ઉત્પત્તિ 38 - પવિત્ર બાઇબલ C.L.યહૂદા અને તામાર 1 એ સમયે એવું બન્યું કે યહૂદા પોતાના ભાઈઓ પાસેથી નીકળીને અદુલ્લામ નગરના હીરાને ત્યાં રહેવા ગયો. 2 યહૂદાએ ત્યાં શૂઆ નામના એક કનાની માણસની પુત્રીને જોઈ. તેણે તેની સાથે લગ્ન કર્યાં. તેણે તેની સાથે સમાગમ કર્યો. 3 તે ગર્ભવતી થઈ અને પુત્રને જન્મ આપ્યો. 4 યહૂદાએ તેનું નામ એર પાડયું. તે ફરી ગર્ભવતી થઈ અને તેને પુત્ર જન્મ્યો અને યહૂદાએ તેનું નામ ઓનાન પાડયું. 5 તેણે ફરીથી પુત્રને જન્મ આપ્યો અને તેણે તેનું નામ શેલા પાડયું. તે જન્મ્યો ત્યારે તે ખઝીબમાં હતો. 6 યહૂદાએ પોતાના જયેષ્ઠ પુત્ર એરનાં લગ્ન કરાવ્યાં. એની સ્ત્રીનું નામ તામાર હતું. 7 પણ યહૂદાનો જયેષ્ઠ પુત્ર એર પ્રભુની દૃષ્ટિમાં દુષ્ટ હતો એટલે પ્રભુએ તેને મારી નાખ્યો. 8 પછી યહૂદાએ ઓનાનને કહ્યું, “તું તારા ભાઈની પત્ની સાથે સમાગમ કર; તેના પ્રત્યે પતિના ભાઈ તરીકેની તારી ફરજ પૂરી કર અને તારા ભાઈ માટે વંશજ પેદા કર.” 9 પણ ઓનાન જાણતો હતો કે એ તેનું બાળક ગણાશે નહિ. તેથી પોતાની ભાભી સાથે સમાગમ કરતી વેળાએ તે જમીન પર સ્ખલન કરી દેતો; જેથી તેના ભાઈનો વંશજ પેદા ન થાય. 10 તેનું એ કાર્ય પ્રભુની દૃષ્ટિમાં ભૂંડું હતું. તેથી તેમણે તેને પણ મારી નાખ્યો. 11 ત્યારે યહૂદાએ પોતાની પુત્રવધૂ તામારને કહ્યું, “મારો પુત્ર મોટો થાય ત્યાં સુધી તું તારા પિતાને ત્યાં વિધવા તરીકે રહે.” કારણ, તેને બીક લાગી કે કદાચ શેલા પણ પોતાના ભાઈની જેમ માર્યો જાય. એટલે તામાર પોતાના પિતાને ઘેર જઈને રહી. 12 કેટલાક સમય પછી યહૂદાની પત્ની એટલે શૂઆની દીકરી મૃત્યુ પામી. શોકનો સમય પૂરો થયા પછી યહૂદા અદુલ્લામના પોતાના મિત્ર હીરા સાથે પોતાનાં ઘેટાં કાતરનારાઓ પાસે તિમ્ના ગયો. 13 તામારને ખબર મળી કે તેના સસરા ઘેટાં પરથી ઊન કાતરવા તિમ્ના જાય છે. 14 ત્યારે તેણે પોતાનાં વૈધવ્યનાં વસ્ત્રો ઉતારી નાખ્યાં, બુરખો ઓઢી લીધો અને તિમ્ના જવાના રસ્તે આવેલા એનાઈમના દરવાજા આગળ બેઠી; કારણ, તેણે જોયું કે શેલા મોટો થયો હોવા છતાં તેની સાથે તેનું લગ્ન કરાવવામાં આવ્યું નથી. 15 યહૂદાએ તેને જોઈને તેને વેશ્યા માની લીધી. કારણ, તેણે બુરખો ઓઢયો હતો. 16 યહૂદાએ રસ્તાની બાજુએ તેની પાસે જઈને તેને પૂછયું, “ચાલ, મને તારી સાથે સૂવા દે.” કારણ, તે જાણતો નહોતો કે એ તેની પુત્રવધૂ છે. 17 તામારે કહ્યું, “મારી સાથે સૂવા માટે તમે મને શું આપશો?” તેણે જવાબ આપ્યો, “હું તને મારા બકરામાંથી એક લવારું મોકલી આપીશ.” તેણે કહ્યું, “તમે મને લવારું મોકલો ત્યાં સુધી જામીનગીરીમાં કોઈ વસ્તુ આપો.” 18 યહૂદાએ પૂછયું, “જામીનગીરી તરીકે હું શું આપું?” તેણે કહ્યું, “તમારી મુદ્રા, તમારો અછોડો અને તમારા હાથમાંની લાકડી.” તેથી યહૂદાએ એ વસ્તુઓ તેને આપી અને તેની સાથે સમાગમ કર્યો અને તેથી તે ગર્ભવતી થઈ. 19 પછી તે ઊઠીને ચાલી ગઈ અને બુરખો કાઢી નાખીને પોતાનાં વૈધવ્યનાં વસ્ત્રો પહેરી લીધાં. 20 પછી યહૂદાએ એ સ્ત્રી પાસે જામીનગીરી તરીકે મૂકેલી વસ્તુઓ પાછી મેળવવા માટે અદુલ્લામના વતની તેના મિત્ર સાથે લવારું મોકલ્યું, પણ તેને તે સ્ત્રી મળી નહિ. 21 તેથી તેણે તે સ્થળના લોકોને પૂછયું, “એનાઈમના દરવાજે રસ્તા પાસે બેઠેલી વેશ્યા ક્યાં છે?” ત્યારે તેમણે જવાબ આપ્યો, “અહીં કોઈ વેશ્યા હતી જ નહિ.” 22 એટલે તેણે યહૂદા પાસે પાછા આવીને કહ્યું, “મને તો તે ન મળી. વળી, ત્યાંના લોકોએ મને કહ્યું કે ત્યાં કોઈ વેશ્યા હતી જ નહિ.” 23 ત્યારે યહૂદાએ કહ્યું, “એની પાસેની આપણી વસ્તુઓ ભલે તેની પાસે જ રહેતી, નહિ તો આપણી ફજેતી થશે. મેં તો તેને આ લવારું મોકલ્યું પણ તને એ મળી નહિ.” 24 લગભગ ત્રણેક મહિના પછી યહૂદાને ખબર મળી, “તારી પુત્રવધૂએ વ્યભિચાર કર્યો છે અને તેની બદચાલને પરિણામે તે ગર્ભવતી થઈ છે.” યહૂદાએ કહ્યું, “તેને બહાર લઈ જઈને બાળી મૂકો.” 25 પણ તેઓ તેને બહાર લાવી રહ્યા હતા ત્યારે તેણે પોતાના સસરાને કહેવડાવ્યું, “આ વસ્તુઓ જેની છે તે માણસથી હું ગર્ભવતી થઈ છું. હવે આ મુદ્રા, અછોડો અને લાકડી કોનાં છે તે ઓળખી લો.” 26 યહૂદાએ તે વસ્તુઓને ઓળખીને કબૂલ કર્યું કે, “તામાર મારા કરતાં વધારે ન્યાયી છે. કારણ, મેં મારા પુત્ર શેલાનું લગ્ન તેની સાથે કરાવ્યું નથી.” ત્યાર પછી તેણે તામાર સાથે સમાગમ કર્યો નહિ. 27 તામારનો પ્રસવનો સમય પાસે આવ્યો ત્યારે ખબર પડી કે તેના પેટમાં જોડકાં બાળકો છે. 28 પ્રસવ દરમ્યાન એકે હાથ બહાર કાઢયો એટલે દાયણે તેને પકડીને તે પર લાલ દોરો બાંધી દીધો અને કહ્યું, “આ પ્રથમ જન્મ્યો છે.” 29 પણ તેણે હાથ પાછો ખેંચી લીધો અને તેનો ભાઈ પહેલો બહાર આવ્યો. ત્યારે દાયણે કહ્યું, “તું કેવી રીતે ફાટ પાડીને બહાર આવ્યો?” 30 આથી તેનું નામ પેરેસ (ફાટ પાડનાર) પાડવામાં આવ્યું. ત્યાર પછી તેનો ભાઈ હાથે બાંધેલા લાલ દોરા સાથે બહાર આવ્યો, એટલે તેનું નામ ઝેરા પાડવામાં આવ્યું. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide