Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ઉત્પત્તિ 45 - પવિત્ર બાઇબલ C.L.


યોસેફ પોતાના ભાઈઓ આગળ જાહેર થાય છે

1 યોસેફ તેની તહેનાતમાં ઊભા રહેલા નોકરો આગળ પોતાના મન પર વધુ સમય કાબૂ રાખી શકાયો નહિ. તેથી તેણે મોટેથી કહ્યું, “બધા બહાર જાઓ.” યોસેફે તેના ભાઈઓને પોતાની ઓળખ આપી ત્યારે ત્યાં તેની સાથે કોઈ નહોતું.

2 તે પોક મૂકીને રડયો, અને ઇજિપ્તીઓએ એ રુદન સાંભળ્યું અને તેના સમાચાર ફેરોના રાજમહેલમાં પહોંચી ગયા.

3 યોસેફે પોતાના ભાઈઓને કહ્યું, “હું યોસેફ છું! શું મારા પિતા હજી જીવે છે?” એ યોસેફ છે એવું જાણતાં જ તેના ભાઈઓ એવા તો ડઘાઈ ગયા કે તેઓ કંઈ પ્રત્યુત્તર આપી શકાયા નહિ.

4 પછી યોસેફે કહ્યું, “અહીં મારી નજીક આવો.” તેઓ તેની નજીક ગયા એટલે તેણે કહ્યું, “હું યોસેફ, તમારો ભાઈ, જેને તમે ઇજિપ્તમાં વેચી દીધો હતો તે જ છું. તો હવે ગભરાશો નહિ.

5 વળી, તમે મને અહીં વેચી દીધો તે માટે મનમાં દુ:ખી થશો નહિ, કે પોતાને દોષિત ઠરાવશો નહિ. એ તો ઈશ્વરે જ મને બધા લોકના જીવ બચાવવા તમારી પહેલાં અહીં મોકલ્યો.

6 ધરતી પર દુકાળનું આ બીજું જ વર્ષ છે, હજી બીજાં પાંચ વર્ષ બાકી છે, તેમાં વાવણી કે કાપણી થવાની નથી.

7 તમારો વંશવેલો ચાલુ રહે એટલા જ માટે ઈશ્વરે મને તમારી પહેલાં મોકલ્યો. ઘણાને બચાવી લેવા અને જીવતા રાખવા મને મોકલવામાં આવ્યો હતો.

8 માટે તમે તો નહિ, પણ ઈશ્વરે મને અહીં મોકલ્યો, અને તેમણે મને ફેરોના પિતા સમાન અને તેના આખા રાજમહેલનો અધિકારી તથા સમગ્ર ઇજિપ્તનો અધિકારી બનાવ્યો છે.

9 “હવે મારા પિતાજી પાસે જલદી જઈને તેમને કહો કે તમારા દીકરા યોસેફે આવું કહેવડાવ્યું છે: ‘ઈશ્વરે મને આખા ઇજિપ્તનો અધિપતિ બનાવ્યો છે, તમે હવે વિના વિલંબે મારી પાસે આવો.

10 તમે, તમારાં છોકરાં, તમારાં છોકરાંના છોકરાં, તમારાં ઘેટાંબકરાં, તમારાં ઢોરઢાંક અને તમારા સૌ કોઈ અહીં ગોશેન પ્રાંતમાં મારી નજીક રહેજો, જેથી હું તમારા ભરણપોષણની બધી જોગવાઈ કરી શકું.

11 એમ તમે, તમારું કુટુંબ તથા તમારાં ઢોરઢાંકને ભૂખમરો વેઠવાનો વારો આવે નહિ, કારણ, દુકાળનાં હજી બીજાં પાંચ વર્ષ બાકી છે.

12 તમે અને મારો સગો ભાઈ બિન્યામીન નજરોનજર જોઈ રહ્યા છો કે હું યોસેફ પોતે તમારી સાથે વાત કરી રહ્યો છું.

13 વળી, અહીં ઇજિપ્તમાંનો મારો વૈભવ તથા તમે જે જે જોયું તેનો પૂરો અહેવાલ મારા પિતાને આપજો, અને મારા પિતાને અહીં જલદી લઈને આવો.”

14 પછી તે પોતાના ભાઈ બિન્યામીનના ગળે વળગી પડીને રડયો, અને બિન્યામીન પણ તેને વળગીને રડયો.

15 પછી તેણે પોતાના બધા ભાઈઓને ચુંબન કર્યું, ને તેમને ભેટીને રડયો. તે પછી તેના ભાઈઓએ તેની સાથે વાત કરી.

16 ફેરોના રાજમહેલમાં વાત પ્રસરી ગઈ કે યોસફના ભાઈઓ આવ્યા છે. ત્યારે ફેરો અને તેના અધિકારીઓને એ વાત સારી લાગી.

17 ફેરોએ યોસેફને કહ્યું, “તું તારા ભાઈઓને આમ કરવા જણાવ: તમારાં જનાવરો પર સામાન લાદીને કનાન દેશમાં પાછા જાઓ.

18 અને તમારા પિતાને તથા તમારાં કુટુંબોને મારી પાસે લઈ આવો, હું તમને ઇજિપ્તની ઉત્તમ જમીન આપીશ અને તમે દેશની ઉત્તમ પેદાશ ખાઈને તૃપ્ત થશો.”

19 વળી, ફેરોએ યોસેફને સૂચના આપી કે, “તારા ભાઈઓને આમ જણાવ: તમે તમારાં છોકરાં અને તમારી સ્ત્રીઓ માટે ઇજિપ્તમાંથી ગાડાં લઈ જાઓ અને તમારા પિતાને લઈ આવો.

20 તમારી મિલક્તની ચિંતા કરશો નહિ, કારણ, આખા ઇજિપ્તની સર્વ શ્રેષ્ઠ વસ્તુઓ તમારી જ છે.”

21 ઇઝરાયલના પુત્રોએ એ પ્રમાણે કર્યું. ફેરોની સૂચના પ્રમાણે યોસેફે તેમને ગાડાં આપ્યાં અને મુસાફરી માટે ખોરાક પણ આપ્યો.

22 તેણે દરેકેને એક જોડ કપડાં આપ્યાં, પણ બિન્યામીનને ચાંદીના ત્રણસો સિક્કા તથા પાંચ જોડ કપડાં આપ્યાં.

23 વળી, પોતાના પિતા માટે આ બધી વસ્તુઓ મોકલી: ઇજિપ્તની ઉત્તમ વસ્તુઓમાંથી લાદેલાં દસ ગધેડાં, પોતાના પિતાની મુસાફરી માટે અનાજ, રોટલી તથા ખોરાકથી લાદેલી દસ ગધેડીઓ.

24 તેણે પોતાના ભાઈઓને વિદાય આપતાં કહ્યું, “જો,જો, રસ્તે ઝઘડી પડતા નહિ.”

25 પછી તેઓ ઇજિપ્તથી વિદાય થયા અને કનાનમાં તેમના પિતા યાકોબ પાસે આવ્યા.

26 તેમણે કહ્યું, “યોસેફ હજી જીવે છે. અરે, એ તો આખા ઇજિપ્તનો અધિપતિ છે.” યાકોબ તો સ્તબ્ધ થઈ ગયો, અને તેમનું કહેવું માની શકાયો નહિ.

27 પણ યોસેફે તેમને જે કહ્યું હતું તે બધું તેમણે તેને કહ્યું. યાકોબે તેને ઇજિપ્તમાં લઈ જવા આવેલાં ગાડાં જોયાં ત્યારે તે હોશમાં આવ્યો.

28 પછી ઇઝરાયલે કહ્યું, “હાશ, મારો દીકરો યોસેફ જીવે છે! હવે તો મારું મરણ થાય તે પહેલાં મારે તેને જઈને જોવો છે.”

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan