Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ઉત્પત્તિ 46 - પવિત્ર બાઇબલ C.L.


યાકોબ ઇજિપ્ત જાય છે

1 ઇઝરાયલ એટલે યાકોબ પોતાની સઘળી સંપત્તિ સાથે નીકળ્યો. બેરશેબામાં આવી પહોંચતાં તેણે પોતાના પિતા ઇસ્હાકના ઈશ્વરને બલિદાન ચડાવ્યું.

2 ઈશ્વરે ઇઝરાયેલને રાત્રે દર્શન દઈને કહ્યું, “યાકોબ, યાકોબ.” યાકોબે કહ્યું, “જી, હું આ રહ્યો!”

3 ત્યારે ઈશ્વરે તેને કહ્યું, “હું ઈશ્વર, તારા પિતાનો ઈશ્વર છું. ઇજિપ્તમાં જતાં ગભરાઈશ નહિ. કારણ, તારામાંથી હું ત્યાં એક મોટી પ્રજાનું નિર્માણ કરીશ.

4 હું તારી સાથે ઇજિપ્ત આવીશ અને હું તારા વંશજોને પાછા પણ લાવીશ. યોસેફનો હાથ તારી આંખો મીંચશે.”

5 પછી યાકોબ બેરશેબાથી નીકળ્યો. ઇઝરાયલના પુત્રોએ પોતાના પિતા યાકોબને, પોતાનાં બાળકોને તથા પોતાની પત્નીઓને ફેરોએ મોકલેલાં ગાડાંમાં બેસાડયાં.

6 તેઓ તેમનાં બધાં ઢોરઢાંક અને કનાન દેશમાં મેળવેલી બધી સંપત્તિ લઈને ઇજિપ્ત આવી પહોંચ્યા.

7 યાકોબ પોતાનું સમગ્ર કુટુંબ એટલે પોતાના પુત્રો તથા પૌત્રો અને પુત્રીઓ તથા પૌત્રીઓને લઈને ઇજિપ્તમાં આવ્યો.


યાકોબનો પરિવાર

8 યાકોબની સાથે ઇજિપ્તમાં આવનાર ઇઝરાયલીઓનાં એટલે, યાકોબ તથા તેના પુત્રોનાં નામ આ પ્રમાણે છે: યાકોબનો જયેષ્ઠ પુત્ર રૂબેન

9 રૂબેનના પુત્રો: હનોખ, પાલ્લૂ, હેસરોન અને કાર્મી

10 શિમયોનના પુત્રો: યમૂએલ, યામીન, ઓહાદ, યાખીન, સોહાર અને કનાની સ્ત્રીથી જન્મેલો શાઉલ.

11 લેવીના પુત્રો: ગેર્શોમ, કહાથ અને મરારી.

12 યહૂદાના પુત્રો: એર, ઓનાન, શેલા પેરેસ અને ઝેરા. પણ એર અને ઓનાન તો કનાનમાં જ મૃત્યુ પામ્યા હતા. પેરેસના પુત્રો: હેસરોન અને હામૂલ.

13 ઇસ્સાખારના પુત્રો: તોલા, પુવા, યાશુબ અને શિમ્રોન.

14 ઝબુલૂનના પુત્રો: સેરેદ, એલોન અને યાહલએલ.

15 એ સર્વ લેઆહનાં સંતાનો છે, તે બધા તેને યાકોબથી મેસોપોટિમિયામાં જન્મ્યા હતા. વળી, તેની પુત્રી દીના હતી. એકંદરે તેમના પુત્રો-પુત્રીઓની સંખ્યા તેત્રીસની હતી.

16 ગાદના પુત્રો: સિફયોન, હાગ્ગી, શૂની, એસ્બોન, એરી, અરોદી, આરએલી.

17 આશેરના પુત્રો: યિમ્ના, યિસ્વા, યિસ્વી, બરીઆ અને તેમની બહેન સેરા. બરીઆના પુત્રો: હેબેર અને માલ્કીએલ.

18 લાબાને પોતાની પુત્રી લેઆહને આપેલી દાસી ઝિલ્પાને યાકોબથી થયેલાં એ સંતાનો છે. એકંદરે તેમની સંખ્યા સોળ હતી.

19 યાકોબની પત્ની રાહેલના પુત્રો: યોસેફ અને બિન્યામીન.

20 યોસેફે ઇજિપ્ત દેશમાં ઓનના યાજક પોટીફેરાની પુત્રી આસનાથ સાથે લગ્ન કર્યાં અને તેનાથી મનાશ્શા અને એફ્રાઈમ થયા.

21 બિન્યામીનના પુત્રો: બેલા, બેખેર, આશ્બેલ, ગેરા, નામાન, એહી, રોશ, મુપ્પીમ, હુપ્પીમ અને આર્દ.

22 આ રાહેલને યાકોબથી થયેલાં સંતાનો છે. તેમની કુલ સંખ્યા ચૌદ હતી.

23 દાનનો પુત્ર હુશીમ.

24 નાફતાલીના પુત્રો: યાહસએલ, ગૂની, યેસર અને શિલ્લેમ.

25 લાબાને પોતાની પુત્રી રાહેલને આપેલી દાસી બિલ્હાને યાકોબથી થયેલાં એ સંતાનો છે. તેમની કુલ સંખ્યા સાતની હતી.

26 યાકોબની સાથે ઇજિપ્તમાં આવનાર તેનાં પોતાનાં સંતાનોમાં એના પુત્રોની પત્નીઓને બાદ કરતાં કુલ છાસઠ જણ હતા.

27 યોસેફને ઇજિપ્તમાં બે પુત્રો થયા હતા. યાકોબના કુટુંબના જે બધા ઇજિપ્તમાં આવ્યા તેમની કુલ સંખ્યા સિત્તેર હતી.

28 ઇઝરાયલે યહૂદાને પોતાની આગળ યોસેફ પાસે મોકલ્યો, જેથી યોસેફ તેને ગોશેનમાં મળે. તેઓ ગોશેનમાં આવ્યા.

29 ત્યારે યોસેફ પોતાનો રથ તૈયાર કરાવીને પોતાના પિતા ઇઝરાયલને મળવા ગોશેન ગયો. યાકોબને મળતાં જ યોસેફ તેના પિતા યાકોબને ગળે વળગી પડયો અને તેને ભેટીને લાંબો વખત રડયો.

30 ઇઝરાયલે યોસેફને કહ્યું, “હવે મેં તને જીવતો જોયો છે, એટલે ભલે મારું મરણ થાય.”

31 પછી યોસેફે પોતાના ભાઈઓને અને પોતાના પિતાના પરિવારને કહ્યું, “હું જઈને ફેરોને ખબર આપું છું કે કનાન દેશમાં રહેતા મારા ભાઈઓ અને મારા પિતાના પરિવારના માણસો મારી પાસે આવી પહોંચ્યા છે.

32 તેઓ પશુપાલકો છે અને ઢોર પાળે છે. તેઓ પોતાનાં ઘેટાંબકરાં અને ઢોરઢાંક તેમ જ બધી માલમિલક્ત લઈને આવ્યા છે.

33 તમને ફેરો બોલાવીને પૂછે કે, ‘તમે શો ધંધો કરો છો?’

34 ત્યારે તમે કહેજો કે, ‘તમારા દાસોનો એટલે અમારો તેમ જ અમારા પૂર્વજોનો ધંધો ઢોર પાળવાનો છે; નાનપણથી અત્યાર સુધી અમે એ જ ધંધો કરીએ છીએ.’ એમ તમને ગોશેન દેશમાં વસવાની પરવાનગી મળશે. કારણ, ઇજિપ્તીઓ પશુપાલકમાત્રને ધિક્કારે છે.”

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan