ઉત્પત્તિ 44 - પવિત્ર બાઇબલ C.L.ગુમ થયેલો ચાંદીનો પ્યાલો 1 યોસેફે તેના ઘરના કારભારીને આવી સૂચના આપી: “આ માણસો લઈ જઈ શકે તેટલું અનાજ તેમની ગૂણોમાં ભર, અને પ્રત્યેક માણસના નાણાં તેની ગૂણના મોંમાં મૂક. 2 સૌથી નાના ભાઈની ગૂણના મોંમાં મારો ચાંદીનો પ્યાલો તેના અનાજના નાણાં સહિત મૂક.” તેણે યોસેફના કહેવા પ્રમાણે કર્યું. 3 સવાર થતાંની સાથે એ માણસોને તેમનાં ગધેડાં સાથે વિદાય કરવામાં આવ્યા. 4 તેઓ શહેરથી હજી થોડે જ દૂર ગયા હશે એવામાં યોસેફે પોતાના ઘરના કારભારીને કહ્યું, “જા, એ માણસોનો પીછો કર. તું તેમને પકડી પાડીને કહેજે, “તમે ભલાને બદલે ભૂંડું કેમ કર્યું? 5 મારો શેઠ જેમાંથી પીએ છે, અને જેના દ્વારા તે શુકન જુએ છે તે શું એ પ્યાલો નથી? આ તો તમે ભૂંડું કર્યું છે.” 6 કારભારીએ તેમને પકડી પાડયા અને તેમને એમ જ કહ્યું. 7 તેમણે તેને જવાબ આપ્યો, “શું કહો છો, સાહેબ? અમે તમારા દાસો તો એવું કરવાનો વિચાર સરખોય શા માટે કરીએ? 8 તમે જાણો છો કે અમારી ગૂણોના મોંમાંથી મળી આવેલું નાણું અમે કનાન દેશથી તમારી પાસે પાછું લાવ્યા હતા. તો પછી તમારા માલિકના ઘરમાંથી અમે રૂપું કે સોનું શા માટે ચોરીએ? 9 સાહેબ, અમારામાંથી જેની પાસેથી એ મળી આવે તે માર્યો જાય, અને બાકીના અમે તમારા ગુલામ બનીશું.” 10 તેણે કહ્યું, “તો તમે કહો છો તેમ થાઓ. પણ તમારામાંના જેની પાસેથી પ્યાલો મળશે, તે અમારો ગુલામ થશે; બાકીના નિરપરાધી ઠરશો.” 11 તેથી તેમણે તરત જ પોતાની ગૂણો જમીન પર ઉતારી, અને દરેકે પોતાની ગૂણ ખોલી. 12 યોસેફના કારભારીએ મોટાંથી શરૂ કરીને નાના સુધી સૌની ગૂણોની ઝડતી લીધી અને બિન્યામીનની ગૂણમાંથી પ્યાલો મળી આવ્યો. 13 તેમણે દુ:ખથી પોતાનાં વસ્ત્ર ફાડયાં, ગધેડાં પર સામાન પાછો મૂક્યો અને શહેરમાં પાછા આવ્યા. 14 યહૂદા અને તેના ભાઈઓ યોસેફને ઘેર આવ્યા ત્યારે તે ત્યાં જ હતો. તેમણે ભૂમિ સુધી નમીને તેને પ્રણામ કર્યા. 15 યોસેફે કહ્યું, “તમે આ કેવું કામ કર્યું? શું તમને ખબર નહોતી કે મારા જેવો શુકન જોનાર માણસ તમને પકડી પાડશે?” 16 યહૂદાએ કહ્યું, “સાહેબ, શું કહીએ? અમે કેવી રીતે દલીલ કરીએ? કેવી રીતે અમે પોતાને નિર્દોષ જાહેર કરી શકીએ? સાહેબ, ઈશ્વરે અમારું પાપ ઉઘાડું પાડયું છે. સાહેબ, હવે માત્ર જેની પાસેથી પ્યાલો મળ્યો છે તે જ નહિ, પણ અમે બધા જ તમારા ગુલામ છીએ.” 17 યોસેફે કહ્યું, “ના, ના, મારે એવું કરવું નથી. માત્ર જેની પાસેથી પ્યાલો મળ્યો તે જ મારો ગુલામ થશે. બાકીના તમારા પિતાની પાસે સહીસલામત પાછા જઈ શકો છો.” યહૂદા બિન્યામીન માટે આજીજી કરે છે. 18 યહૂદા યોસેફ પાસે ગયો અને કહ્યું, “સાહેબ, મહેરબાની કરીને મને તમારી સાથે થોડીક અંગત વાત કરવા દો. મારા પર ગુસ્સે થશો નહિ, તમે તો ફેરો સમાન છો. 19 સાહેબ, તમે તમારા આ દાસોને પૂછયું હતું કે, શું તમારે પિતા અથવા ભાઈ છે? 20 અને અમે તમને કહ્યું હતું કે અમારે વૃદ્ધ પિતા છે અને એક નાનો ભાઈ છે, જે એમની પાછલી ઉંમરમાં જન્મ્યો હતો. એનો ભાઈ મરી ગયો છે એટલે એની માતાના છોકરામાંથી તે એકલો જ બાકી રહ્યો છે. અને એના પિતાને ઘણો પ્રિય છે. 21 ત્યારે તમે આ તમારા દાસોને કહ્યું હતું, ‘તેને મારી પાસે લઈ આવો એટલે હું તેને જોઉં તો ખરો.’ 22 અમે તમને કહ્યું હતું, ‘એ છોકરો પિતાને મૂકીને આવી શકે તેમ નથી, કારણ, એ જો પિતાને મૂકીને આવે તો તેના પિતા મૃત્યુ પામે!’ 23 ત્યારે તમે તમારા આ દાસોને કહ્યું હતું, ‘તમારો સૌથી નાનો ભાઈ તમારી સાથે ન આવે તો તમે મને મળવા પામશો નહિ.’ 24 અમે તમારા સેવક, અમારા પિતા પાસે ગયા ત્યારે તેમને તમારા શબ્દો કહી સંભળાવ્યા. 25 જ્યારે અમારા પિતાએ કહ્યું, ‘પાછા જાઓ અને આપણે માટે થોડું અનાજ ખરીદી લાવો.’ 26 જયારે અમે કહ્યું, ‘અમે જઈશું નહિ, અમારો સૌથી નાનો ભાઈ અમારી સાથે ન હોય તો અમે એ માણસને મળી શકીએ તેમ નથી.’ 27 ત્યારે તમારા સેવક અમારા પિતાએ અમને કહ્યું, ‘તમે જાણો છો કે મારી પત્ની રાહેલને બે પુત્રો જન્મ્યા હતા, 28 એક ખોવાઈ ગયો ત્યારે મેં કહ્યું કે એને જરૂર કોઈ જંગલી જનાવરે ફાડી ખાધો હશે અને ત્યારથી મેં તેને ફરી જોયો નથી. 29 જો તમે મારા આ પુત્રને પણ મારી પાસેથી લઈ જાઓ અને તેને કંઈ નુક્સાન થાય તો તેના શોકને લીધે તમે મને મારી વૃદ્ધાવસ્થામાં મૃત્યુલોક શેઓલમાં ઉતારી દેશો!’ 30 એટલે, હું જો તમારા દાસ મારા પિતા પાસે જાઉં અને આ છોકરો અમારી સાથે ન હોય 31 તો આ છોકરાના જીવમાં તેમનો જીવ પરોવાઈ ગયો હોવાથી તે અમારી સાથે નથી એવું જાણતાની સાથે જ તે મૃત્યુ પામશે અને તમારા આ દાસો તમારા દાસ અમારા પિતાને એના શોકથી વૃદ્ધાવસ્થામાં મૃત્યુલોક શેઓલમાં ઉતારી દેશે. 32 વાત એમ છે કે હું મારા પિતાજી આગળ આ છોકરાને માટે જામીન થયો છું. મેં તેમને કહ્યું છે કે જો હું તેને તમારી પાસે પાછો ન લાવું તો મારા આખા જીવનભર તમારી સમક્ષ તેનો દોષ મારે શિર રહે. 33 હવે સાહેબ, મારી વિનંતી છે કે છોકરાના બદલામાં મને તમારા ગુલામ તરીકે અહીં રહેવા દો, પણ એને મારા ભાઈઓ સાથે પાછો જવા દો. 34 મારી સાથે આ છોકરો ન હોય, તો હું શી રીતે મારા પિતા પાસે જઈ શકું? મારા પિતા પર આવી પડનાર વિપત્તિ મારાથી જોઈ જશે નહિ.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide