Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

એઝરા 4 - પવિત્ર બાઇબલ C.L.


કામ બંધ પાડવાના પ્રયાસો

1 યહૂદિયા અને બિન્યામીનના લોકોના શત્રુઓએ સાંભળ્યું કે દેશનિકાલમાંથી પાછા ફરેલા લોકો ઇઝરાયલના ઈશ્વર પ્રભુનું મંદિર ફરીથી બાંધવા લાગ્યા છે.

2 તેથી તેમણે ઝરૂબ્બાબેલ અને ગોત્રના આગેવાનો પાસે જઈને કહ્યું, “મંદિરના બાંધકામમાં અમે પણ તમારી સાથે જોડાઈશું. તમે જે ઈશ્વરનું ભજન કરો છો તેમને જ અમે ભજીએ છીએ; આશ્શૂરના રાજા એસાર-હાદ્દોને અમને અહીં જીવતા રાખી વસવા દીધા. ત્યારથી અમે એમને બલિદાનો ચડાવીએ છીએ.”

3 ઝરુબ્બાબેલ, યેશૂઆ અને ગોત્રના આગેવાનોએ તેમને કહ્યું, “પ્રભુ, અમારા ઈશ્વરનું મંદિર બાંધવા માટે અમારે તમારી મદદની જરૂર નથી. પણ ઇરાનના સમ્રાટ કોરેશે અમને આપેલા આદેશ પ્રમાણે, અમે પોતે એને બાંધીશું.”

4 દેશમાં વસતા લોકોએ યહૂદીઓને મંદિર બાંધતા અટકાવવાને તેમને હેરાન પરેશાન કર્યા.

5 તેમની વિરુદ્ધ કામ કરવા ઇરાનના સરકારી અધિકારીઓને તેમણે લાંચ આપી. સમ્રાટ કોરેશ અને સમ્રાટ દાર્યાવેશના અમલ સુધી તેમણે તેમ કરવાનું ચાલુ રાખ્યું.


બાંધકામનો વિશેષ વિરોધ

6 સમ્રાટ અહાશ્વેરોશના અમલના પ્રારંભમાં જ યહૂદિયા અને યરુશાલેમમાં વસતા લોકો પર આરોપ મૂક્તો એક પત્ર તેમના શત્રુઓએ લખ્યો હતો.

7 ફરીથી ઇરાનના સમ્રાટ આર્તાશાસ્તાના શાસનકાળ દરમિયાન બિશ્લામ, મિથ્રદાથ, તાબએલ તથા તેમના સાથીઓએ સમ્રાટ પર પત્ર લખ્યો. પત્ર અરામી ભાષામાં લખવામાં આવ્યો હતો, અને વાંચતી વખતે તેનો અનુવાદ કરવાનો હતો.

8 વળી, રાજ્યપાલ રહૂમ અને મંત્રી શિમ્શાઈએ પણ યરુશાલેમ સંબંધી સમ્રાટ આર્તાશાસ્તાને પત્ર લખ્યો:

9 “રાજ્યપાલ રહૂમ, પ્રાંતના મંત્રી શિમ્શાઈ, તેમના સહકાર્યકરો અને ન્યાયાધીશો, અન્ય અધિકારીઓ જેઓ એરેખ, બેબિલોન, અને એલામ પ્રાંતના સુસાના મૂળવતનીઓ છે અને

10 મહાન તથા પરાક્રમી અશૂર-બનીપાલે જેમને પોતાના વતનમાં લાવી સમરૂન નગર અને યુફ્રેટિસ નદીની પશ્ર્વિમ તરફના પ્રાંતમાં વસાવ્યા એવા સર્વ લોકો તરફથી આ પત્ર છે.

11 પત્ર આ પ્રમાણે છે: યુફ્રેટિસ નદીની પશ્ર્વિમ તરફના પ્રાંતના લોકો, તમારા સેવકો તરફથી સમ્રાટ આર્તાશાસ્તા જોગ:

12 નામદાર, અમે આપને જણાવવા માગીએ છીએ કે આપના અન્ય પ્રાંતોમાંથી અત્રે આવીને યરુશાલેમમાં વસેલા યહૂદીઓ દુષ્ટ અને બંડખોર શહેરને ફરીથી બાંધવા લાગ્યા છે. તેમણે કોટનું બાંધકામ ચાલુ કર્યું છે અને થોડા જ વખતમાં કોટ બંધાઈ જશે.

13 નામદાર, જો આ શહેર ફરીથી બંધાશે અને તેની દીવાલો ચણાઈ જશે, તો આ પ્રજા કરવેરા ભરવાનું બંધ કરી દેશે અને તેથી રાજ્યની આવક ઘટી જશે.

14 હવે, નામદાર, અમે તો આપના ઋણી છીએ અને આપનું આ રીતે અપમાન થાય એ અમને વાજબી જણાતું ન હોઈ, આપને હકીક્તથી વાકેફ કરીએ છીએ.

15 તેથી આપ આપના પૂર્વજોના ઇતિહાસમાંથી આ શહેર વિષેની વિગતોની તપાસ કરાવો. એના પરથી આપને ખ્યાલ આવશે કે આ શહેર બંડખોર છે અને પ્રાચીન સમયથી જ રાજાઓ અને પ્રાંતના અધિકારીઓને હેરાન કરતું આવ્યું છે. તેના લોકોને કાબૂમાં રાખવાનું કાર્ય હમેશાં દુષ્કર બન્યું છે. આ જ કારણથી એ શહેરનો નાશ કરવામાં આવ્યો હતો.

16 આથી અમે આપ નામદારને ખાતરીપૂર્વક જણાવીએ છીએ કે જો આ શહેર ફરી બંધાશે અને તેનો કોટ પૂરો થશે તો નદીની પશ્ર્વિમ તરફના પ્રદેશ પર આપની સત્તા રહેશે નહિ.”


સમ્રાટનો જવાબ

17 સમ્રાટે આવો જવાબ પાઠવ્યો: રાજ્યપાલ રહૂમ, પ્રાંતના મંત્રી શિમ્શાઈ તથા સમરૂન અને યુફ્રેટિસ નદીની પશ્ર્વિમ તરફના પ્રાંતમાં વસેલા તેમના સહકાર્યકરોને શુભેચ્છા!

18 તમે મોકલાવેલ પત્રનો અનુવાદ કરીને મારી સમક્ષ વાંચી સંભળાવવામાં આવ્યો છે.

19 મારા આદેશ પ્રમાણે શોધખોળ કરવાથી જાણવા મળ્યું છે કે પ્રાચીન સમયથી જ યરુશાલેમ શહેરમાં રાજાઓ વિરુદ્ધ બળવા થતા રહ્યા છે. તેમાં હમેશાં બળવાખોરો અને તોફાનીઓ રહેતા આવ્યા છે.

20 યરુશાલેમમાં પરાક્રમી રાજાઓએ યુફ્રેટિસ નદીની પશ્ર્વિમ તરફના પ્રાંત પર રાજ કરેલું છે અને લોકોએ તેમને કરવેરા ભર્યા છે.

21 તેથી હું બીજો આદેશ ન કરું ત્યાં સુધી એ શહેરનું બાંધકામ અટકાવી દેવાનો હુકમ કરો.

22 આ બાબતમાં જરાય વિલંબ કરશો નહિ, નહિ તો રાજ્યને વધારે નુક્સાન થશે.”

23 આર્તાશાસ્તા રાજાનો આ પત્ર રાજ્યપાલ રહૂમ, પ્રાંતના મંત્રી શિમ્શાઈ તથા તેમના સહકાર્યકરોએ વાંચ્યો કે તેઓ તરત યરુશાલેમ પહોંચી ગયા અને યહૂદીઓને શહેરનું બાંધકામ અટકાવી દેવાની ફરજ પાડી.

24 આમ, યરુશાલેમમાં પ્રભુના મંદિરનું બાંધકામ અટકી ગયું અને ઇરાનના સમ્રાટ દાર્યાવેશના શાસનકાળના છેક બીજા વર્ષ સુધી બંધ રહ્યું.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan