Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ઉત્પત્તિ 33 - પવિત્ર બાઇબલ C.L.


યાકોબ અને એસાવનું મિલન

1 યાકોબે સામે જોયું તો એસાવ તેના ચારસો માણસો સાથે આવતો હતો. તેથી યાકોબે લેઆહ, રાહેલ અને બે દાસીઓ વચ્ચે બાળકો વહેંચી દીધાં.

2 પછી તેણે દાસીઓને અને તેમનાં બાળકોને સૌથી આગળ રાખ્યાં. અને પછી લેઆહ તથા તેનાં બાળકોને અને છેલ્લે રાહેલ તથા યોસેફને રાખ્યાં.

3 તે પોતે તેમની આગળ ચાલ્યો, અને પોતાના ભાઈની પાસે પહોંચતા સુધીમાં તો તેણે તેને સાત વાર ભૂમિ સુધી નમીને પ્રણામ કર્યા.

4 પણ એસાવ તેને મળવા દોડયો, ને તેને ભેટી પડયો ને તેને ગળે વળગીને ચુંબન કર્યું, અને બન્‍ને ભાઈઓ રડયા.

5 એસાવે સામે નજર કરી તો સ્ત્રીઓ તથા બાળકોને જોયાં. ત્યારે તેણે પૂછયું, “આ તારી સાથે કોણ છે?” યાકોબે કહ્યું, “એ તો ઈશ્વરે કૃપા કરીને તમારા સેવકને આપેલાં બાળકો છે.”

6 પછી દાસીઓ તથા તેમનાં બાળકોએ નજીક આવીને એસાવને નમીને પ્રણામ કર્યા.

7 એ જ રીતે લેઆહ તથા તેનાં બાળકો અને છેલ્લે યોસેફ તથા રાહેલ નજીક આવ્યાં અને તેને નમીને પ્રણામ કર્યા.

8 એસાવે યાકોબને પૂછયું, “આ જે બધાં ટોળાં મને સામાં મળ્યાં તેનો શો અર્થ છે?” યાકોબે જવાબ આપ્યો, “એ તો મારા મુરબ્બીની રહેમનજર મેળવવા માટે છે.”

9 પણ એસાવે કહ્યું, “મારા ભાઈ, મારી પાસે પૂરતું છે, તારું જે છે તે તું તારી પાસે રાખ.”

10 યાકોબે કહ્યું, “ના, મારા પર તમારી રહેમનજર થઈ હોય તો મારી આટલી ભેટ સ્વીકારો એવી મારી વિનંતી છે. કારણ, તમારું મુખ જોવું એ જાણે ઈશ્વરનું મુખ જોવા બરાબર છે. છતાં તમે પૂરા સદ્ભાવે મારો સ્વીકાર કર્યો છે.

11 કૃપા કરીને આ ભેટનો સ્વીકાર કરો. કારણ, ઈશ્વરે મારા પર કૃપા કરી છે અને મારી પાસે પુષ્કળ ઢોરઢાંક છે.” એ રીતે તેણે એસાવને ખૂબ આગ્રહ કર્યો, જેથી તેણે તે ભેટ સ્વીકારી.

12 પછી એસાવ બોલ્યો, “ચાલો, હવે આપણે જઈએ અને હું તારી સાથે આવીશ.”

13 પણ યાકોબે કહ્યું, “મારા મુરબ્બી, તમે જાણો છો કે બાળકો કુમળાં છે અને મારી પાસે ધાવણાં બચ્ચાંવાળાં ઘેટાંબકરાં અને ઢોર છે. જો તેમને એક દિવસ પણ વધારે ઝડપથી હાંકીએ તો બધાં જાનવર મરી જાય.

14 માટે મારા મુરબ્બી, તમે તમારા સેવક કરતાં આગળ જાઓ અને હું મારી આગળનાં જાનવરો અને બાળકોની ચાલવાની ઝડપ પ્રમાણે ધીમે ધીમે આવીશ અને તમને સેઈરમાં આવીને મળીશ.”

15 એટલે એસાવે કહ્યું, “તો હું મારા માણસોમાંથી થોડા તારી સાથે રહેવા દઉં?” પણ યાકોબે કહ્યું, “શા માટે? હું તમારી રહેમનજર પામ્યો એટલું જ બસ છે.”

16 તેથી તે દિવસે એસાવ સેઈર જવા ઉપડયો.

17 પણ યાકોબ ચાલતો ચાલતો સુક્કોથ આવ્યો અને ત્યાં તેણે પોતાને માટે એક ઘર બાંધ્યું અને ઢોરને માટે માંડવા બનાવ્યા. આથી તે સ્થળનું નામ સુક્કોથ (માંડવા) પડયું.

18 આમ, યાકોબ મેસોપોટેમિયામાંથી નીકળીને કનાન દેશમાં આવેલા શખેમ શહેર સુધી સહીસલામત આવ્યો અને તેણે શહેર આગળ પડાવ નાખ્યો.

19 તેણે જે જમીન પર તંબુ તાણ્યો હતો તે તેણે શખેમના પિતા હામોરના પુત્રો પાસેથી ચાંદીના સો સિક્કા આપીને ખરીદી લીધી.

20 ત્યાં તેણે એક વેદી બાંધી ને તેનું નામ એલ- એલોહે- ઇઝરાયલ (ઈશ્વર, ઇઝરાયલનો ઈશ્વર) પાડયું.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan