ગલાતીઓ 3 - પવિત્ર બાઇબલ C.L.વિશ્વાસનું મહત્ત્વ 1 ઓ મૂર્ખ ગલાતીઓ! તમારી સમક્ષ ક્રૂસ પર મૃત્યુ પામેલ ઈસુ ખ્રિસ્તને આબેહૂબ રીતે રજૂ કરવામાં આવ્યા હતા, તો પછી તમને ભરમાવ્યા કોણે? 2 આ એક જ વાત મને જણાવો: નિયમશાસ્ત્રની માગણીઓ પૂરી કરવાથી તમે ઈશ્વરનો આત્મા પ્રાપ્ત કર્યો કે પછી શુભસંદેશ સાંભળીને તે પર વિશ્વાસ કરવાથી? 3 શું તમે સાવ મૂર્ખ છો? ઈશ્વરના આત્મા દ્વારા શરૂઆત કરીને તમે હવે તમારી માનવીય શક્તિથી પૂર્ણ થવા માગો છો? 4 તમારા સર્વ અનુભવોનો શું કોઈ જ અર્થ નથી? ના, ના, તેમનો જરૂર કંઈક અર્થ છે. 5 તમે નિયમશાસ્ત્રની માગણીઓ પૂરી કરી તેથી ઈશ્વરે તમને પવિત્ર આત્મા આપ્યો અને તમારી મયે ચમત્કારો કર્યા કે પછી શુભસંદેશ સાંભળીને તે પર વિશ્વાસ કર્યો તેથી એમ બન્યું? 6 અબ્રાહામને લક્ષમાં લો: “તેણે ઈશ્વર પર વિશ્વાસ કર્યો અને એને લીધે ઈશ્વરે સુમેળમાં આવેલ વ્યક્તિ તરીકે તેનો સ્વીકાર કર્યો.” 7 એ પરથી તમારે સમજવું જોઈએ કે વિશ્વાસ ધરાવનાર લોકો જ અબ્રાહામના સાચા વંશજો છે. 8 ઈશ્વર બિનયહૂદીઓનો પણ વિશ્વાસ દ્વારા સુમેળમાં આવેલી વ્યક્તિઓ તરીકે સ્વીકાર કરશે એવું અગાઉથી જોઈને શાસ્ત્રમાં અબ્રાહામને પહેલેથી જ શુભસંદેશ પ્રગટ કરવામાં આવ્યો હતો: “તારી મારફતે બધી પ્રજાઓ ઈશ્વરની આશિષ પામશે.” 9 અબ્રાહામે વિશ્વાસ કર્યો અને તેને આશિષ મળી. તે જ પ્રમાણે વિશ્વાસ કરનાર બધાને અબ્રાહામના જેવી આશિષ મળે છે. 10 જેઓ નિયમશાસ્ત્રને આધીન થવા પર આધાર રાખે છે તેઓ શાપિત છે. કારણ, શાસ્ત્રમાં લખેલું છે, “નિયમશાસ્ત્રમાં જે કંઈ લખેલું છે તે બધું જે હંમેશાં પાળતો નથી, તે ઈશ્વરના શાપ નીચે છે!” 11 કોઈ માણસ નિયમશાસ્ત્રની મારફતે ઈશ્વરની સમક્ષ સુમેળમાં આવેલ વ્યક્તિ તરીકે સ્વીકૃત થતો નથી તે હવે સ્પષ્ટ છે. કારણ, શાસ્ત્રમાં લખેલું છે: “વિશ્વાસ દ્વારા ઈશ્વર સાથે સુમેળમાં આવેલ વ્યક્તિ જીવશે.” 12 પણ નિયમશાસ્ત્રનો આધાર વિશ્વાસ પર નથી. એથી ઊલટું, શાસ્ત્રમાં લખેલું છે: “નિયમશાસ્ત્રની બધી જ માગણીઓ પૂરી કરનાર માણસ નિયમશાસ્ત્રથી જીવન પામશે.” 13 ખ્રિસ્તે આપણે માટે શાપિત થઈને નિયમશાસ્ત્રના શાપથી આપણો ઉદ્ધાર કર્યો છે. કારણ, શાસ્ત્રમાં લખેલું છે: “જે કોઈ વૃક્ષ પર ટંગાયેલો છે તે ઈશ્વરના શાપ નીચે છે.” 14 એ પ્રમાણે ખ્રિસ્તે આપણો ઉદ્ધાર કર્યો છે; જેથી ઈશ્વરે અબ્રાહામને આપેલી આશિષ, ઈસુ ખ્રિસ્તની મારફતે બિનયહૂદીઓને પણ પ્રાપ્ત થાય અને વિશ્વાસ કરવા દ્વારા જેનું વચન અપાયું છે તે પવિત્ર આત્મા આપણે પ્રાપ્ત કરીએ. નિયમશાસ્ત્ર અને વરદાન 15 ભાઈઓ, તો હું વ્યાવહારિક ઉદાહરણ આપું: જ્યારે બે વ્યક્તિ કોઈ બાબત સંબંધી સંમત થાય અને કરારનામા પર સહી કરે, ત્યાર પછી કોઈ તેને તોડી શકતું નથી કે તેમાં ઉમેરો કરી શકતું નથી. 16 હવે ઈશ્વરે તેમનાં વરદાન અબ્રાહામ અને તેના વંશજને આપ્યાં હતાં. “અને તારાં વંશજોને” એટલે કે, ઘણા લોકને એવું શાસ્ત્રમાં લખેલું નથી. પણ શાસ્ત્રમાં લખેલું છે, “અને તારા વંશજને” જેનો અર્થ ફક્ત એક વ્યક્તિને એવો થાય છે, અને એ વ્યક્તિ તો ખ્રિસ્ત છે. 17 મારો કહેવાનો અર્થ આ છે: ઈશ્વરે એક કરાર કર્યો અને તે પાળવાનું વરદાન આપ્યું. હવે ચારસો ત્રીસ વર્ષ પછી આવેલું નિયમશાસ્ત્ર ઈશ્વરના એ કરારને તોડી શકે નહિ કે તેમના વરદાનને રદબાતલ કરી શકે નહિ. 18 કારણ, જો ઈશ્વરદત્ત વારસાનો આધાર નિયમશાસ્ત્ર પર હોય, તો પછી તેનો આધાર વરદાન પર નથી. પણ હકીક્તમાં ઈશ્વરે તો અબ્રાહામને એ વારસો વરદાનથી આપેલ છે. 19 તો પછી નિયમશાસ્ત્ર આપવાનો હેતુ શો છે? ઉલ્લંઘનોનું ભાન કરાવવા માટે તેને પાછળથી ઉમેરવામાં આવ્યું હતું અને આપવામાં આવેલા વરદાન પ્રમાણે અબ્રાહામનો વંશજ આવે નહિ ત્યાં સુધી નિયમશાસ્ત્રે એ કાર્ય કરવાનું હતું. નિયમશાસ્ત્ર તો દૂતોની મારફતે મયસ્થ દ્વારા આપવામાં આવ્યું હતું. 20 પણ હવે જ્યાં એક વ્યક્તિ સંકળાયેલી હોય ત્યાં મયસ્થની જરૂર નથી, અને ઈશ્વર એક જ છે. નિયમશાસ્ત્ર આપવાનો હેતુ 21 શું આનો અર્થ એવો થાય કે નિયમશાસ્ત્ર ઈશ્વરના વરદાનની વિરુદ્ધ છે? ના, એવું નથી. કારણ, જો નિયમની મારફતે માણસોને જીવન મળતું હોય તો નિયમની મારફતે માણસ ઈશ્વરની સાથે સુમેળભર્યા સંબંધમાં આવી શક્ત. 22 પણ શાસ્ત્રમાં લખેલું છે કે, સમગ્ર દુનિયા પાપની સત્તા નીચે છે. તેથી ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવા દ્વારા જે વરદાનો મળે છે તે તો વિશ્વાસ કરનારાઓને જ પ્રાપ્ત થાય છે. 23 વિશ્વાસનો સમય આવ્યો તે પહેલાં નિયમશાસ્ત્રે આપણને કેદીઓ જેવા રાખ્યા. 24 આમ, ખ્રિસ્ત આવ્યા ત્યાં સુધી આપણે નિયમશાસ્ત્રના વાલીપણા હેઠળ હતા; જેથી તે પછી આપણે વિશ્વાસ દ્વારા ઈશ્વરની સાથે સુમેળભર્યા સંબંધમાં આવીએ. 25 પણ હવે વિશ્વાસનો સમય આવ્યો છે તેથી આપણે નિયમશાસ્ત્રના નિયંત્રણ હેઠળ નથી. 26 વિશ્વાસની મારફતે જ તમે સર્વ ખ્રિસ્ત ઈસુમાં મેળવાયા હોવાથી ઈશ્વરના પુત્રો છો. 27 ઈસુ ખ્રિસ્તની સાથેના સંબંધમાં તમને બાપ્તિસ્મા આપવામાં આવ્યું છે; તેથી તમે ખ્રિસ્તનું જીવન અપનાવી લીધું છે. 28 આમ, યહૂદી કે બિનયહૂદી, ગુલામ કે સ્વતંત્ર, પુરુષ કે સ્ત્રી વચ્ચે હવે કોઈ ભેદભાવ નથી; કારણ, ઈસુ ખ્રિસ્તની સાથેના સંબંધને લીધે તમે સૌ એક છો. 29 જો તમે ખ્રિસ્તના છો, તો તમે અબ્રાહામના વંશજ પણ છો, અને ઈશ્વરે આપેલા વરદાન પ્રમાણે તમે વારસો પણ પ્રાપ્ત કરશો. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide