Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

એઝરા 7 - પવિત્ર બાઇબલ C.L.


એઝરાનું યરુશાલેમમાં આગમન

1 એ બનાવો બન્યા પછી સમ્રાટ આર્તાશાસ્તાના શાસનકાળ દરમ્યાન એઝરા નામે એક માણસ હતો. તે પ્રમુખ યજ્ઞકાર આરોનનો વંશજ હતો. તેની વંશાવળી આ પ્રમાણે છે: એઝરા સરાયાનો પુત્ર હતો. સરાયા અઝાર્યાનો પુત્ર, અઝાર્યા હિલકિયાનો પુત્ર,

2 હિલકિયા શાલ્લૂમનો પુત્ર, શાલ્લૂમ સાદોકનો પુત્ર, સાદોક અહીટૂબનો પુત્ર,

3 અહીટૂબ અમાર્યાનો પુત્ર, અમાર્યા અઝાર્યાનો પુત્ર, અઝાર્યા મરાયોથનો પુત્ર,

4 મરાયોથ ઝરાહ્યાનો પુત્ર, ઝરાહ્યા ઉઝઝીનો પુત્ર, ઉઝઝી બુક્કીનો પુત્ર,

5 બુક્કી અબિશુઆનો પુત્ર, અબિશુઆ ફિનહાસનો પુત્ર, ફિનહાસ એલાઝારનો પુત્ર અને એલાઝાર આરોનનો પુત્ર.

6 એ જ એઝરા બેબિલોનથી યરુશાલેમ આવ્યો. એઝરા તો ઇઝરાયલના ઈશ્વર પ્રભુએ મોશેને આપેલા નિયમશાસ્ત્રનો વિદ્વાન શાસ્ત્રી હતો. એઝરા પર પ્રભુની કૃપાદૃષ્ટિ હોવાથી તેણે જે કંઈ માગ્યું તે બધું રાજાએ તેને આપ્યું.

7 તેની સાથે યજ્ઞકારો, લેવીઓ, મંદિરના સંગીતકારો, સંરક્ષકો અને સેવકો પણ ગયા.

8 સમ્રાટ આર્તાશાસ્તાના શાસનકાળના સાતમા વર્ષના પાંચમા માસમાં તેઓ યરુશાલેમ પહોંચ્યા.

9 તેમણે પહેલા માસની પહેલી તારીખે બેબિલોનથી મુસાફરી શરૂ કરી અને ઈશ્વરની મદદથી પાંચમા માસની પહેલી તારીખે આવી પહોંચ્યા.

10 એઝરાએ પ્રભુના નિયમશાસ્ત્રનો અભ્યાસ કરવામાં, તે પ્રમાણે તેને આચરણમાં ઉતારવામાં અને તેના નિયમો અને વિધિઓ ઇઝરાયલી લોકોને શીખવવામાં પોતાનું જીવન પરોવ્યું હતું.


સમ્રાટ આર્તાશાસ્તાએ એઝરાને આપેલો પત્ર

11 એઝરા તો પ્રભુએ ઇઝરાયલી લોકોને આપેલી આજ્ઞાઓ અને વિધિઓનો વિદ્વાન હતો. સમ્રાટ આર્તાશાસ્તાએ તેને આપેલા પત્રની નકલ આ પ્રમાણે છે:

12 “સમ્રાટ આર્તાશાસ્તા તરફથી આકાશના ઈશ્વરના નિયમશાસ્ત્રમાં વિદ્વાન યજ્ઞકાર એઝરાને શુભેચ્છા.

13 “મારા સામ્રાજ્યમાંથી તારી સાથે યરુશાલેમ આવવા માગતા સર્વ ઇઝરાયલીઓ, યજ્ઞકારો અને લેવીઓને હું ત્યાં જવાની પરવાનગી આપું છું.

14 હું અને મારા સાત સલાહકારો તને એટલા માટે મોકલીએ છીએ કે તું જઈને તપાસ કરે કે તારી પાસે તારા ઈશ્વરનું જે નિયમશાસ્ત્ર છે તેનું પાલન યરુશાલેમ અને યહૂદિયાના લોકો કરે છે કે નહિ.

15 યરુશાલેમમાં જેમનું મંદિર છે તે ઇઝરાયલના ઈશ્વરને અર્પણ કરવા હું અને મારા સલાહકારો જે સોનુંરૂપું આપીએ છીએ તે તું તારી સાથે લઈ જા.

16 વળી, સમગ્ર બેબિલોનમાંથી ઇઝરાયલી લોકો અને યજ્ઞકારોએ યરુશાલેમમાં પોતાના ઈશ્વરના મંદિરમાં અર્પણ કરવા માટે રાજીખુશીથી આપેલું સોનુંરૂપું પણ લઈ જા.

17 આ પૈસામાંથી તું આખલા, ઘેટાં, હલવાનો, ધાન્ય અને દ્રાક્ષાસવ વેચાતાં લેવામાં ખંત રાખજે. તારે યરુશાલેમમાં આવેલા તારા ઈશ્વરના મંદિરમાંની વેદી પર તેમનું અર્પણ કરવું.

18 ખર્ચ થતાં જે સોનુંરૂપું વધે તેને તું તથા તારા સાથીઓ તારા ઈશ્વરની ઇચ્છા પ્રમાણે વાપરજો.

19 તારા ઈશ્વરના મંદિરમાં સેવાના કામને માટે તને આપવામાં આવેલાં પાત્રો યરુશાલેમમાં તારા ઈશ્વર સમક્ષ રજૂ કરજે.

20 વળી, તારા ઈશ્વરના મંદિરને માટે તારે અન્ય જે કંઈ વસ્તુઓ પૂરી પાડવી પડે તેનો ખર્ચ રાજભંડારમાંથી મેળવી લેજે.

21 “હું સમ્રાટ આર્તાશાસ્તા પશ્ર્વિમ- યુફ્રેટિસ પ્રાંતના સર્વ રાજભંડારીઓને આ ફરમાન કરું છું: આકાશના ઈશ્વરના નિયમશાસ્ત્રમાં વિદ્વાન યજ્ઞકાર એઝરા જે કંઈ માગે તે તમારે સત્વરે પૂરું પાડવું.

22 એટલે, આશરે ચોત્રીસો કિલો ચાંદી, દસ હજાર કિલો ઘઉં, બે હજાર લિટર દ્રાક્ષાસવ અને બે હજાર લિટર ઓલિવ તેલ સુધી અને મીઠું તો જોઈએ તેટલું આપવાં.

23 આકાશના ઈશ્વરના મંદિર માટે તે જે માગે તે ખંતથી આપવું, જેથી મારા રાજ્ય પર કે મારા વંશજો પર તેમનો કોપ ઊતરે નહિ.

24 વળી, યજ્ઞકારો, લેવીઓ, મંદિરના સંગીતકારો, સંરક્ષકો અને સેવકો તથા તેમની સાથેના કાર્યકરો પાસેથી કોઈપણ જાતના કરવેરા ઉઘરાવવા નહિ.

25 “હે એઝરા, તારી પાસે તારા ઈશ્વરના નિયમશાસ્ત્રનું જે જ્ઞાન છે તે પ્રમાણે પશ્ર્વિમ યુફ્રેટિસ પ્રાંતમાં વસતા તારા ઈશ્વરના નિયમને જાણતા લોકોનો ન્યાય કરવા માટે તારે ન્યાયાધીશો અને શાસ્ત્રીઓની નિમણૂક કરવી. એ નિયમશાસ્ત્ર ન જાણનારા લોકોને પણ તારે તેનું શિક્ષણ આપવું.

26 જે કોઈ તારા ઈશ્વરના નિયમશાસ્ત્રનું અથવા સામ્રાજ્યના કાયદાનું પાલન ન કરે તેને તારે ફાંસી, દેશનિકાલ, મિલક્તની જપ્તી કે કેદની યથાયોગ્ય સજા કરવી.”


એઝરાએ કરેલી ઈશ્વરની સ્તુતિ

27 એઝરાએ કહ્યું, “આપણા પૂર્વજોના ઈશ્વર પ્રભુની સ્તુતિ થાઓ કે આ રીતે તેમણે સમ્રાટની મારફતે યરુશાલેમમાંના તેમના મંદિરનો વૈભવ વધાર્યો છે.

28 ઈશ્વરની કૃપાથી મને રાજા, તેમના સલાહકારો અને પરાક્રમી અમલદારોની સદ્ભાવના પ્રાપ્ત થઈ છે. ઈશ્વરે મને હિંમત આપી તેથી મેં ઇઝરાયલના ગોત્રોના કેટલાક આગેવાનોને મારી સાથે આવવા તૈયાર કર્યા છે.”

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan