ઉત્પત્તિ 34 - પવિત્ર બાઇબલ C.L.દીના પર બળાત્કાર 1 યાકોબ અને લેઆહની પુત્રી દીના તે દેશની સ્ત્રીઓને મળવા નીકળી. 2 તે દેશના સરદાર હમોર હિવ્વીના પુત્ર શખેમે તેને જોઈ એટલે તેને પકડી લઈને તેના પર બળાત્કાર કર્યો. 3 પણ તેનું દિલ યાકોબની પુત્રી દીના પર ચોંટયું હતું અને તે તેના પ્રેમમાં પડયો હતો તેથી તે તેની સાથે હેતથી વાતો કરવા લાગ્યો. 4 તેણે પોતાના પિતા હમોરને કહ્યું, “આ છોકરી સાથે મારું લગ્ન કરાવો.” 5 યાકોબે સાંભળ્યું કે શખેમે તેની પુત્રી દીનાની આબરૂ લીધી છે, પણ તેના પુત્રો ખેતરમાં ઢોર સાચવતા હતા એટલે તેઓ આવ્યા ત્યાં સુધી યાકોબ ચૂપ રહ્યો. 6 શખેમનો પિતા હમોર યાકોબ સાથે વાત કરવા ગયો 7 એવામાં યાકોબના પુત્રો એ વાત સાંભળીને ખેતરેથી ઘેર આવ્યા; તેમને આઘાત લાગ્યો હતો અને ખૂબ ગુસ્સે થઈ ગયા હતા. કારણ, શખેમે યાકોબની પુત્રી પર બળાત્કારનું અઘટિત કામ કરીને ઇઝરાયલના કુટુંબને મોટું કલંક લગાડયું હતું. 8 પણ હમોરે તેમની સાથે વાત કરીને કહ્યું, “ મારો પુત્ર શખેમ તમારી પુત્રી પર પ્રેમ કરે છે, તેથી તમે તેની સાથે તમારી પુત્રીનાં લગ્ન કરાવો. 9 વળી, તમે અમારી સાથે લગ્નસંબંધ બાંધો, તમારી દીકરીઓ અમને આપો અને અમારી દીકરીઓ સાથે તમે લગ્ન કરો. 10 એમ તમે અમારી સાથે વસવાટ કરો. આ દેશ તમારે માટે ખુલ્લો છે; અહીં રહો, વેપાર કરો અને સંપત્તિવાન બનો.” 11 પછી શખેમે દીનાના પિતા અને ભાઈઓને કહ્યું, “તમે મારા પર કૃપા કરો અને તમે જે માગશો તે હું આપીશ. 12 તમારે જોઈએ તેટલું પલ્લું અને ભેટ સોગાદો માગો અને હું તમારા કહ્યા પ્રમાણે તે આપીશ. પણ એ છોકરીનાં લગ્ન મારી સાથે કરાવો.” 13 પણ શખેમે યાકોબના પુત્રોની બહેન દીનાની આબરૂ લીધી હતી, એટલે તેમણે શખેમને તથા તેના પિતા હમોરને કપટથી જવાબ આપ્યો. 14 તેમણે કહ્યું, “અમે સુન્નતરહિત પુરુષ સાથે અમારી બહેનનાં લગ્ન કરાવી શક્તા નથી. કારણ, એમ કરવાથી તો અમને કલંક લાગે. 15 એક જ શરતે અમે તમારી વાત માન્ય રાખીએ કે તમે તમારામાંના એકેએક પુરુષની સુન્નત કરાવો અને અમારા જેવા બની જાઓ; 16 તો જ અમે અમારી દીકરીઓ તમને આપીએ અને તમારી દીકરીઓ અમે લઈએ તથા અમે તમારી સાથે રહીએ અને આપણે એક પ્રજા બની જઈએ. 17 પણ જો તમે અમારી વાત ન સાંભળો અને સુન્નત ન કરાવો તો અમે અમારી પુત્રીને લઈને ચાલ્યા જઈશું.” 18 હમોર અને તેના પુત્ર શખેમને તેમની વાત યોગ્ય લાગી. 19 તે જુવાને તો વિના વિલંબે પોતાની સુન્નત કરાવી દીધી. કારણ, તે યાકોબની પુત્રીને ખૂબ ચાહતો હતો. વળી, તે તેના પિતાના કુટુંબમાં પણ સૌથી માનીતો હતો. 20 પછી હમોર અને તેનો પુત્ર શખેમ શહેરના પ્રવેશદ્વારે આવ્યા અને લોકોની સાથે વાતચીત કરીને કહ્યું, 21 “આ માણસો આપણી સાથે સંપથી રહે છે તો ભલે તેઓ અહીં રહે અને વેપાર રોજગાર કરે, કારણ, તેમની આગળ વિશાળ દેશ પડયો છે. આપણે તેમની દીકરીઓ સાથે લગ્ન કરીએ અને આપણી દીકરીઓ તેમને આપીએ. એ લોકો આપણી સાથે રહેવા અને એક પ્રજા બનવા તૈયાર છે. 22 પરંતુ તેમની એક શરત છે કે તેમની જેમ આપણામાંના દરેક પુરુષની સુન્નત કરવામાં આવે. 23 જો આપણે તેમની વાત કબૂલ રાખીએ અને તેમને આપણી સાથે રહેવા દઈએ તો તેમનાં ઢોરઢાંક, સંપત્તિ અને બધાં પશુઓ શું આપણી માલિકીનાં નહિ થઈ જાય?” 24 શહેરના બધા આગેવાનોએ હમોર અને તેના પુત્રની વાત માની અને શહેરના પ્રવેશદ્વારમાં થઈને પસાર થનાર બધા પુરુષોની સુન્નત કરવામાં આવી. 25 ત્રીજે દિવસે તેઓ પીડાતા હતા ત્યારે યાકોબના બે પુત્રો શિમયોન અને લેવી, જે દીનાના સગા ભાઈઓ હતા, તેઓ તલવાર લઈને શહેર પર ઓચિંતા ચડી આવ્યા અને તેમણે બધા પુરુષોની ક્તલ કરી નાખી. 26 તેમણે હમોરને અને તેના પુત્ર શખેમને પણ તલવારથી મારી નાખ્યા અને શખેમના ઘરમાંથી દીનાને લઈને ચાલ્યા ગયા. 27 વળી, યાકોબના બીજા દીકરાઓએ મૃતદેહો ખૂંદતાં-ખૂંદતાં નગરમાં લૂંટ ચલાવી; કારણ, તેમની બહેનને ભ્રષ્ટ કરવામાં આવી હતી. 28 તેમણે એ લોકોનાં ઘેટાંબકરાં, ઢોરઢાંક અને ગધેડાં તેમ જ શહેર અને ખેતરમાં જે કંઈ હતું તે બધું લઈ લીધું. 29 તેમની બધી સંપત્તિ, બાળકો અને સ્ત્રીઓ કબજે કર્યાં; તેમ જ તેમનાં ઘરોમાંથી બધું લૂંટી લીધું. 30 ત્યારે યાકોબે શિમયોન અને લેવીને કહ્યું, “તમે મને સંકટમાં મૂક્યો છે. આ દેશના વતનીઓ કનાનીઓ તથા પરિઝીઓ મધ્યે તમે મને તિરસ્કારપાત્ર કર્યો છે. મારી પાસે તો થોડા જ માણસો છે, અને જો તેઓ મારી વિરુદ્ધ સંગઠિત થઈ મારા પર હુમલો કરે તો મારા કુટુંબનો નાશ થઈ જાય.” 31 ત્યારે તેમણે કહ્યું, “તો શું અમારે અમારી બહેન સાથે વેશ્યા જેવો વ્યવહાર થવા દેવો?” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide