Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગલાતીઓ 2 - પવિત્ર બાઇબલ C.L.


પાઉલ અને બીજા પ્રેષિતો

1 ફરીથી ચૌદ વર્ષ પછી હું બાર્નાબાસ સાથે યરુશાલેમ પાછો ગયો. તે વખતે હું તિતસને પણ મારી સાથે લઈ ગયો હતો.

2 મારે ત્યાં જવું જ જોઈએ એવું ઈશ્વરે મને પ્રગટ કર્યું હોવાથી હું ગયો હતો. પ્રતિષ્ઠિત આગેવાનો સાથેની ખાનગી સભામાં હું બિનયહૂદીઓને જે શુભસંદેશ પ્રગટ કરું છું તે મેં તેમને સમજાવ્યો કે જેથી મારું ભૂતકાળનું અને હાલનું સેવાકાર્ય નક્મું ન જાય.

3 ત્યારે પણ મારો સાથીદાર તિતસ ગ્રીક હોવા છતાં તેની સુન્‍નત કરાવવાની ફરજ પાડી નહોતી.

4 જોકે ભાઈઓ હોવાનો ડોળ કરતા અને સંગતમાં જોડાયેલા કેટલાક માણસો તેની સુન્‍નત કરાવવા માગતા હતા. આ લોકો જાસૂસની માફક સંગતમાં ધૂસી ગયા છે, અને આપણે ખ્રિસ્ત ઈસુમાં મેળવાયા હોવાથી આપણને મળેલી સ્વતંત્રતાની બાતમી મેળવવા માગે છે. તેઓ આપણને ફરીથી બંધનમાં લાવવા માગે છે.

5 પણ તમારે માટે શુભસંદેશનું સત્ય જળવાઈ રહે તે માટે, અમે તેમની વાત સાથે જરાપણ સંમત થયા નહિ.

6 પ્રતિષ્ઠિત આગેવાનો તરીકે ગણાતા લોકોના દરજ્જાની મને કંઈ પડી છે એવું નથી, કારણ, ઈશ્વરની પાસે કંઈ ભેદભાવ નથી. પણ મારું કહેવું એ છે કે, હું જે શુભસંદેશ પ્રગટ કરું છું તેમાં તે આગેવાનોએ કંઈ વિશેષ ઉમેરવાનું ન હતું.

7 એથી ઊલટું, તેમને ખબર પડી કે, ઈશ્વરે જેમ યહૂદીઓને શુભસંદેશ પ્રગટ કરવાનું કાર્ય પિતરને સોંપ્યું હતું, તેમ બિનયહૂદીઓ મયે શુભસંદેશ પ્રગટ કરવાનું કાર્ય તેમણે મને સોંપ્યું છે.

8 જેમ પિતરને ઈશ્વરની શક્તિથી યહૂદીઓનો પ્રેષિત બનાવવામાં આવ્યો, તેમ મને બિનયહૂદીઓનો પ્રેષિત બનાવવામાં આવ્યો છે.

9 આમ, મંડળીના સ્તંભરૂપ ગણાતા યાકોબ, પિતર અને યોહાનને ખાતરી થઈ કે ઈશ્વરે મને આ ખાસ કાર્ય સોંપ્યું છે અને તેથી તેમણે બાર્નાબાસનો અને મારો સત્કાર કર્યો. સહકાર્યકરો તરીકે અમે સૌ સંમત થયા કે અમારે બિનયહૂદીઓ મયે કાર્ય કરવું અને તેઓ યહૂદીઓ મયે કાર્ય કરે.

10 તેમણે એટલું જ કહ્યું કે ગરીબોની જરૂરિયાતો લક્ષમાં રાખજો અને હું પણ એ માટે અથાગ પ્રયત્નો કરતો રહ્યો છું.


પાઉલનો પિતરને ઠપકો

11 જ્યારે પિતર અંત્યોખ આવ્યો ત્યારે તે દેખીતી રીતે જ ખોટો હતો. આથી મેં જાહેરમાં તેનો વિરોધ કર્યો.

12 યાકોબે મોકલેલા કેટલાક માણસો ત્યાં આવી પહોંચ્યા તે પહેલાં પિતર બિનયહૂદી ખ્રિસ્તીઓ સાથે ભોજન લેતો હતો. પણ જ્યારે એ માણસો આવી પહોંચ્યા, ત્યારે તે પાછો હઠી ગયો અને તેમની સાથે ભોજન લેવાનું બંધ કર્યું. કારણ, બિનયહૂદીઓની પણ સુન્‍નત થવી જોઈએ એવું મંતવ્ય ધરાવનારાઓની તેને બીક લાગી.

13 પિતરની સાથે સાથે બીજા યહૂદી ખ્રિસ્તીઓ પણ દંભ કરવા લાગ્યા અને તેમના આ દંભથી બાર્નાબાસ પણ તેમની તરફ ખેંચાઈ ગયો.

14 જ્યારે મેં જોયું કે તેઓ શુભસંદેશના સત્ય પ્રમાણેના માર્ગે ચાલતા નથી, ત્યારે સૌના સાંભળતાં મેં પિતરને કહ્યું, “તું યહૂદી હોવા છતાં યહૂદીઓની જેમ નહિ, પણ બિનયહૂદીઓની માફક જીવે છે; તો પછી તું બિનયહૂદી ખ્રિસ્તીઓને યહૂદીઓની માફક જીવવાની ફરજ કેમ પાડે છે?”


વિશ્વાસ દ્વારા યહૂદીઓ અને બિનયહૂદીઓનો ઉદ્ધાર

15 ખરેખર, આપણે જન્મથી યહૂદી છીએ, અને પાપી કહેવાતા બિનયહૂદી નથી.

16 છતાં આપણે જાણીએ છીએ કે નિયમશાસ્ત્રની માગણીઓ પૂરી કરવા દ્વારા નહિ, પણ ફક્ત ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ કરવા દ્વારા જ માણસ ઈશ્વર સાથે સુમેળભર્યા સંબંધમાં આવી શકે છે. તેથી ઈસુ ખ્રિસ્ત પરના આપણા વિશ્વાસ દ્વારા આપણને ઈશ્વર સાથે સુમેળમાં લવાયેલ વ્યક્તિ તરીકે સ્વીકારવામાં આવે તે માટે આપણે પણ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો છે. કારણ, નિયમશાસ્ત્રની માગણીઓ પૂરી કરવાથી કોઈ માણસ ઈશ્વર સાથે સુમેળમાં લવાયેલ વ્યક્તિ તરીકે સ્વીકૃત થતો નથી.

17 આપણે પણ ખ્રિસ્તમાં મેળવાવા દ્વારા ઈશ્વરની સાથે સુમેળભર્યા સંબંધમાં આવવા ચાહીએ છીએ, ત્યારે આપણને ખબર પડે છે કે આપણે પણ બિનયહૂદીઓ જેટલા જ પાપી છીએ. તો શું એનો અર્થ એવો થાય કે ખ્રિસ્ત પાપના પ્રેરક છે? ના, કદી જ નહિ

18 મેં જેને તોડી પાડયું છે, તેને હું ફરી સમારું, તો હું નિયમભંગ કરનાર પુરવાર થાઉં છું.

19 હું ઈશ્વરને માટે જીવી શકું તે માટે હું નિયમ દ્વારા મરેલો છું. ખ્રિસ્તની સાથે હું ક્રૂસે મારી નંખાયો છું.

20 તેથી હવેથી હું જીવતો નથી, પણ ખ્રિસ્ત મારામાં જીવે છે. હાલ જે જીવન હું જીવું છું તે ઈશ્વરપુત્ર પર વિશ્વાસ કરવા દ્વારા જ જીવું છું; તેમણે મારા પર પ્રેમ કર્યો અને મારે માટે પોતાનું જીવન અર્પી દીધું.

21 હું ઈશ્વરની કૃપાનો નકાર કરતો નથી. નિયમશાસ્ત્રના પાલનથી માણસ ઈશ્વર સાથે સુમેળમાં લવાયેલ વ્યક્તિ તરીકે સ્વીકૃત થઈ શક્તો હોય, તો ખ્રિસ્તના મરણનો કશો જ અર્થ નથી.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan