એઝરા 5 - પવિત્ર બાઇબલ C.L.મંદિરનું બાંધકામ ફરી ચાલુ કરાયું 1 યહૂદિયા અને યરુશાલેમમાં વસતા યહૂદીઓને સંદેશવાહકો હાગ્ગાય અને ઇદ્દોના પુત્ર ઝખાર્યાએ ઇઝરાયલના ઈશ્વર તરફથી સંદેશ પ્રગટ કર્યો. 2 એ સંદેશ સાંભળીને શઆલ્તીએલના પુત્ર ઝરૂબ્બાબેલ અને યોસાદાકના પુત્ર યેશૂઆએ યરુશાલેમમાં આવેલા ઈશ્વરના મંદિરનું બાંધકામ ફરીથી ચાલુ કર્યું અને બન્ને સંદેશવાહકોએ તેમને મદદ કરી. 3 તેથી યુફ્રેટિસની પશ્ર્વિમના પ્રાંતના રાજ્યપાલ તાત્તનાય, શથાર-બોઝનાય તથા તેમના સહકાર્યકરો તરત જ યરુશાલેમ આવ્યા અને તેમને પૂછપરછ કરી: “આ મંદિર અને કોટ બાંધવાની પરવાનગી તમને કોણે આપી?” 4 વળી, તેમણે મંદિર બાંધનારાઓનાં નામ પણ જણાવવા કહ્યું. 5 યહૂદી આગેવાનો પર ઈશ્વરની કૃપા હોવાથી એ અમલદારોએ નિર્ણય કર્યો કે જ્યાં સુધી સમ્રાટ દાર્યાવેશને આ બાબતની જાણ કરવામાં ન આવે અને તે પછી તેમનો જવાબ ન મળે ત્યાં સુધી આ કામ અટકાવવું નહિ.” 6 યુફ્રેટિસની પશ્ર્વિમના પ્રાંતના રાજ્યપાલ તાત્તનાય, શથાર-બોઝનાય તથા તેમના સહકાર્યકરો પ્રાંતના અધિકારીઓએ સમ્રાટ દાર્યાવેશ પર આ પ્રમાણે પત્ર પાઠવ્યો: 7 “હે સમ્રાટ દાર્યાવેશ, તમારા રાજમાં શાંતિ પ્રર્વતો! 8 અમે યહૂદિયા ગયા હતા અને મહાન ઈશ્વરના મંદિરનું બાંધકામ ફરીથી મોટા પથ્થરો વડે અને દીવાલોમાં લાકડાં જડીને કરવામાં આવી રહ્યું છે તે અમે જોયું છે. બાંધકામ ખૂબ જ કાળજીપૂર્વક થાય છે અને આગળ વધી રહ્યું છે. 9 “અમે તે લોકોના આગેવાનોને પૂછયું કે, ‘તમને આ મંદિર અને કોટ ફરી બાંધવાની પરવાનગી કોણે આપી?’ 10 અમે તેમનાં નામ પણ પૂછયાં કે જેથી અમે આપને તેની યાદી મોકલી શકીએ. 11 તેમણે અમને આ પ્રમાણે જવાબ આપ્યો: ‘અમે આકાશ અને પૃથ્વીના ઈશ્વરના સેવકો છીએ અને ઘણાં વર્ષો પૂર્વે ઇઝરાયલના એક મહાન રાજાએ જે મંદિર બંધાવેલું તેનું અમે ફરીથી બાંધકામ કરીએ છીએ. 12 અમારા પૂર્વજોનાં કાર્યોથી આકાશના ઈશ્વર કોપાયમાન થયા હોવાથી તેમણે તેમને બેબિલોનના સમ્રાટ નબૂખાદનેસ્સારના હાથમાં સોંપી દીધા હતા. મંદિરનો નાશ કરી દેવાયો અને લોકો બેબિલોનમાં કેદી બનાવી લઈ જવાયા. 13 પરંતુ ત્યારબાદ બેબિલોનના સમ્રાટ કોરેશે તેમના શાસનકાળના પ્રથમ વર્ષમાં મંદિરને ફરી બાંધવાનો હુકમ આપ્યો. 14 વળી, સમ્રાટ કોરેશે યરુશાલેમમાં આવેલા ઈશ્વરના મંદિરનાં જે પાત્રો સમ્રાટ નબૂખાદનેસ્સાર બેબિલોનના મંદિરમાં લઈ ગયેલા તે પણ પાંછા આપવાની આજ્ઞા કરી હતી. સમ્રાટ કોરેશે, જેને તેમણે યહૂદિયાના રાજ્યપાલ તરીકે નીમ્યો હતો તે શેશ્બાસ્સારને તે પાત્રો સોંપ્યાં હતાં. 15 વળી, સમ્રાટે એવો આદેશ પણ કર્યો હતો કે આ પાત્રો યરુશાલેમના મંદિરમાં લઈ જવામાં આવે અને મંદિરને તેના મૂળ સ્થાને ફરીથી બાંધવામાં આવે. 16 તેથી શેશ્બાસ્સારે યરુશાલેમ આવીને ઈશ્વરના મંદિરનો પાયો નાખ્યો, ત્યારથી બાંધકામ ચાલુ છે અને હજી પૂરું થયું નથી. 17 “આથી નામદાર, અમારી આપને વિનંતી છે કે બેબિલોન રાજ્યના દફતર ભંડારમાં તપાસ કરાવો કે સમ્રાટ કોરેશે યરુશાલેમમાંનું મંદિર ફરી બાંધવાનો આદેશ આપેલો કે નહિ. તે પછી આ અંગે આપની શી ઇચ્છા છે તે પ્રમાણે અમને આદેશ આપશો.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide