Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

એઝરા 8 - પવિત્ર બાઇબલ C.L.


દેશનિકાલમાંથી પાછા આવેલાઓની યાદી

1 સમ્રાટ આર્તાશાસ્તાના શાસનકાળમાં એઝરા સાથે બેબિલોનથી પાછા આવેલા ગોત્રના આગેવાન પૂર્વજોની યાદી આ પ્રમાણે છે:

2 ફિનહાસના ગોત્રનો ગેર્શોમ, ઇથામારના ગોત્રનો દાનિયેલ, દાવિદના ગોત્રનો શખાન્યાનો પુત્ર હાટ્ટુશ,

3 પારોશના ગોત્રનો ઝખાર્યા; તેની સાથે પોતાના કુટુંબની વંશાવળી પ્રમાણે 150 પુરુષો હતા.

4 પાહાથ-મોઆબના ગોત્રનો ઝરાહ્યાનો પુત્ર એલ્યહોયનાય; તેની સાથે 200 પુરુષો હતા.

5 ઝાત્તુ ગોત્રના યાહઝિયેલનો પુત્ર શખાન્યા; તેની સાથે 300 પુરુષો હતા.

6 આદીનના ગોત્રનો યોનાથાનનો પુત્ર એબેદ; તેની સાથે 50 પુરુષો હતા.

7 એલામના ગોત્રનો અથાલ્યાનો પુત્ર યશાયા; તેની સાથે 70 પુરુષો હતા.

8 શફાટયાના ગોત્રનો મિખાયેલનો પુત્ર ઝબાદ્યા; તેની સાથે 80 પુરુષો હતા.

9 યોઆબના ગોત્રનો યહિયેલનો પુત્ર ઓબાદ્યા; તેની સાથે 218 પુરુષો હતા.

10 બાની ગોત્રનો યોસિફિયાનો પુત્ર બાની; તેની સાથે 160 પુરુષો હતા.

11 બેબાયના ગોત્રનો બેબાયનો પુત્ર ઝખાર્યા; તેની સાથે 28 પુરુષો હતા.

12 અઝગાદના ગોત્રનો હાક્કાટાનનો પુત્ર યોહાનાન; તેની સાથે 110 પુરુષો હતા.

13 અદોનીકામના ગોત્રના: અલીફેલેટ, યેઉએલ, શમાયા; તેમની સાથે 60 પુરુષો હતા. (તેઓ પાછળથી આવ્યા.)

14 બિગ્વાયના ગોત્રના ઉથાય તથા ઝાક્કૂર; તેમની સાથે 70 પુરુષો હતા.


મંદિર માટે લેવીઓની શોધ

15 મેં તેમને આહવા નગરમાં થઈને પસાર થતી નહેરને કિનારે એકત્ર કર્યા અને ત્યાં ત્રણ દિવસ પડાવ નાખ્યો. ત્યાં તપાસ કરતાં મને તેમનામાં યજ્ઞકારો મળ્યા, પણ કોઈ લેવી મળ્યો નહિ.

16 તેથી મેં આગેવાનોમાંથી આ નવને બોલાવ્યા: એલિએઝેર, અરિયેલ, શમાયા, એલ્નાથાન, યારીબ, એલ્નાથાન, નાથાન, ઝખાર્યા અને મશુલ્લામ. આ બે શિક્ષકોને પણ બોલાવ્યા: યોયારીબ અને એલ્નાથાન.

17 મેં તેમને ક્સિફિયામાં વસતા જૂથના મુખ્ય આગેવાન ઇદ્દો પાસે મોકલ્યા.

18 તેમણે ઇદ્દો તથા ક્સિફિયામાં વસતા તેના સાથીઓ, એટલે મંદિરના સેવકોને એવો સંદેશો પહોંચાડવાનો હતો કે મંદિરમાં ઈશ્વરની સેવા માટે તેઓ સેવકો મોકલી આપે.

19 ઈશ્વરની કૃપાથી તેમણે માહલી ગોત્રના અનુભવી માણસ શેરેબ્યા તથા તેના પુત્રો અને ભાઈઓ મળીને અઢારને મોકલ્યા. એ સાથે તેમણે મરારી ગોત્રના હશાબ્યાને અને યશાયાને તેમના પુત્રો તથા ભાઈઓ સહિત કુલ વીસને મોકલ્યા.

20 એ ઉપરાંત, મંદિરના અન્ય 220 સેવકો હતા. એ બધા દાવિદ રાજા અને તેના સરદારોએ લેવીઓની મદદ માટે નીમેલા સેવકોના વંશના હતા. એ સૌનાં નામની યાદી બનાવવામાં આવી.


સામૂહિક ઉપવાસ અને પ્રાર્થના

21 મેં આહવાની નહેર પાસે સૌને ઉપવાસ કરવા અનુરોધ કર્યો. અમારી મુસાફરીમાં ઈશ્વર અમને સીધો રસ્તો બતાવે અને અમારું, અમારાં બાળકોનું તથા અમારા માલસામાનનું રક્ષણ કરે તે માટે ઈશ્વર સમક્ષ નમ્ર બનીને સૌ પ્રાર્થના કરે એમ જણાવ્યું.

22 દુશ્મન વિરુદ્ધ રક્ષણને માટે સમ્રાટની પાસે લશ્કરી ટુકડી કે સવારો માગતાં મને શરમ લાગી. કારણ, મેં રાજાને કહ્યું હતું, “જે કોઈ અમારા ઈશ્વર પર ભરોસો રાખી તેમની મદદ માગે છે તેને તે આશિષ આપે છે, પણ જે કોઈ તેમનાથી વિમુખ થાય છે તેના પર તેમનો કોપ આવે છે અને તે શિક્ષા પામે છે.”

23 એટલે, ઈશ્વર અમારું રક્ષણ કરે તે માટે અમે ઉપવાસ સહિત પ્રાર્થનાઓ કરી અને ઈશ્વરે તે માન્ય કરી.


મંદિરનાં પાત્રોની સોંપણી

24 પછી મેં યજ્ઞકારોના આગેવાનોમાંથી શેરેબ્યા, હશાબ્યા તથા તેમના બીજા દસ સાથી યજ્ઞકારોને પસંદ કર્યા.

25 મેં તેમને રાજા, તેના સલાહકારો, અમલદારો અને ઇઝરાયલી લોકોએ મંદિરને માટે જે સોનુંરૂપું અને પાત્રો અર્પણમાં આપ્યાં હતાં તે તોલી આપ્યાં:

26 મેં તેમને બાવીસ હજાર કિલો ચાંદી, સો ચાંદીનાં પાત્રો, જેનું વજન સિત્તેર કિલો હતું, ત્રણ હજાર ચારસો કિલો સોનું, સોનાનાં વીસ પાત્રો, જેનું વજન નવ કિલો હતું,

27 તેમ જ સોના જેવાં ચળક્તાં તાંબાનાં બે કીમતી પાત્રો, વજન કરીને સોંપી દીધાં.

28 મેં તેમને કહ્યું, “તમે પ્રભુને માટે પવિત્ર છો. એ જ પ્રમાણે આ પાત્રો પણ પવિત્ર છે. વળી, આ સોનુંરૂપું તમારા પૂર્વજોના ઈશ્વર પ્રભુને ચડાવેલું સ્વૈચ્છિક અર્પણ છે.

29 તેથી યરુશાલેમમાં જઈને ત્યાં પ્રભુના મંદિરના ઓરડાઓમાં આગેવાન યજ્ઞકારો, લેવીઓ અને ઇઝરાયલના કુટુંબના વડાઓ સમક્ષ તમે તેમને તોળી આપો ત્યાં સુધી તમે તેમનું ખંતથી રક્ષણ કરો.”

30 તેથી યજ્ઞકારો અને લેવીઓએ એ સોનુંરૂપું તથા પાત્રો યરુશાલેમમાંના અમારા ઈશ્વરના મંદિરમાં લઈ જવા માટે સંભાળી લીધાં.


યરુશાલેમમાં પુનરાગમન

31 એમ અમે પ્રથમ માસની બારમી તારીખે આહવાની નહેરના કિનારેથી યરુશાલેમ જવા ઉપડયા. મુસાફરી દરમ્યાન પ્રભુએ અમને દુશ્મનોથી અને સંતાઈને ઓચિંતા છાપા મારનારાઓથી બચાવ્યા.

32 યરુશાલેમ પહોંચીને અમે ત્રણ દિવસ આરામ કર્યો.

33 ચોથે દિવસે મંદિરમાં જઈને અમે ઉરિયા યજ્ઞકારના પુત્ર મરેમોથને સોનુંરૂપું તથા પાત્રો વજન કરીને સોંપી દીધાં. તે સમયે ફિનહાસનો પુત્ર એલાઝાર તેમજ યેશૂઆનો પુત્ર યોઝાખાદ અને બિન્‍નઈનો પુત્ર નોઆયા એ બે લેવીઓ પણ હાજર હતા.

34 બધાંનું વજન કરીને ગણી આપવામાં આવ્યું અને તે જ વખતે તેની નોંધ કરી લેવામાં આવી.

35 દેશનિકાલમાંથી પાછા આવેલા લોકોએ ઇઝરાયલના ઈશ્વરને દહનબલિ ચડાવ્યા. બધા ઇઝરાયલીઓ માટે બાર આખલા, છન્‍નું ઘેટા અને સિત્તોતેર હલવાનો તેમ જ પ્રાયશ્ર્વિત નિવારણ બલિ માટે બાર બકરા એ બધાં પ્રાણીઓ પ્રભુને દહનબલિ તરીકે ચડાવવામાં આવ્યાં.

36 તેમણે સમ્રાટના ફરમાન અંગેનો પત્ર પશ્ર્વિમ યુફ્રેટિસ પ્રાંતના રાજ્યપાલો અને અધિકારીઓને આપ્યો, અને તેમણે લોકોને તથા ઈશ્વરના મંદિરના બાંધકામને ઉત્તેજન આપ્યું.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan