Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ઉત્પત્તિ 27 - પવિત્ર બાઇબલ C.L.


ઇસ્હાક યાકોબને આશિષ આપે છે

1 હવે એવું બન્યું કે ઇસ્હાક વૃદ્ધ થયો હતો અને તેની આંખોનું તેજ ઘટી ગયું હોવાથી તે જોઈ શક્તો નહોતો. ત્યારે એક દિવસ તેણે પોતાના મોટા પુત્ર એસાવને બોલાવીને કહ્યું, “મારા દીકરા.” તે બોલ્યો, “હું આ રહ્યો.”

2 ઇસ્હાકે કહ્યું, “હું હવે વૃદ્ધ થયો છું અને મારું મરણ ક્યારે થાય તેની મને ખબર નથી.

3 એટલે, તું તારાં હથિયાર એટલે તારાં બાણનો ભાથો અને ધનુષ્ય લઈને જંગલમાં જા અને મારે માટે કંઈ શિકાર મારી લાવ

4 અને મારે માટે મને ભાવે તેવી સ્વાદિષ્ટ વાનગી બનાવી લાવ, જેથી હું તે ખાઈને મારા મૃત્યુ પહેલાં તને આશિષ આપું.”

5 ઇસ્હાક પોતાના પુત્ર એસાવ સાથે વાત કરતો હતો ત્યારે રિબકાએ પણ તે વાત સાંભળી. પછી એસાવ શિકાર મારી લાવવા જંગલમાં ગયો.

6 ત્યારે રિબકાએ પોતાના પુત્ર યાકોબને કહ્યું, “ મેં તારા પિતાને તારા ભાઈ એસાવને એવું કહેતા સાંભળ્યા છે કે,

7 ‘શિકાર મારી લાવીને મારે માટે સ્વાદિષ્ટ વાનગી બનાવ. જેથી હું તે ખાઈને મારા મૃત્યુ પહેલાં હું તને પ્રભુની સમક્ષતામાં આશિષ આપું.’

8 એટલે મારા દીકરા, હું તને કહું તે પ્રમાણે કર.

9 ટોળામાં જા ને તેમાંથી મારી પાસે બે સારાં લવારાં લઈ આવ, જેથી તારા પિતાને ભાવે છે તેવી સ્વાદિષ્ટ વાનગી હું બનાવીશ.

10 પછી તું તે તારા પિતા પાસે લઈ જજે, જેથી તે ખાઈને પોતાના મૃત્યુ પહેલાં તે તને આશિષ આપે.”

11 પણ યાકોબે પોતાની માતા રિબકાને કહ્યું, “જુઓ, મારા ભાઈ એસાવને તો આખે શરીરે વાળ છે, જ્યારે મારું શરીર તો સુંવાળું છે.

12 કદાચ મારા પિતા મારા શરીર પર હાથ ફેરવે અને તેમને ખબર પડી જાય કે હું તેમને છેતરું છું તો મને આશિષને બદલે શાપ જ મળે.”

13 તેની માતાએ કહ્યું, “મારા દીકરા, એ શાપ મારે માથે ઊતરો. તું ફક્ત મારું કહ્યું માન. જા, જઈને મને લવારાં લાવી આપ.”

14 તેથી તેણે જઈને તેની માતાને લવારાં લાવી આપ્યાં. તેની માએ તેના પિતાને ભાવતી સ્વાદિષ્ટ વાનગી તૈયાર કરી.

15 ત્યાર પછી રિબકાએ પોતાની પાસે ઘરમાં રાખી મૂકેલાં પોતાના જયેષ્ઠ પુત્ર એસાવનાં સારામાં સારાં વસ્ત્ર લઈને નાના પુત્ર યાકોબને પહેરાવ્યાં.

16 વળી, તેના હાથ પર તથા તેના ગળાના સુંવાળા ભાગ પર તેણે લવારાંનાં ચામડાં બાંધ્યાં.

17 5છી પોતે તૈયાર કરેલી સ્વાદિષ્ટ વાનગી તથા રોટલી પોતાના પુત્ર યાકોબના હાથમાં મૂક્યાં.

18 યાકોબે તેના પિતા પાસે જઈને કહ્યું, “પિતાજી!” ઇસ્હાકે પૂછયું, “મારા દીકરા, તું કોણ છે?”

19 યાકોબે પોતાના પિતાને કહ્યું, “હું એસાવ તમારો પ્રથમજનિત પુત્ર છું. મેં તમારા કહેવા પ્રમાણે કર્યું છે. હવે તમે બેઠા થાઓ અને મારો શિકાર ખાઈને મને આશિષ આપો.”

20 ઇસ્હાકે તેને પૂછયું, “મારા દીકરા, તને આટલો જલદી શિકાર કેવી રીતે મળ્યો?” તેણે કહ્યું, “તમારા ઈશ્વર પ્રભુએ મને તે મેળવી આપ્યો.”

21 પછી ઇસ્હાકે યાકોબને કહ્યું, “મારા દીકરા, મારી પાસે આવ, જેથી હું હાથ ફેલાવીને ખાતરી કરું કે તું મારો પુત્ર એસાવ જ છે કે નહિ.”

22 આથી યાકોબ પોતાના પિતા ઇસ્હાકની નજીક ગયો. ઇસ્હાકે હાથ ફેરવી જોઈને કહ્યું, “અવાજ તો જાણે યાકોબનો છે. પણ હાથ એસાવના છે.

23 તેના હાથ તેના ભાઈ એસાવના હાથ જેવા વાળવાળા હતા એટલે ઇસ્હાક તેને ઓળખી શકયો નહિ; તેથી ઇસ્હાક તેને આશિષ આપવાનો હતો. પણ તેણે પૂછયું, “શું તું ખરેખર મારો પુત્ર એસાવ છે?”

24 યાકોબે જવાબ આપ્યો, “હા, હું તે જ છું.”

25 પછી ઇસ્હાકે કહ્યું, “મારા દીકરા, ભોજન મારી પાસે લાવ કે હું તારો શિકાર ખાઈને તને આશિષ આપું.” એટલે તેણે ઇસ્હાકની આગળ ભોજન મૂકયું અને તેણે ખાધું. પછી તેણે તેને દ્રાક્ષાસવ લાવી આપ્યો અને તે તેણે પીધો.

26 પછી તેના પિતા ઇસ્હાકે તેને કહ્યું, “મારા દીકરા, હવે પાસે આવીને મને ચુંબન કર.”

27 તેથી યાકોબે પાસે જઈને ચુંબન કર્યું. પછી ઇસ્હાકે તેનાં વસ્ત્રો સૂંઘી જોયાં અને તેને આશિષ આપતાં કહ્યું: “પ્રભુએ જેને આશિષ આપી હોય તેવા ખેતરની સુવાસ જેવી મારા પુત્રની સુવાસ છે.

28 ઈશ્વર તારે માટે આકાશમાંથી ઝાકળ વરસાવો; તને પૃથ્વીની ફળદ્રુપ જમીન આપો; વળી, તે તને પુષ્કળ અનાજ અને દ્રાક્ષાસવ આપો.

29 લોકો તારી સેવા કરો, પ્રજાઓ તારી આગળ નમો. તું તારા ભાઈઓનો માલિક થા, અને તારી માતાના પુત્રો તારી આગળ નમો. તને શાપ દેનાર પર શાપ ઊતરો, અને તને આશિષ દેનાર આશિષ પામો.”


ઇસ્હાકની આશિષ માટે એસાવની વિનંતી

30 પછી એવું બન્યું કે ઇસ્હાક યાકોબને આશિષ આપી રહ્યો અને યાકોબ હજી તો હમણાં જ પોતાના પિતા ઇસ્હાક પાસેથી બહાર ગયો કે તેનો ભાઈ એસાવ શિકારેથી પાછો આવ્યો.

31 તેણે ખૂબ સ્વાદિષ્ટ વાનગી તૈયાર કરી અને પોતાના પિતા પાસે લાવીને તે બોલ્યો, “પિતાજી, ઊઠો, તમારા પુત્રે લાવેલો શિકાર ખાઈ લો અને મને આશિષ આપો.”

32 તેના પિતા ઇસ્હાકે તેને પૂછયું, “તું કોણ છે?” તેણે કહ્યું, “હું તમારો પ્રથમજનિત પુત્ર એસાવ છું.”

33 ત્યારે ઇસ્હાક થરથર ધ્રૂજવા લાગ્યો અને બોલ્યો, “તો પછી તારી પહેલાં મારી પાસે શિકાર મારી લાવ્યો તે કોણ? તારા આવ્યા પહેલાં મેં તેમાંથી ખાધું અને તેને આશિષ આપી, અને તે જરૂર આશિષ પામશે.”

34 પોતાના પિતાના શબ્દો સાંભળીને એસાવ ખૂબ મોટેથી પોક મૂકીને રડયો અને તેના પિતાને કહ્યું, “પિતાજી, મારા પિતાજી, મને પણ આશિષ આપો.”

35 પણ ઇસ્હાકે કહ્યું, “તારો ભાઈ દગો કરીને આશિષ પામી ગયો.”

36 એસાવે તેને કહ્યું, “તમે એનું નામ યાકોબ (એડી પકડનાર) સાચું જ પાડયું છે. કારણ, તેણે મને બે વાર છેતર્યો છે. પ્રથમ તેણે મારો જયેષ્ઠપુત્ર તરીકેનો હક્ક લઈ લીધો અને હવે મને મળનાર આશિષ પણ લઈ લીધી.” વળી, તેણે કહ્યું, “શું તમે મારે માટે કોઈ આશિષ રાખી મૂકી નથી?”

37 ઇસ્હાકે એસાવને જવાબ આપ્યો, “જો મેં તેને તારો માલિક બનાવ્યો છે અને તેના બધા કુટુંબીજનોને તેના સેવકો બનાવ્યા છે. વળી, પોષણને માટે મેં તેને અનાજ અને દ્રાક્ષાસવ આપ્યાં છે. મારા દીકરા, હું હવે તારે માટે શું કરી શકું?”

38 એસાવે પોતાના પિતાને કહ્યું, “પિતાજી, શું તમારી પાસે માત્ર એક જ આશિષ છે? પિતાજી, મારા પિતાજી, મને પણ કંઈક આશિષ આપો.” એમ બોલીને એસાવ પોક મૂકીને રડવા લાગ્યો.

39 ત્યારે તેના પિતા ઇસ્હાકે તેને કહ્યું, “જો, જ્યાં જમીન ફળદ્રુપ ન હોય, અને આકાશમાંથી ઝાકળ વરસતું ન હોય, ત્યાં તું વસશે.

40 તું તારી તલવારને જોરે જીવશે ને તારા ભાઈની સેવા કરશે, પણ તારાથી સહ્યું ન જાય ત્યારે તું તેની ઝૂંસરી તારી ગરદન પરથી ફગાવી દેશે.”

41 યાકોબને તેના પિતાએ જે આશિષ આપી તેને લીધે એસાવે યાકોબનો તિરસ્કાર કર્યો. તેણે પોતાના મનમાં કહ્યું, “મારા પિતાનો મૃત્યુનો દિવસ નજીક છે. એમને માટેના શોકના દિવસ પૂરા થાય તે પછી હું મારા ભાઈ યાકોબને મારી નાખીશ.”

42 પણ રિબકાને એસાવની એ વાતની જાણ થઈ ગઈ. તેથી તેણે યાકોબને બોલાવીને કહ્યું, “જો, તારો ભાઈ એસાવ તને મારી નાખીને તેનો ક્રોધાવેશ શમાવવા માગે છે.

43 તેથી મારા દીકરા, તું હવે મારું કહ્યું માન; તું એકદમ મારા ભાઈ લાબાન પાસે હારાનમાં નાસી જા.

44 તારા ભાઈનો ક્રોધ શમી જાય ત્યાં સુધી થોડા દિવસ તેમની પાસે જ રહે.

45 તારા ભાઈનો ક્રોધ ઊતરી જાય અને તેં જે કર્યું છે તે તે વીસરી જાય ત્યારે હું તને ત્યાંથી બોલાવી લઈશ. મારે તમને બન્‍નેને એક જ દિવસે ગુમાવવા નથી.”

46 રિબકાએ ઇસ્હાકને કહ્યું, “એસાવની હિત્તી પત્નીઓને લીધે હું જિદંગીથી કંટાળી ગઈ છું. જો યાકોબ પણ એમના જેવી જ આ દેશની કોઈ હિત્તી સ્ત્રીની સાથે લગ્ન કરે તો પછી મારે જીવીને શું કામ છે?”

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan