Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

એઝરા 6 - પવિત્ર બાઇબલ C.L.


સમ્રાટ કોરેશના આદેશની શોધ

1 સમ્રાટ દાર્યાવેશે બેબિલોન રાજ્યના દફતરભંડારમાં શોધ કરવાનો આદેશ આપ્યો.

2 ત્યારે માદાય પ્રાંતના એકબાતાના શહેરમાંથી એક લેખ મળી આવ્યો.

3 તેમાં આ પ્રમાણે નોંધ હતી: “સમ્રાટ કોરેશે પોતાના શાસનકાળના પ્રથમ વર્ષે એવો હુકમ આપ્યો કે બલિદાનો તથા અર્પણો ચડાવવાના સ્થાન યરુશાલેમના મંદિરને ફરીથી બાંધવું. તેના પાયા પર જ કામ કરવું અને મંદિર આશરે સત્તાવીશ મીટર ઊંચું અને સત્તાવીશ મીટર લાંબું રાખવું.

4 તેની દીવાલોમાં પથ્થરના ત્રણ થર અને તેની ઉપર લાકડાનો એક થર રાખવો. તે માટેનો બધો ખર્ચ રાજભંડારમાંથી આપવો.

5 યરુશાલેમમાં આવેલા ઈશ્વરના મંદિરમાંથી નબૂખાદનેસ્સાર સોનારૂપાંનાં જે પાત્રો બેબિલોન લાવ્યો હતો તેમને યરુશાલેમના મંદિરમાં તેમના અસલ સ્થાને મૂકવા પાછાં મોકલી આપવાં.”


મંદિરનું બાંધકામ ચાલુ રાખવા દાર્યાવેશનો આદેશ

6 ત્યારે સમ્રાટ દાર્યાવેશે નીચે પ્રમાણે જવાબ મોકલ્યો: “યુફ્રેટિસની પશ્ર્વિમના પ્રાંતના રાજ્યપાલ તાત્તનાય, શથાર-બોઝનાય તથા તે પ્રાંતના સાથી અમલદારો, “તમારે એ મંદિરથી દૂર રહેવું,

7 અને તેના બાંધકામમાં કંઈ વિક્ષેપ પાડવો નહિ. યહૂદિયાના રાજ્યપાલ તથા યહૂદી આગેવાનોને ઈશ્વરનું મંદિર તેના અસલ સ્થાને બાંધવા દેવું.

8 વળી, મારું ફરમાન છે કે તમારે તેમને એ કાર્યમાં મદદ પણ કરવી. યુફ્રેટિસની પશ્ર્વિમના પ્રાંતના કરવેરામાંથી રાજ્યને થતી આવકમાંથી તે અંગેનો ખર્ચ તરત જ પૂરો પાડવો, જેથી કામ અટકે નહિ.

9 આકાશના ઈશ્વરને અર્પણ ચડાવવા માટે યરુશાલેમના યજ્ઞકારોને તેઓ દરરોજ જે કંઈ માગે તે અચૂક આપો. એટલે તમારે તેમને વાછરડા, ઘેટા, હલવાનો, ઘઉં, મીઠું, દ્રાક્ષાસવ અને તેલ આપવાં.

10 એ માટે કે તેઓ આકાશના ઈશ્વરને માન્ય થાય એવાં અર્પણો ચડાવે અને મારે માટે તથા મારા પુત્રો રાજકુંવરો માટે આશિષની પ્રાર્થના કરે.

11 જે કોઈ મારા આ હુકમનો અનાદર કરે તેને તેના પોતાના જ ઘરના ભારટિયાની શૂળી બનાવી તે પર લટકાવી દેવો અને તેના ઘરને ઉકરડો બનાવી દેવું.

12 જે કોઈ રાજા કે પ્રજા, યરુશાલેમનું મંદિર, કે જેમાં ઈશ્વરે પોતાનું નામ રાખવા તેને પસંદ કર્યું છે તેનો નાશ કરે અને એમ આ આદેશનો અનાદર કરે તેનો ઈશ્વર નાશ કરો. હું દાર્યાવેશ આ હુકમ ફરમાવું છું અને તેનો તાકીદે અમલ થવો જોઈએ.”


મંદિરની પ્રતિષ્ઠા

13 રાજ્યપાલ તાત્તનાય, શથાર- બાઝનાય તથા પ્રાંતના તેમના સાથી અમલદારોએ રાજાના હુકમનો સત્વરે અમલ કર્યો.

14 હાગ્ગાય તથા ઇદ્દોના પુત્ર ઝખાર્યા સંદેશવાહકોના સંદેશાઓથી યહૂદી આગેવાનોને ઘણું પ્રોત્સાહન મળ્યું અને તેમણે મંદિરના બાંધકામમાં સારી એવી પ્રગતિ સાધી. ઇઝરાયલના ઈશ્વરની આજ્ઞા પ્રમાણે તેમજ ઇરાનના સમ્રાટ કોરેશ, દાર્યાવેશ અને આર્તાશાસ્તાના હુકમ પ્રમાણે તેમણે મંદિરનું બાંધકામ પૂરું કર્યું.

15 સમ્રાટ દાર્યાવેશના શાસનકાળના છઠ્ઠા વર્ષમાં, અદાર માસની ત્રીજી તારીખે મંદિરનું બાંધકામ પૂર્ણ થયું.

16 ઇઝરાયલના બધા લોકો એટલે યજ્ઞકારો, લેવીઓ તથા દેશનિકાલમાંથી પાછા ફરેલા બાકીના લોકોએ આનંદથી મંદિરની પ્રતિષ્ઠા કરી.

17 તે વખતે તેમણે એક્સો વાછરડા, બસો ઘેટા અને ચારસો હલવાન અર્પ્યાર્ં તથા ઇઝરાયલના પ્રત્યેક કુળ માટે એક એમ કુલ બાર બકરા પ્રાયશ્ર્વિતબલિ તરીકે ચડાવ્યા.

18 મોશેના પુસ્તકમાં લખેલી સૂચનાઓ પ્રમાણે તેમણે યરુશાલેમના મંદિરમાં વારા પ્રમાણે સેવા કરવા માટે યજ્ઞકારો અને લેવીઓની નિમણૂક કરી.


પાસ્ખાપર્વની ઉજવણી

19 પ્રથમ માસની ચૌદમી તારીખે દેશનિકાલમાંથી પાછા આવેલા લોકોએ પાસ્ખાપર્વ પાળ્યું.

20 બધા યજ્ઞકારો અને લેવીઓએ પોતાને પવિત્ર કર્યા હતા અને તેઓ વિધિ પ્રમાણે શુદ્ધ હતા. તેમણે દેશનિકાલમાંથી પાછા આવેલા લોકો માટે એટલે, પોતાને માટે, પોતાના સાથી યજ્ઞકારો માટે તથા લોકો માટે પાસ્ખાયજ્ઞના હલવાન કાપ્યાં.

21 દેશનિકાલમાંથી પાછા આવેલા બધા લોકોએ તથા દેશમાં આસપાસ વસતા વિધર્મીઓની મૂર્તિપૂજા તથા અમંગળ આચરણોથી પોતાને શુદ્ધ કરી ઇઝરાયલના ઈશ્વરની ભક્તિમાં સામેલ થયા હતા તેવા સૌએ પાસ્ખાયજ્ઞના અર્પણનું ભોજન કર્યું.

22 તેમણે સાત દિવસ સુધી ખમીરરહિત રોટલીનું પર્વ આનંદથી પાળ્યું. પ્રભુએ આશ્શૂરના સમ્રાટનું વલણ બદલી નાખ્યું હોવાથી તેણે તેમને ઇઝરાયલના ઈશ્વરના મંદિરના બાંધકામમાં પ્રોત્સાહન આપ્યું તેને લીધે તેઓ ખૂબ આનંદમાં હતા.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan