Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

હબાકુક 1 - પવિત્ર બાઇબલ C.L.

1 હબાક્કુક સંદેશવાહકને પ્રભુએ સંદર્શનમાં પ્રગટ કરેલો આ સંદેશ છે.


અન્યાય સામે ફરિયાદ

2 હે પ્રભુ, તમે મારું સાભળો અને જોરજુલમથી અમારો બચાવ કરો. તે માટે મારે તમને ક્યાં સુધી મદદને માટે પોકાર કર્યા કરવો?

3 શા માટે તમે મને અન્યાય જોવા દો છો? તમે કેવી રીતે ખોટું સાંખી લો છો? મારી આસપાસ મારફાડ અને હિંસા છે. સર્વત્ર લડાઈ અને ઝઘડા છે.

4 કાયદા કમજોર અને નિરુપયોગી બની ગયા છે અને ન્યાય મળતો નથી. દુષ્ટોએ ઈશ્વરપરાયણ લોકોને દબાવી દીધા છે. તેથી ન્યાય ઊંધો વળે છે.


પ્રભુનો પ્રત્યુત્તર

5 ત્યારે પ્રભુએ પોતાના લોકોને કહ્યું, “તમારી આસપાસની વિદેશી પ્રજાઓને નિહાળતા રહો; અને તમે જે જુઓ છો તેથી આશ્ર્વર્ય પામશો. હું તમારા સમયમાં એવું ક્મ કરવાનો છું કે તમે એ વિષે સાંભળો ત્યારે તે માનશો જ નહિ.

6 હું બેબિલોનની ઝનૂની અને આક્રમક પ્રજાને ઉશ્કેરી રહ્યો છું. તેઓ બીજાઓનાં રહેઠાણની ભૂમિ પચાવી પાડવા સમસ્ત પૃથ્વી પર કૂચ કરે છે.

7 તેઓ સર્વત્ર ભય અને આતંક ફેલાવે છે. પોતે જ માને તે જ કાયદો એવા તે છે. તેઓ પોતે જ પોતાની પ્રતિષ્ઠા વધારે છે.”

8 તેમના ઘોડા ચિત્તાઓ કરતાં વિશેષ ઝડપી અને વરુ કરતાં વિશેષ વિકરાળ છે. તેમના ઘોડેસવારો દૂરના દેશોમાંથી ધસમસતા આવે છે. પોતાના શિકાર પર તરાપ મારતા ગરુડની જેમ તેઓ અચાનક હુમલો કરે છે.

9 તેમનાં સૈન્ય મારફાડ કરતાં આગળ ધપે છે અને તેમને આગળ ધપતાં જોઈને સૌ કોઈ ભયભીત થઈ જાય છે. તેમના કેદીઓની સંખ્યા રેતીના કણ જેટલી છે.

10 તેઓ રાજાઓનો તિરસ્કાર કરે છે અને સેનાનાયકોની મજાક ઉડાવે છે. કોઈ કિલ્લેબંધી તેમને રોકી શક્તી નથી. કારણ, તેઓ તેની સમાન્તર સપાટીનો ઢોળાવ બનાવી તેને સર કરે છે.

11 પછી તેઓ પવન વેગે આગળ જતા રહે છે. તેઓ પોતાના બળને જ પોતાનો ઈશ્વર માને છે અને એમ ગુનેગાર ઠરે છે.


હબાક્કુકની ફરીથી ફરિયાદ

12 હે પ્રભુ, તમે પ્રારંભથી જ ઈશ્વર છો. તમે અમારા પવિત્ર અને સનાતન ઈશ્વર છો. હે પ્રભુ, મારા ઈશ્વર અને રક્ષક, અમને શિક્ષા કરવા માટે જ તમે બેબિલોનવાસીઓને પસંદ કરીને તેમને બળવાન બનાવ્યા છે.

13 તમારી આંખો એવી પવિત્ર છે કે તમે દુષ્ટતા જોઈ શક્તા નથી, તેમ જ ભ્રષ્ટતા પર નજર કરી શક્તા નથી. તો પછી તમે આ કપટી અને દુષ્ટ લોકોને કેમ સાંખી લો છો? તેમનાં કરતાં વધારે નેક એવા લોકોનો તેઓ સંહાર કરે છે, ત્યારે તમે કેમ ચૂપ બેસી રહો છો?

14 તમે લોકોને, જેમનો કોઈ માર્ગદર્શક નથી એવા સમુદ્રનાં માછલાં જેવા અને જીવજંતુના ટોળાં જેવા કેમ ગણો છો?

15 બેબિલોનીઓ તો જાણે ગલથી માછલાં પકડતા હોય તેમ લોકોને પકડે છે. તેઓ તેમને જાળથી ખેંચી કાઢે છે અને તેમને આ રીતે પકડવાનો આનંદ અનુભવે છે.

16 તેઓ તેમની જાળોની પણ પૂજા કરે છે, તેમને બલિદાન આપે છે અને ધૂપ બાળે છે. કારણ, તેમની જાળો તેમને ઉત્તમ વસ્તુઓ પૂરી પાડે છે.

17 તો શું તેઓ તેમની તલવાર ચલાવ્યા જ કરશે અને પ્રજાઓનો નિર્દય સંહાર કર્યા જ કરશે?

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan