Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ઉત્પત્તિ 28 - પવિત્ર બાઇબલ C.L.


યાકોબ વતનમાં જાય છે

1 તેથી ઇસ્હાકે યાકોબને બોલાવીને તેને આશિષ આપીને આજ્ઞા કરી કે, “તું કોઈ કનાની સ્ત્રી સાથે લગ્ન કરીશ નહિ.

2 તું જલદી તારી માતાના પિતા બથુએલને ત્યાં મેસોપોટેમિયા જા અને તારા મામા લાબાનની પુત્રીઓમાંથી કોઈની સાથે લગ્ન કર.

3 સર્વસમર્થ ઈશ્વર તને આશિષ આપો, તને સંતાનો આપો અને તારા વંશજોની એવી વૃદ્ધિ કરો કે તારામાંથી અનેક કુળો પેદા થાય.

4 ઈશ્વર તને અને તારા વંશજોને અબ્રાહામના જેવી આશિષ આપો; જેથી ઈશ્વરે અબ્રાહામને આપેલો આ દેશ જેમાં તું વસતો ફરે છે તેનો તું કબજો મેળવે!”

5 એમ કહીને ઇસ્હાકે યાકોબને વિદાય કર્યો અને તે અરામી બથુએલના પુત્ર લાબાન એટલે એસાવ અને યાકોબની મા રિબકાના ભાઈને ઘેર મેસોપોટેમિયા ચાલ્યો ગયો.


એસાવ બીજી પત્ની કરે છે

6 હવે એસાવે જોયું કે ઇસ્હાકે યાકોબને આશિષ આપીને તેને લગ્ન માટે મેસોપોટેમિયા મોકલી આપ્યો છે અને તેને આશિષ આપતી વખતે આજ્ઞા કરી છે કે, ‘તારે કોઈ કનાની સ્ત્રી સાથે લગ્ન કરવાં નહિ,’

7 અને યાકોબ પોતાનાં માતપિતાની આજ્ઞા માની મેસોપોટેમિયા ગયો છે.

8 તેથી એસાવને ખ્યાલ આવી ગયો કે તેના પિતા ઇસ્હાકને કનાની સ્ત્રીઓ ગમતી નથી.

9 એટલે તે અબ્રાહામના પુત્ર ઇશ્માએલ પાસે ગયો અને પોતાની પત્નીઓ ઉપરાંત ઇશ્માએલની પુત્રી, નબાયોથની બહેન માહાલાથ સાથે લગ્ન કર્યાં.


યાકોબનું સ્વપ્ન

10 યાકોબ બેરશેબાથી નીકળીને હારાન તરફ ગયો. તે એક સ્થળે આવી પહોંચ્યો અને રાત ગાળવા ત્યાં જ રોક્યો.

11 કારણ, સૂર્ય આથમી ગયો હતો. તેણે ત્યાંથી એક પથ્થર લઈને માથા નીચે મૂક્યો અને તે ત્યાં જ સૂઈ ગયો.

12 તેને એક સ્વપ્ન આવ્યું: તેણે પૃથ્વી પર ઊભી કરાયેલી એક સીડી જોઈ. તેની ટોચ આકાશ સુધી પહોંચેલી હતી અને ઈશ્વરના દૂતો તેના પર ચડતા ઊતરતા હતા.

13 તેના પર પ્રભુ ઊભેલા હતા. તેમણે કહ્યું, “હું યાહવે, તારા પિતા અબ્રાહામનો અને ઇસ્હાકનો ઈશ્વર છું. તું જે જમીન પર સૂતો છે તે હું તને અને તારા વંશજોને આપીશ.

14 પૃથ્વીની રજકણ જેટલા તારા વંશજો થશે અને તારો વંશ પૂર્વમાં અને પશ્ર્વિમમાં તેમ જ ઉત્તરમાં અને દક્ષિણમાં ફેલાશે અને તારા દ્વારા અને તારા વંશજો દ્વારા પૃથ્વીની બધી પ્રજાઓ આશિષ પામશે.

15 જો, હું તારી સાથે છું, અને તું જ્યાં કહીં જશે ત્યાં હું તારું રક્ષણ કરીશ અને તને આ દેશમાં પાછો લાવીશ. મેં તને જે વચન આપ્યું છે તે પૂરું કર્યા વિના હું તને મૂકી દઈશ નહિ.”

16 ત્યારે યાકોબ ઊંઘમાંથી જાગી ઊઠયો અને બોલ્યો, “પ્રભુ જરૂર આ સ્થળે છે, પણ મને તેની ખબર નહોતી.”

17 તેને બીક લાગી અને તે બોલ્યો, “આ કેવું ભયાનક સ્થળ છે! આ તો ઈશ્વરનું ઘર છે! આ તો સ્વર્ગનું દ્વાર છે!”

18 પછી યાકોબ વહેલી સવારે ઊઠયો અને તેણે જે પથ્થર માથા નીચે મૂક્યો હતો તે લઈને સ્તંભ તરીકે ઊભો કર્યો અને તેના પર તેલ રેડયું.

19 તેણે તે સ્થળનું નામ બેથેલ (ઈશ્વરનું ઘર) પાડયું. અગાઉ એ શહેરનું નામ લુઝ હતું.

20 પછી યાકોબે માનતા લીધી કે, “જો ઈશ્વર મારું રક્ષણ કરશે અને મને ખાવાને અન્‍ન અને પહેરવાને વસ્ત્રો આપશે,

21 ને જો હું સહીસલામત મારા પિતાને ઘેર પાછો આવીશ તો પ્રભુ મારા ઈશ્વર થશે.

22 વળી, આ પથ્થર જે મેં સ્તંભ તરીકે ઊભો કર્યો છે તે ઈશ્વરનું ઘર બનશે. વળી, તે જે કંઈ મને આપશે તે બધાનો દસમો ભાગ હું તેમને અવશ્ય આપીશ!”

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan