તમારા બદઇરાદાઓથી તમારા કુટુંબને લાંછન લાગ્યું છે; ઘણી પ્રજાઓનો નાશ કરીને તમે પોતાનો વિનાશ વહોરી લીધો છે. 11 પણ એ ઘરની દીવાલોના પથ્થરો પણ તમારી વિરુદ્ધ પોકારી ઊઠશે, અને લાકડાના ભારટિયા એ પોકારનો પડઘો પાડશે. 12 તમારું આવી બન્યું છે! તમે રક્તપાતથી નગરનો પાયો નાખ્યો છે અને અન્યાયથી તેને બાંધ્યું છે. 13 તમે જે પ્રજાઓને જીતી લીધી તેમણે નિરર્થક શ્રમ કર્યો. કેમ કે તેમણે જે બાંધ્યું તે અગ્નિની જ્વાળાઓમાં બળીને ખાખ થઈ ગયું છે. સર્વ -સમર્થ પ્રભુએ એમ થવા દીધું છે. 14 પણ સમુદ્ર જેમ પાણીથી ભરપૂર છે તેમ પ્રભુના ગૌરવના જ્ઞાનથી પૃથ્વી ભરપૂર થશે. 15 તમારું આવી બન્યું છે! તમે તમારા ઝનૂનમાં તમારા પડોશીઓની બદનામી કરી છે અને તેમને હલકા પાડયા છે. પીને ચકચૂર થઈને લથડિયાં ખાનારાની જેમ તેમને લથડિયાં ખાતા કર્યા છે. 16 સન્માનને બદલે લજ્જિત થવાનો તમારો પણ વારો આવશે. તમે પીને લથડિયાં ખાશો; હા, પ્રભુ તરફથી તમારે તમારી સજાનો પ્યાલો પીવો પડશે અને તમારી કીર્તિ રગદોળાઈ જશે. 17 તમે લબાનોનનાં જંગલો કાપી નાખ્યાં; હવે તમને કાપી નાખવામાં આવશે. તમે તેમાંનાં પ્રાણીઓ મારી નાખ્યાં, હવે પ્રાણીઓ તમને થથરાવશે. તમે ક્તલ ચલાવી છે અને દુનિયાના લોકો તથા તેમનાં શહેરો પર અત્યાચારો ગુજાર્યા છે તે માટે એમ બનશે. 18 મૂર્તિઓ શા ક્મની છે? એ તો માત્ર માણસના હાથની કૃતિ જ છે. તે માત્ર જૂઠું જ શીખવે છે. કંઈ બોલી ન શકે એવા મૂંગા દેવ પર ભરોસો રાખવાથી તેમના બનાવનારને શો લાભ થાય છે? 19 તારું આવી બન્યું છે; કારણ, તું લાકડાના ટુકડાને કહે છે, “જાગ” અને પથ્થરના ટુકડાને કહે છે, “ઊઠ.” મૂર્તિ તને કોઈ વાત પ્રગટ કરી શકે? તેને સોના કે રૂપાથી મઢી હોય તો પણ તે નિર્જીવ છે. 20 પ્રભુ પોતાના પવિત્ર મંદિરમાં છે અને પૃથ્વી પરનાં સૌ તમે તેમની સમક્ષ ચૂપ રહો! |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide