ગલાતીઓ 4 - પવિત્ર બાઇબલ C.L.1 મારા કહેવાનો અર્થ એ છે કે, વારસ જ્યારે સગીર હોય છે ત્યારે જો કે સર્વ મિલક્ત પર તેની માલિકી છે અને તેના પિતાનો વારસો તેને જ મળવાનો છે, તો પણ તે જાણે કે ગુલામ હોય તે રીતે તેને રાખવામાં આવે છે. 2 જ્યાં સુધી તે સગીર છે અને તેના પિતાએ ઠરાવેલ સમય આવે ત્યાં સુધી બીજા માણસો તેની સંભાળ લે છે, અને તેનો કારભાર ચલાવે છે. 3 તે જ પ્રમાણે જ્યાં સુધી આપણે આત્મિક પરિપકવતા સુધી પહોંચ્યા નહોતા ત્યાં સુધી સગીર હતા, અને દુનિયાદારીના તાત્વિક સિદ્ધાંતોના ગુલામ હતા. 4 પણ નિયત સમયે ઈશ્વરે પોતાના પુત્રને મોકલ્યા. તે સ્ત્રીથી જનમ્યા, અને યહૂદી તરીકે જનમ્યા હોવાથી નિયમશાસ્ત્ર પ્રમાણે જીવન જીવ્યા; 5 જેથી આપણે નિયમશાસ્ત્રના નિયંત્રણમાંથી મુક્ત થઈને ઈશ્વરના પુત્રો બનીએ. 6 તમે ઈશ્વરના પુત્રો છો તેની પ્રતીતિ માટે ઈશ્વરે તેમના પુત્રનો પવિત્ર આત્મા તમારાં હૃદયોમાં મોકલ્યો છે. એ આત્મા, “પિતા, મારા પિતા” એવો ઉદ્ગાર કાઢે છે. 7 આથી તમે હવે ગુલામ નથી, પણ પુત્રો છો અને તમે પુત્રો છો, તેથી ઈશ્વરે પોતાના પુત્રોને માટે જે કંઈ વારસો રાખ્યો છે, તે સર્વ તમને મળશે. ગલાતીઓ માટે પાઉલની કાળજી 8 ભૂતકાળમાં તમે ઈશ્વરને ઓળખતા નહોતા; તેથી જેઓ ખરેખર ઈશ્વર નથી તેના તમે ગુલામ હતા. 9 પણ હવે તમે ઈશ્વરને ઓળખો છો, અથવા હું કહીશ કે ઈશ્વર તમને ઓળખે છે. તો પછી તમે નબળા અને કંગાલ એવા દુનિયાદારીના તાત્વિક સિદ્ધાંતોને કેમ અનુસરવા ચાહો છો? તમે ફરીવાર તેમના ગુલામ કેમ બનવા માગો છો? 10 તમે કેટલાક દિવસો, મહિનાઓ, ઋતુઓ અને વર્ષોને ખાસ મહત્ત્વ આપો છો. 11 તમારે વિષે મને ચિંતા થાય છે! તમારે માટે કરેલું મારું સેવાકાર્ય શું નિષ્ફળ જશે? 12 મારા ભાઈઓ, હું જેમ તમારા જેવો બન્યો છું તેમ તમે પણ મારા જેવા બનો એવી મારી વિનંતી છે. તમે કંઈ મારું કશું બગાડયું નથી. 13 તમને યાદ હશે કે તમને શુભસંદેશ જણાવવા હું તમારી પાસે સૌ પ્રથમ આવ્યો ત્યારે તો હું બીમાર હતો. 14 મારી બીમારીને લીધે તમે કટોકટીમાં મૂક્યા, છતાં તમે મારો તિરસ્કાર કર્યો નહિ કે મને કાઢી મૂક્યો નહિ. એને બદલે, હું જાણે કે ઈશ્વરનો દૂત હોઉં અથવા ખુદ ખ્રિસ્ત ઈસુ હોઉં તેમ તમે મારો આદરસત્કાર કર્યો. 15 ત્યારે તમે કેવા ઉત્સાહી હતા! તો એ સદ્ભાવના ક્યાં ગઈ? કારણ, તમારે વિષે તો હું એવી સાક્ષી આપું છું કે મારે માટે તમારી આંખો કાઢી આપવાનું શકાય હોત તો તમે તેય કાઢી આપો એટલા તત્પર હતા. 16 તો હવે તમને સત્ય જણાવવાને લીધે હું તમારો દુશ્મન બન્યો છું? 17 તેઓ તમારું ખૂબ ધ્યાન રાખે છે; પણ તેમનો ઇરાદો સારો નથી. 18 એ તો હું તમારાથી અલગ પડી જાઉં અને તમે તેમના પ્રત્યે ખૂબ ધ્યાન રાખતા થાઓ તે માટે એમ કરે છે. હું તો એવું ઇચ્છું છું કે હું તમારી સાથે ન હોઉં ત્યારે પણ જો કોઈ તમારું સારા ઈરાદાથી ધ્યાન રાખે તો કેવું સારું! 19 મારાં પ્રિય બાળકો, તમારામાં ખ્રિસ્તની પ્રતિમા ઉત્પન્ન થાય, ત્યાં સુધી પ્રસવવેદના જેવી વેદના મને તમારે માટે ફરીથી થાય છે. 20 આ ઘડીએ હું તમારી સાથે હોત તો કેવું સારું! એથી હું તમારી સાથે જુદું વર્તન દાખવી શક્ત. કારણ, તમારે વિષે મને પુષ્કળ ચિંતા થાય છે. હાગાર અને સારાનું ઉદાહરણ 21 જેઓ નિયમશાસ્ત્રને આધીન રહેવા માગે છે તેમને હું આ પ્રશ્ર્ન પૂછવા માગું છું: નિયમશાસ્ત્ર જે કહે છે તે તમે સાંભળતા નથી? 22 તેમાં લખેલું છે કે, અબ્રાહામને બે પુત્રો હતા. એક પુત્ર ગુલામ સ્ત્રીથી જન્મેલો હતો, અને બીજો પુત્ર સ્વતંત્ર સ્ત્રીથી જન્મેલો હતો. 23 ગુલામ સ્ત્રીનો પુત્ર કુદરતી રીતે જન્મેલો હતો, પણ સ્વતંત્ર સ્ત્રીનો પુત્ર ઈશ્વરના વરદાન પ્રમાણે જન્મેલો હતો. 24 આ વાતને એક રૂપક તરીકે લઈ શકાય. બે સ્ત્રીઓ તે બે કરાર છે. એક સ્ત્રી તો ગુલામ બાળકોને જન્મ આપનાર હાગાર છે અને તે સિનાઈ પર્વત પરનો કરાર દર્શાવે છે. 25 સિનાઈ પર્વત તો આરબપ્રદેશમાં આવેલો છે, અને તે પૃથ્વી પરના યરુશાલેમ શહેરના પ્રતીકરૂપ છે; જે તેનાં સર્વ સંતાનો સાથે ગુલામગીરીમાં છે. 26 પણ સ્વર્ગીય યરુશાલેમ સ્વતંત્ર છે, અને તે જ આપણી માતા છે. 27 કારણ, શાસ્ત્રમાં લખેલું છે: “હે વંધ્યા, તું હર્ષનાદ કર. જેણે કદી પ્રસવવેદના અનુભવી નથી તે તું આનંદથી પોકાર! કારણ, પોતાના પતિના સહવાસમાં રહેતી સ્ત્રી કરતાં એકલી રખાતી સ્ત્રીનાં વંશજો ઘણાં થશે.” 28 મારા ભાઈઓ, ઇસ્હાકની જેમ આપણે ઈશ્વરના વરદાન પ્રમાણેનાં બાળકો છીએ. 29 તે સમયે કુદરતી રીતે જન્મેલા પુત્રે ઈશ્વરના આત્માથી જન્મેલા પુત્રની સતાવણી કરી હતી. આજે પણ એવું જ છે. 30 પણ શાસ્ત્રમાં શું લખેલું છે? “ગુલામ સ્ત્રી અને તેના પુત્રને કાઢી મૂક. કારણ, ગુલામ સ્ત્રીના પુત્રને સ્વતંત્ર સ્ત્રીના પુત્ર સાથે વારસાનો ભાગ કદી મળી શકે નહિ.” 31 આમ, મારા ભાઈઓ, આપણે કંઈ ગુલામ સ્ત્રીનાં સંતાનો નથી, પણ આપણે તો સ્વતંત્ર સ્ત્રીનાં સંતાનો છીએ. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide