Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગલાતીઓ 6 - પવિત્ર બાઇબલ C.L.


એકબીજાને મદદરૂપ થાઓ

1 મારા પ્રિયજનો, જો કોઈ કંઈ અપરાધ કરતાં પકડાય, તો તમારામાં જેઓ આત્મિક છે તેમણે તેને નમ્રતાપૂર્વક પાછો સ્થિર કરવો. વળી, તમારી પરીક્ષા ન થાય, માટે તમે પણ સાવચેત રહો.

2 એકબીજાના ભાર ઊંચકવામાં મદદ કરો, એમ કરવાથી તમે ખ્રિસ્તના નિયમનું પાલન કરો છો.

3 પોતે કંઈ ન હોવા છતાં જો કોઈ પોતાને મહાન માનતો હોય, તો તે પોતાની જાતને છેતરે છે.

4 દરેકે પોતાની વર્તણૂકનો જાતે જ ન્યાય કરવો; કારણ, એમ કરવાથી તે પોતાની યોગ્યતાને આધારે ગર્વ કરી શકશે અને બીજાની સાથે સરખામણી કરવાની જરૂર રહેશે નહિ.

5 કારણ, દરેકે પોતાનો બોજ પોતે જ ઊંચકવાનો છે.

6 ખ્રિસ્તી સંદેશનું શિક્ષણ લેતા માણસે પોતાના શિક્ષકને સર્વ સારી બાબતોમાંથી ભાગ આપવો જોઈએ.

7 પોતાની જાતને છેતરશો નહિ. ઈશ્વરની મશ્કરી કરી શકાય નહિ. માણસ જેવું વાવશે તેવું લણશે.

8 જો તે માનવી સ્વભાવ પ્રમાણે વાવે, તો તે વિનાશ લણશે. પણ જો તે પવિત્ર આત્મા પ્રમાણે વાવે, તો તેમાંથી તે પવિત્ર આત્માથી સાર્વકાલિક જીવન લણશે.

9 એથી આપણે સારું કરતાં થાકવું નહિ, કારણ, જો આપણે પડતું મૂકીએ નહિ, તો યોગ્ય સમયે કાપણી કરીશું.

10 આમ, જ્યારે પણ આપણને તક મળે, ત્યારે આપણે સૌનું, અને ખાસ કરીને જેઓ વિશ્વાસમાં એક કુટુંબ છે, તેમનું ભલું કરીએ.


અંતિમ ચેતવણી અને શુભેચ્છા

11 હું મારે પોતાને હાથે કેવા મોટા અક્ષરોમાં લખું છું!

12 જેઓ પોતાની સારી છાપ પાડવા માગે છે, તેઓ જ તમને સુન્‍નત કરાવવાની ફરજ પાડે છે. ખ્રિસ્તના ક્રૂસને લીધે તેમની સતાવણી ન થાય, માટે તેઓ તેમ કરે છે.

13 જો કે જેઓ સુન્‍નતનો વિધિ પાળે છે, તેઓ પણ નિયમશાસ્ત્રનું પાલન કરતા નથી. પણ તેઓ બડાઈ મારી શકે માટે તમે સુન્‍નત કરાવો એવું તેઓ ચાહે છે.

14 હું પોતે તો ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્તના ક્રૂસ વિષે જ ગર્વ કરીશ. કારણ, તેમના ક્રૂસને લીધે દુનિયા મારે મન મરેલી છે અને હું દુનિયાને મન મરેલો છું.

15 કોઈની સુન્‍નત થયેલી છે કે નથી થઈ એ બાબત જરા પણ મહત્ત્વની નથી: પણ મહત્ત્વ તો નવસર્જનનું જ છે.

16 જેઓ આ સિદ્ધાંત પ્રમાણે જીવન જીવે છે, તેમની સાથે અને ઈશ્વરના સર્વ લોકની સાથે કૃપા તથા શાંતિ રહો!

17 કોઈ હવે મને વધુ તસ્દી ન આપે, કારણ, મારા શરીર પરનાં ચિહ્નો જણાવે છે કે હું ખ્રિસ્તનો સેવક છું.

18 મારા ભાઈઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા આત્માની સાથે રહો. આમીન.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan