ઉત્પત્તિ 47 - પવિત્ર બાઇબલ C.L.ફેરોની મુલાકાત 1 પછી યોસેફે ફેરો પાસે જઈને તેને પૂછયું, “મારા પિતા અને મારા ભાઈઓ પોતાનાં ઘેટાંબકરાં, ઢોરઢાંક તથા તેમની સઘળી સંપત્તિ લઈને કનાન દેશથી આવ્યા છે અને અત્યારે તેઓ ગોશેન પ્રદેશમાં છે. 2 પોતાના ભાઈઓમાંથી પાંચને તેણે ફેરો આગળ રજૂ કર્યા. 3 ફેરોએ તેમને પૂછયું, “તમે શો ધંધો કરો છો?” 4 ત્યારે તેમણે ફેરોને કહ્યું, “તમારા દાસો એટલે અમે તથા અમારા પૂર્વજો પશુપાલક છીએ. કનાન દેશમાં સખત દુકાળ પડયો છે, એટલે અમારાં ઘેટાંબકરાં માટે ત્યાં ઘાસચારો નથી. તેથી અમે આ દેશમાં વસવા આવ્યા છીએ. હવે તમારા દાસો પર કૃપા કરી અમને ગોશેન પ્રદેશમાં વસવા દો.” 5 ત્યારે ફેરોએ યોસેફને કહ્યું, “તારા પિતા અને તારા ભાઈઓ તારી પાસે આવ્યા છે. 6 તારી સમક્ષ આખો ઇજિપ્ત દેશ છે. તારા પિતાને અને તારા ભાઈઓને દેશમાં ઉત્તમ જગ્યામાં વસાવ. તેઓ ભલે ગોશેન પ્રદેશમાં વસે, અને તેમનામાંથી કોઈ કાબેલ માણસો તારા ધ્યાનમાં હોય તો તેમને મારાં ઢોર પણ સાચવવા માટે સોંપી દે.” 7 પછી યોસેફ પોતાના પિતા યાકોબને લઈ આવ્યો અને તેને ફેરો સમક્ષ રજૂ કર્યો. યાકોબે ફેરોને આશિષ આપી. 8 ફેરોએ યાકોબને પૂછયું, “તમારી ઉંમર કેટલી છે?” 9 યાકોબે કહ્યું, “મારા જિંદગીના પ્રવાસમાં મારે 130 વર્ષ થયાં છે. એ વર્ષો છે તો થોડાં, પણ ઘણા દુ:ખમાં વીતાવ્યાં છે. મારા પિતૃઓના પ્રવાસના વર્ષો જેટલાં વર્ષો મારે થયાં નથી.” 10 પછી ફેરોને આશિષ આપી તે ત્યાંથી વિદાય થયો. 11 યોસેફે પોતાના પિતાને તથા ભાઈઓને ફેરોની આજ્ઞા અનુસાર ઇજિપ્ત દેશની સૌથી ઉત્તમ જગ્યા એટલે રામસેસમાં વસાવ્યા. 12 યોસેફે પોતાના પિતાને અને ભાઈઓને અને પોતાના પિતાના સમગ્ર પરિવારને સભ્યોની સંખ્યાના પ્રમાણમાં અન્ન પૂરું પાડયું. યોસેફનો વહીવટ 13 આખા દેશમાં અનાજ મળતું નહોતું. કારણ, દુકાળ બહુ ભારે હતો. દુકાળને લીધે ઇજિપ્ત અને કનાન એ બન્ને દેશોના લોકો ખૂબ પરેશાન થયા. 14 ઇજિપ્ત અને કનાન દેશના લોકોએ અનાજ ખરીદવા આપેલા બધા પૈસા યોસેફે એકઠા કરીને ફેરોના રાજભંડારમાં જમા કરાવ્યા. 15 ઇજિપ્ત અને કનાન દેશના લોકો પાસે બધા પૈસા વપરાઈ ગયા ત્યારે ઇજિપ્તના બધા રહેવાસીઓએ યોસેફ પાસે આવીને કહ્યું, “અમે તમારી નજર આગળ માર્યા જઈએ એવું તમે ઇચ્છતા ન હો તો અમને અનાજ આપો. કારણ, અમારી પાસે હવે પૈસા તો રહ્યા જ નથી.” 16 ત્યારે યોસેફે જવાબ આપ્યો, “પૈસા ખલાસ થઈ ગયા હોય તો તમારાં ઢોર આપો, હું તમને ઢોરના બદલામાં અનાજ આપીશ.” એટલે તેઓ પોતાનાં ઢોર લઈને યોસેફ પાસે આવ્યા. 17 અને યોસેફે ઘોડા, ઘેટાં, બકરાં, ઢોર અને ગધેડાંના બદલામાં તેમને અનાજ આપ્યું. આમ, તે વર્ષે તેણે તેમનાં બધાં ઢોરના બદલામાં અનાજ પૂરું પાડયું. 18 તે વર્ષ પૂરું થયું એટલે પછીને વર્ષે લોકોએ આવીને યોસેફને કહ્યું, “અમારા માલિક, તમારાથી આ વાત છુપાવી શકાય એમ નથી કે અમારા પૈસા ખલાસ થઈ ગયા છે અને અમારાં ઢોર પણ તમારી માલિકીનાં થઈ ગયાં છે. હવે તો માલિક તમારે માટે અમારી જાત અને જમીન સિવાય કંઈ જ બાકી રહ્યું નથી. 19 શું અમે તમારી નજર આગળ જ ખતમ થઈ જઈશું! શું અમારી જમીનો પણ ધણી વગરની થઈ જશે? અનાજના બદલામાં તમે અમને અને અમારી જમીનોને ખરીદી લો. એટલે અમે તથા અમારી જમીનો ફેરોના તાબામાં રહીશું. અમને બિયારણ આપો, જેથી અમે મરી ન જઈએ પણ જીવતા રહીએ, વળી, અમારી જમીનો પણ વેરાન થઈ જાય નહિ.” 20 તેથી યોસેફે ઇજિપ્તની બધી જમીનો ફેરોને માટે ખરીદી લીધી. દુકાળ એટલો ભીષણ હતો કે બધા ઇજિપ્તીઓએ પોતાની જમીનો વેચી દીધી. દેશની બધી જમીન ફેરોની થઈ ગઈ. 21 તેણે દેશના એક છેડાથી બીજા છેડા સુધીના બધા લોકોને ફેરાના તાબેદાર બનાવી દીધા. 22 માત્ર યજ્ઞકારોની જમીન તેણે ખરીદી નહિ. કારણ, યજ્ઞકારોને તો ફેરો તરફથી નિયત હિસ્સો મળતો હતો અને ફેરોએ આપેલા હિસ્સા પર તેઓ પોતાનું ગુજરાન ચલાવતા. તેથી તેમણે જમીન વેચવી પડી નહિ. 23 પછી યોસેફે લોકોને કહ્યું, “જુઓ, આજે મેં ફેરોને માટે તમને તથા તમારી જમીનો ખરીદી લીધાં છે. તો હવે આ બિયારણ લઈ જાઓ અને વાવણી કરો. 24 કાપણીના સમયે તમારે પાકનો પાંચમો ભાગ ફેરોને આપવાનો રહેશે અને બાકીના ચાર ભાગ તમારી પાસે રહેશે, તેમાંથી તમે બિયારણ ઉપરાંત તમારે માટે, તમારા પરિવાર માટે અને તમારા આશ્રિતોના ખોરાક માટે વાપરજો.” 25 તેમણે કહ્યું, “અમારા સ્વામી, તમારી કૃપાદૃષ્ટિ અમારા પર થાઓ, અમે જરૂર ફેરોના ગુલામ થઈને રહીશું.” 26 આમ, યોસેફે ઇજિપ્તની જમીનની બાબતમાં એવો નિયમ દાખલ કરી દીધો કે ફેરોને ફસલનો પાંચમો ભાગ આપવો; અને એ નિયમ આજ સુધી ચાલુ છે. યાકોબની અંતિમ ઇચ્છા 27 ઇઝરાયલીઓ ઇજિપ્તના ગોશેન પ્રદેશમાં રહેવા લાગ્યા અને તેમણે ત્યાં માલમિલક્ત સંપાદન કરી. તેઓ ખૂબ વૃદ્ધિ પામ્યા અને તેમની સંખ્યા ખૂબ મોટી થઈ. 28 યાકોબ ઇજિપ્તમાં સત્તર વર્ષ જીવ્યો. એમ તેનું આયુષ્ય એક્સો સુડતાળીસ વર્ષનું થયું. 29 જ્યારે ઇઝરાયલ એટલે યાકોબના મૃત્યુનો સમય પાસે આવ્યો ત્યારે તેણે પોતાના પુત્ર યોસેફને પાસે બોલાવીને કહ્યું, ‘હવે જો તું મારા પર પ્રસન્ન હોય, તો તારો હાથ મારી જાંઘ વચ્ચે મૂક અને મારી સાથે સાચા દિલથી અને નિષ્ઠાથી વર્તવાનું વચન આપ. મને ઇજિપ્તમાં દફનાવીશ નહિ, 30 પણ હું મારા પૂર્વજો સાથે ઊંઘી જાઉં ત્યારે મને ઇજિપ્તમાંથી લઈ જઈને મારા પૂર્વજોના કબ્રસ્તાનમાં દફનાવજે.” યોસેફે કહ્યું, “તમારા કહ્યા પ્રમાણે હું કરીશ.” 31 પણ યાકોબે કહ્યું, “તું સોગંદ ખા” એટલે તેણે તેની આગળ સોગંદ ખાધા. પછી ઇઝરાયલે પથારીના પાયાના મથાળા પર નમીને સ્તુતિ કરી. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide