Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગલાતીઓ 5 - પવિત્ર બાઇબલ C.L.


તમારી સ્વતંત્રતા જાળવો

1 સ્વતંત્ર માણસો તરીકે જીવન જીવવા માટે ખ્રિસ્તે આપણને મુક્ત કર્યા છે. હવે સ્વતંત્ર માણસોને શોભતા સ્થાને સ્થિર રહો, કે જેથી તમે ગુલામીના બંધનમાં ફરીથી ફસાઓ નહિ.

2 હું પાઉલ તમને આ જણાવું છું. જો તમે સુન્‍નત કરાવો, તો તમને ખ્રિસ્તથી કંઈ ફાયદો થવાનો નથી.

3 હવે હું ચેતવું છું કે જે માણસ સુન્‍નત કરાવે છે તે સમગ્ર નિયમશાસ્ત્રનું પાલન કરવા બંધાયેલો છે.

4 તમારામાંના જેઓ નિયમશાસ્ત્રને આધીન થવા દ્વારા ઈશ્વર સાથે સુમેળભર્યા સંબંધમાં આવવા માગે છે, તેઓ ખ્રિસ્તથી અલગ થએલા છે; તેઓ ઈશ્વરની કૃપાથી દૂર થયા છે.

5 પણ આપણે તો વિશ્વાસ કરવા દ્વારા ઈશ્વર સાથે સુમેળમાં આવ્યા હોવાથી પવિત્ર આત્માને પ્રતાપે ફળીભૂત થનારી આશાની આતુરતાથી રાહ જોઈએ છીએ.

6 ખ્રિસ્ત ઈસુની સાથેના સંબંધમાં સુન્‍નત કરાવવાથી કે સુન્‍નત ન કરાવવાથી કશો ફેર પડતો નથી; પ્રેમ દ્વારા કાર્ય કરનાર વિશ્વાસ જ મહત્ત્વની બાબત છે.

7 તમે બહુ સારી દોડ દોડી રહ્યા હતા! તો સત્યને આધીન થતાં તમને કોણે અટકાવ્યા?

8 તમને આમંત્રણ આપનાર ઈશ્વરે તો એવું કર્યું નથી.

9 થોડું ખમીર લોટના સમગ્ર જથ્થાને ફુલાવે છે.

10 પ્રભુમાં મને ભરોસો છે કે તમે મારા મંતવ્યથી જુદું મંતવ્ય નહિ અપનાવો. જે માણસ તમને ભરમાવે છે તે ગમે તે હોય; પણ ઈશ્વર તેને શિક્ષા કરશે.

11 ભાઈઓ, સુન્‍નત જરૂરી છે એવું હું હજી જાહેર કરતો હોઉં તો મારી હજી સતાવણી કેમ કરવામાં આવે છે? જો એમ જ હોય, તો પછી ખ્રિસ્તના ક્રૂસનો સંદેશો ઠોકરરૂપ ક્યાંથી હોય?

12 મારી તો એવી ઇચ્છા છે કે તમને સુન્‍નત કરાવવા અંગે ભમાવનારા જાતે જ કપાઈ જાય તો કેવું સારું!

13 તમે સ્વતંત્ર રહો એ માટે ઈશ્વરે તમને આમંત્રણ આપ્યું છે. પણ તમારું સ્વાતંય તમારી શારીરિક ઇચ્છાઓને સ્વચ્છંદતાના માર્ગે લઈ જવાનું બહાનું ન બની જાય, તેનું ધ્યાન રાખો. એને બદલે, એકબીજા પરનો પ્રેમ તમને સેવા કરતાં શીખવે.

14 કારણ, “જેવો પોતાના પર તેવો જ તારા માનવબધું પર પ્રેમ રાખ.” આ એક જ આજ્ઞામાં સમગ્ર નિયમશાસ્ત્રનો સમાવેશ થઈ જાય છે.

15 પણ જો તમે પશુઓની જેમ એકબીજાને કરડવાનું અને ફાડી ખાવાનું ચાલુ રાખશો તો સાવધ રહો; રખેને તમે એકબીજાનો સંપૂર્ણ નાશ કરો.


પવિત્ર આત્મા અને માનવી સ્વભાવ

16 પણ મારે તમને આટલું જ કહેવું છે: પવિત્ર આત્મા તમારા જીવનને દોરે અને તમે તમારા માનવી સ્વભાવની ઇચ્છાઓને વશ ન થાઓ,

17 કારણ, આપણો માનવી સ્વભાવ પવિત્ર આત્મા કરતાં વિરુદ્ધની અપેક્ષા રાખે છે, અને પવિત્ર આત્મા માનવી સ્વભાવ વિરુદ્ધની અપેક્ષા રાખે છે. એ બન્‍ને એકબીજાના દુશ્મનો છે, અને તેથી તમે જે કરવા માગો છો તે તમે કરી શક્તા નથી.

18 તમે પવિત્ર આત્માથી દોરાતા હો તો તમે નિયમશાસ્ત્રના બંધનમાં નથી.

19 પાપી સ્વભાવનાં કાર્યો સાવ દેખીતાં છે: વ્યભિચાર, અશુદ્ધતા, લંપટતા,

20 મૂર્તિપૂજા, ભૂતવિદ્યા, વૈરભાવ, ઝઘડા, ઈર્ષા, ક્રોધ, સ્વાર્થ, જૂથબંધી, પક્ષાપક્ષી,

21 અદેખાઈ, દારૂડિયાપણું, ભોગવિલાસ અને એવાં બીજાં કાર્યો. જેમ મેં પહેલાં ચેતવણી આપી હતી, તેમ હમણાં પણ આપું છું: જેઓ આવાં કાર્યો કરે છે, તેઓ ઈશ્વરના રાજનો વારસો કદી મેળવી શકશે નહિ.

22 પણ પવિત્ર આત્મા આ ફળ નિપજાવે છે: પ્રેમ, આનંદ, શાંતિ, ધીરજ, માયાળુપણું, ભલાઈ, એકનિષ્ઠા, નમ્રતા અને સંયમ.

23 આવી બાબતો ઉપર કોઈ નિયમ નથી.

24 જેઓ ખ્રિસ્ત ઈસુના છે તેમણે પોતાના માનવી સ્વભાવને તેની સર્વ વાસનાઓ તથા ઇચ્છાઓ સાથે ક્રૂસ પર મારી નાખ્યો છે.

25 જો આપણે પવિત્ર આત્માએ આપેલું જીવન જીવીએ છીએ, તો આપણે આપણા જીવનમાં પવિત્ર આત્માથી ચાલવું પણ જોઈએ.

26 આપણે અભિમાની, એકબીજાને ખીજવનાર કે એકબીજાની અદેખાઈ કરનાર ન બનવું જોઈએ.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan