એઝરા 3 - પવિત્ર બાઇબલ C.L.આરાધનાનો પુન: આરંભ 1 સાતમો માસ આવતા સુધીમાં તો બધા ઈઝરાયલીઓ પોતપોતાનાં નગરોમાં ઠરીઠામ થઈ ગયા. તે પછી તેઓ સૌ યરુશાલેમમાં એકદિલે એકઠા થયા, 2 અને યોસાદાકનો પુત્ર યેશૂઆ તથા તેના સાથી યજ્ઞકારોએ તેમ જ શઆલ્તીએલનો પુત્ર ઝરૂબ્બાબેલ તથા તેના સાથી યજ્ઞકારોએ ઈશ્વરભક્ત મોશેના નિયમશાસ્ત્રમાં લખેલી સૂચનાઓ પ્રમાણે વેદી પર દહનબલિ ચડાવવા માટે ઇઝરાયલના ઈશ્વરની વેદી ફરીથી બાંધી. 3 તેમને આસપાસના લોકોનો ભય હોવા છતાં વેદીને તેના મૂળ સ્થાને જ બાંધી. તે પછી તેમણે સવારસાંજનાં નિયમિત બલિદાનો ચડાવવાનું ફરીથી ચાલુ કર્યું. 4 નિયમની સૂચનાઓ પ્રમાણે તેમણે માંડવાપર્વ ઊજવ્યું. તે માટે પ્રત્યેક દિવસે નિયત બલિદાનો ચડાવ્યાં. 5 તે ઉપરાંત નિત્યનાં દહનબલિ, ચાંદ્રમાસના પ્રથમ દિવસનાં પર્વનાં અર્પણો અને સ્વૈચ્છિક અર્પણો તથા પ્રભુનાં નક્કી કરેલા સર્વ પર્વોના અર્પણો પણ પ્રભુને ચડાવ્યાં. 6 મંદિરને ફરી બાંધવાનું કાર્ય હજી શરૂ કરવામાં આવ્યું નહોતું, પણ પ્રભુને દહનબલિ ચડાવવાનું તો તેમણે સાતમા માસના પ્રથમ દિવસથી જ શરૂ કર્યું. મંદિરના પુનરોદ્ધારનો આરંભ 7 લોકોએ સલાટો અને સુથારોનું વેતન ચૂકવવા પૈસા આપ્યા અને સમુદ્રમાર્ગે યાફા સુધી લાવવાનાં લબાનોનનાં ગંધતરુનાં લાકડાં માટે તૂર અને સિદોન શહેરોને મોકલવા ખોરાકપાણી અને ઓલિવ તેલ આપ્યાં. એ બધું ઈરાનના સમ્રાટ કોરેશની પરવાનગી પ્રમાણે કરવામાં આવ્યું. 8 દેશનિકાલ થયેલાઓ યરુશાલેમ પાછા ફર્યા તે પછીના બીજા વર્ષના બીજા માસમાં શઆલ્તીએલનો પુત્ર ઝરૂબ્બાબેલ, યોસાદાકનો પુત્ર યેશૂઆ, સાથી યજ્ઞકારો તથા લેવીઓ તેમજ દેશનિકાલીમાંથી યરુશાલેમ પાછા આવેલા સૌએ પ્રભુના મંદિરને ફરી બાંધવાનું કામ શરૂ કર્યું. વીસ કે તેથી વધુ ઉંમરના લેવીઓને મંદિરના બાંધકામની દેખરેખ માટેની જવાબદારી સોંપવામાં આવી. 9 તેથી યેશૂઆ, તેના પુત્રો તથા ભાઈઓ, ક્દ્મીએલ તથા તેના પુત્રો, (હોદાવ્યાનું ગોત્ર), તેમ જ લેવી હનાદાદ, તેના પુત્રો તથા ભાઈઓ એ સૌએ એકચિત્તે પ્રભુના મંદિરના બાંધકામની દેખરેખનું કામ સંભાળી લીધું. 10 તેમણે મંદિરનો પાયો નાખ્યો તે વખતે યજ્ઞકારો પોતાના ઝભ્ભા પહેરીને અને હાથમાં રણશિંગડાં લઈને પોતપોતાના સ્થાનમાં ગોઠવાઈ ગયા. આસાફના ગોત્રના લેવીપુત્રો ઝાંઝ લઈને ઊભા હતા. દાવિદ રાજાએ આપેલી સૂચના પ્રમાણે તેમણે પ્રભુની સ્તુતિ કરી. 11 તેમણે પ્રભુનું ભજન કરતાં સ્તોત્ર ગાયું અને તેમાં આ ટેકનો પુનરોચ્ચાર કર્યો: “પ્રભુ દયાળુ છે, અને ઇઝરાયલ પર તેમનો પ્રેમ સનાતન છે.” મંદિરના પાયા ઉપર કામ ચાલુ થઈ ગયું હોવાથી સૌએ મોટા પોકારસહિત પ્રભુનું ભજન કર્યું. 12 ઘણા વયોવૃદ્ધ યજ્ઞકારો, લેવીઓ અને ગોત્રોના આગેવાનોએ પ્રથમનું મંદિર જોયું હતું. તેમણે જ્યારે મંદિરનો પાયો નંખાતો જોયો ત્યારે તેમણે પોક મૂકીને વિલાપ કર્યો. પણ બીજા કેટલાકે તો હર્ષનો પોકાર પાડયો. 13 લોકોએ એવું બૂમરાણ મચાવ્યું હતું કે તેનો ઘોંઘાટ ઘણે દૂર સુધી સંભળાતો હતો, તેથી લોકોનો અવાજ રુદનનો છે કે આનંદનો એ કળવું મુશ્કેલ હતું. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide