એઝરા 9 - પવિત્ર બાઇબલ C.L.પરપ્રજાકીય લગ્નસંબંધ 1 એ બનાવો પછી ઇઝરાયલી લોકોના આગેવાનોએ મારી પાસે આવીને કહ્યું, “ઇઝરાયલી લોકો, યજ્ઞકારો અને લેવીઓ આસપાસના દેશોના લોકોથી અલગ રહેતા નથી. તેઓ કનાનીઓ, હિત્તીઓ, પરિઝઝીઓ, યબૂસીઓ, આમ્મોનીઓ, મોઆબીઓ, ઇજિપ્તીઓ અને અમોરીઓનાં ઘૃણાપાત્ર આચરણો પ્રમાણે વર્તે છે. 2 તેમણે એ લોકોની પુત્રીઓને પોતાની તથા પોતાના પુત્રોની પત્નીઓ તરીકે સ્વીકારી છે. આમ, ઈશ્વરના પવિત્ર લોકો ત્યાંના લોકો સાથે ભેળસેળ થઈ ગયા છે. એ અપરાધમાં મુખ્યત્વે આગેવાનો અને અધિકારીઓએ જ પહેલ કરી છે.” 3 એ સાંભળીને મેં મારાં વસ્ત્ર તથા ઝભ્ભો ફાડયાં, માથા અને દાઢીના વાળ ફાંસી નાખ્યા અને આઘાત પામીને બેસી પડયો. 4 એ પ્રમાણે હું એમને એમ સાંજનાં બલિદાન ચડાવવાના સમય સુધી બેસી રહ્યો. દેશનિકાલમાંથી પાછા આવેલાઓએ કરેલા પાપ વિષે ઇઝરાયલના ઈશ્વરના વચનથી ગભરાયેલા બધા લોકો મારી આસપાસ એકઠા થઈ ગયા. 5 સાંજનાં બલિદાનના સમયે ફાટેલાં વસ્ત્ર અને ઝભ્ભામાં જ શોકમાં ને શોકમાં મેં પ્રાર્થનામાં ધૂંટણિયે પડીને મારા ઈશ્વર પ્રભુ તરફ મારા હાથ પ્રસાર્યા. 6 મેં પ્રાર્થના કરી, “હે મારા ઈશ્વર, તમારી સમક્ષ મારું મસ્તક ઉઠાવતાં પણ મને શરમ લાગે છે. અમારાં પાપ અમારાં શિર કરતાંય ઉપર અરે, છેક આકાશ સુધી પહોંચ્યાં છે. 7 અમારા પૂર્વજોના સમયથી આજ સુધી અમે ભયંકર પાપ કર્યાં છે. અમારાં પાપને લીધે અમારા રાજાઓ અને યજ્ઞકારો પરદેશી રાજાઓની સત્તાને તાબે થઈ ગયા છે. અમારી ક્તલ કરવામાં આવી છે, અમને લૂંટી લેવામાં આવ્યા છે. અમને કેદી તરીકે લઈ જવામાં આવ્યા છે અને અમારી આબરૂ લૂંટાઈ છે. આજે પણ અમારી એ જ દશા છે. 8 હે ઈશ્વર, અમારા પ્રભુ, અત્યારે થોડા સમય માટે તમે અમારા પર કૃપા દર્શાવી હોવાથી અમારામાંથી થોડાને ગુલામીમાંથી બચાવી લીધા છે અને આ પવિત્રભૂમિમાં અમને આશ્રયસ્થાન મળ્યું છે. તમે અમારી આંખોમાં તેજ આપ્યું છે અને અમને અમારા બંધનમાં પણ નવજીવન બક્ષ્યું છે. 9 કારણ, અમે તો ગુલામ હતા, પણ અમારી ગુલામી અવસ્થામાં તમે અમને તજી દીધા નહિ. તમે ઇરાનના રાજાઓના મનમાં અમારા પ્રત્યે દયાભાવ ઉત્પન્ન કર્યો, એટલે તેમણે અમને જીવતદાન આપ્યું છે. તેમજ તમારા ખંડિયેર બની ગયેલા મંદિરને ફરીથી બાંધવાની પરવાનગી આપી છે, અને અમને યહૂદિયા તથા યરુશાલેમમાં સલામતી બક્ષી છે. 10 “પણ હે અમારા ઈશ્વર, અમે શું કહીએ? કારણ, અમે તો તમારા સેવકો એટલે સંદેશવાહકો દ્વારા અપાયેલી તમારી બધી આજ્ઞાઓનો અનાદર કર્યો છે. 11 તેમણે અમને જણાવ્યું હતું: ‘જ્યાં તમે વસવાટ માટે જાઓ છો તે દેશ તો ત્યાંના લોકોની અશુદ્ધતા અને તેમનાં ઘૃણાપાત્ર કૃત્યોની મલિનતાથી ભરેલો છે. 12 તમારે તમારી પુત્રીઓનાં લગ્ન તેમની સાથે કરાવવાં નહિ, તેમ જ તમારે તેમની પુત્રીઓ સાથે લગ્ન કરવાં નહિ. ન તો તમારે તેમની સુખસમૃદ્ધિ માટે કંઈ પ્રયાસ કરવો. તો જ તમે બળવાન થશો, દેશની ઉત્તમ પેદાશ ખાશો અને તમારા વંશજો સદા તેનો વારસો ભોગવતા રહેશે. 13 “આ બધું બન્યા પછી અને અમારા અપરાધ અને પાપની સજા ભોગવ્યા પછી હે અમારા ઈશ્વર, અમે જાણીએ છીએ કે અમને થવી જોઈએ એના કરતાં ઘણી થોડી શિક્ષા તમે અમને કરી છે અને આટલા લોક બચાવ્યા છે. 14 તો પછી અમે કેવી રીતે તમારી આજ્ઞાઓ ઉથાપીને આ દુષ્ટ લોકો સાથે લગ્નસંબંધ બાંધી શકીએ? જો અમે એમ કરીએ તો તમે અતિશય કોપાયમાન થઈને અમારો એવો વિનાશ કરશો કે કોઈ બચી જઈને બાકી રહે નહિ. 15 હે ઇઝરાયલના ઈશ્વર પ્રભુ, તમે ન્યાયી છો, છતાં આજે છે તેમ તમે અમને બચાવ્યા છે. અમે તો અપરાધી છીએ અને તેથી તમારી સમક્ષ આવવાનો અમને કોઈ અધિકાર નથી.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide