એઝરા 10 - પવિત્ર બાઇબલ C.L.પરપ્રજાકીય લગ્નસંબંધનો ઉકેલ 1 એઝરા મંદિર આગળ ભૂમિ પર નતમસ્તકે ધૂંટણિયે પડીને રડતાં રડતાં પ્રાર્થના કર્યા કરતો હતો અને પાપની કબૂલાત કરતો હતો ત્યારે ઇઝરાયલી સ્ત્રી, પુરુષો અને બાળકોનો મોટો સમુદાય તેની આસપાસ એકત્ર થયેલો હતો. તેઓ પણ ભારે વિલાપ કરતાં હતાં. 2 ત્યારે એલામના ગોત્રના યહિયેલના પુત્ર શખાન્યાએ એઝરાને કહ્યું, “પરપ્રજાની સ્ત્રીઓ સાથે લગ્ન કરીને આપણે ઈશ્વરના નિયમનો ભંગ કર્યો છે. છતાં ઇઝરાયલ માટે હજી કંઈક આશા છે. 3 આપણે આપણા ઈશ્વર સમક્ષ પ્રતિજ્ઞા કરીએ કે આપણે આ સ્ત્રીઓ તથા તેમનાં બાળકોને તજી દઈશું. એટલે, તમે તથા ઈશ્વરથી ડરીને તેમની આજ્ઞાનું પાલન કરનાર અન્ય આગેવાનો જે સલાહ આપે તે પ્રમાણે કરીએ. 4 આપણે એમ ઈશ્વરના નિયમની માગણી પ્રમાણે વર્તીએ. હવે એ કામ તમારું છે અને અમે તમને મદદ કરીશું. તેથી ખૂબ હિંમત રાખીને આ કામ પાર પાડો!” 5 એટલે શખાન્યાએ કરેલા સૂચન પ્રમાણે કરવા એઝરાએ મુખ્ય યજ્ઞકારો, લેવીઓ તથા સર્વ ઇઝરાયલીઓને શપથ લેવડાવ્યા. 6 ત્યાર પછી તે ઈશ્વરના મંદિર આગળથી ઊઠીને એલ્યાશીબના પુત્ર યહોહાનાનના નિવાસખંડમાં ગયો. ત્યાં તેણે દેશ- નિકાલમાંથી આવેલા ઇઝરાયલીઓના પાપને લીધે શોક કર્યો. તેણે કંઈ ખાધુંપીધું નહિ. 7 યરુશાલેમ અને સમગ્ર યહૂદિયામાં જાહેરાત કરવામાં આવી કે દેશનિકાલમાંથી આવેલા બધા લોકોએ યરુશાલેમમાં એકઠા થવું. 8 અધિકારીઓ અને આગેવાનોના આ આદેશ પ્રમાણે જે કોઈ ત્રણ દિવસમાં નહિ આવે તેની માલમિલક્ત જપ્ત કરવામાં આવશે અને તેને જનસમાજમાંથી બહિષ્કૃત કરવામાં આવશે. 9 ત્રણ દિવસમાં, નવમા માસની વીસમી તારીખે, યહૂદિયા અને બિન્યામીનના કુળપ્રદેશોના બધા માણસો યરુશાલેમના મંદિરના ચોકમાં એકઠા થયા. ભારે વરસાદ અને ગંભીર પ્રસંગને લીધે બધા લોક ધ્રૂજતા હતા. 10 યજ્ઞકાર એઝરાએ ઊભા થઈને તેમને કહ્યું, “પરપ્રજાની સ્ત્રીઓ સાથે લગ્ન કરી તમે ઈશ્વર પ્રત્યે બેવફા નીવડયા છો અને એમ ઇઝરાયલના પાપમાં વધારો કર્યો છે. 11 હવે તમારા પૂર્વજોના ઈશ્વર પ્રભુ સમક્ષ તમારું પાપ કબૂલ કરો અને તેમની ઇચ્છા પ્રમાણે કરો. દેશના લોકોથી અને પરપ્રજાની સ્ત્રીઓથી અલગ થાઓ.” 12 બધા લોકોએ મોટે અવાજે ઉત્તર આપ્યો, “અમે તારા કહ્યા પ્રમાણે વર્તીશું.” 13 વળી, તેમણે કહ્યું, “લોકો ઘણા છે અને વરસાદ પુષ્કળ પડે છે. તેથી આ રીતે બહાર ખુલ્લામાં ઊભા રહી શકાય તેમ નથી. આ પાપ દૂર કરવાનું કામ એકબે દિવસનું નથી. કારણ, અમારામાંથી ઘણાએ આ મોટું પાપ કર્યું છે. 14 તેથી આપણા અધિકારીઓ યરુશાલેમમાં રહે અને આ સમગ્ર તપાસનો વહીવટ સંભાળે. ત્યાર પછી અમારામાંથી જેમણે પરપ્રજાની સ્ત્રીઓ સાથે લગ્ન કર્યાં છે તેઓ ઠરાવેલે સમયે પોતપોતાના નગરના ન્યાયાધીશો અને આગેવાનો સાથે યરુશાલેમમાં હાજર થાય. એ રીતે આ બાબતને લીધે આપણા પર આવેલો ઈશ્વરનો કોપ દૂર થઈ શકશે.” 15 પણ માત્ર અસાહેલના પુત્ર યોનાથાને અને તિકવાના પુત્ર યાહઝયાએ એ વાતનો વિરોધ કર્યો. મશુલ્લામ તથા શાબ્બાથાય લેવીએ તેમને ટેકો આપ્યો. 16 દેશનિકાલમાંથી આવેલા લોકોએ એ વ્યવસ્થાનો સ્વીકાર કર્યો. યજ્ઞકાર એઝરાએ પૂર્વજો પ્રમાણે કુટુંબોના આગેવાનોમાંથી માણસો નીમ્યા. તેમણે દસમા માસની પહેલી તારીખે તપાસ કાર્ય શરૂ કર્યું. 17 તેમણે ત્રણ માસમાં પરપ્રજાની સ્ત્રીઓ સાથે લગ્ન કરનાર લોકોની યાદી બનાવી દીધી. પરપ્રજાની સ્ત્રીઓ સાથે લગ્ન કરનારાઓની યાદી 18 યજ્ઞકારોના પુત્રોમાંથી પરપ્રજાની સ્ત્રીઓ સાથે લગ્ન કરનારાઓનાં નામ આ પ્રમાણે છે: યેશૂઆના ગોત્રમાંના યોસાદાકનો પુત્ર તથા તેના ભાઈઓ માસેયા, એલિએઝેર, યારીબ અને ગદાલ્યા. 19 આ બધાએ પોતાની પત્નીઓ તજી દેવાનું વચન આપ્યું હતું. તેમણે પોતાના પાપને લીધે ઘેટાનું અર્પણ આપ્યું. 20 ઈમ્મેરના ગોત્રમાંના: હનાની તથા ઝબાદ્યા. 21 હારીમના ગોત્રમાંના: માસેયા, એલિયા, શમાયા, યહિયેલ અને એલઆસા. 22 પાશહૂરના ગોત્રમાંના: એલ્યોએનાય, માસેયા, ઇશ્માએલ, નાથાનાએલ, યોઝાબાદ તથા એલઆસા. 23 લેવીઓના કુળના: યોઝાબાદ, શિમઈ, કેલાયા (એટલે કાલીટા) પથાહ્યા, યહૂદા તથા એલિએઝેર. 24 સંગીતકારોમાંથી: એલ્યાશીબ, મંદિરના સંરક્ષકોમાંથી: શાલ્લુમ, ટેલેમ તથા ઉરી. 25 બાકીનાઓની યાદી: પારોશના ગોત્રમાંના: રામ્યા, યિઝઝીયા, માલકિયા, મીયામીન, એલાઝાર, માલકિયા અને બનાયા. 26 એલામના ગોત્રમાંના: માત્તાન્યા, ઝખાર્યા, યહિયેલ, આબ્દી, યરેમોથ તથા એલિયા. 27 ઝાત્તૂના ગોત્રમાંના: એલ્યોએનાય, એલ્યાશીબ, માત્તાન્યા, યરેમોથ, ઝાબાદ તથા અઝીઝા. 28 બેબાયના ગોત્રમાંના: યહોહાનાન, હનાન્યા, ઝાબ્બાય તથા આથ્લાય. 29 બાનીના ગોત્રમાંના: મશુલ્લામ, માલ્લૂખ, અદાયા, યાસૂબ, શેઆલ તથા યરેમોથ. 30 પાહાથ મોઆબના ગોત્રમાંના: આદના, કલાલ, બનાયા, માસેય, માતાન્યા, બઆલએલ, બિન્નૂઈ તથા મનાશ્શા. 31 હારીમના ગોત્રમાંના: એલિએઝેર, યિશ્શીયા, માલકિયા, શમાયા, શિમયોન, 32 બિન્યામીન, માલ્લૂખ તથા શમાર્યા. 33 હાશુમના ગોત્રમાંના: માત્તનાય, માત્તાત્તા, ઝાબાદ, અલીફેલેટ, યરેમાઈ, મનાશ્શા તથા શિમઈ. 34-37 બાનીના ગોત્રમાંના: માદાય, આમ્રામ, ઉએલ, બનાયા, બેદયા, કલૂહી, વાન્યા, મરેમોથ, એલ્યાશીબ, માત્તાન્યા, માત્તનાય તથા યાઅસુ. 38-42 બિન્નૂઈના ગોત્રમાંના: શિમઈ, શેલેમ્યા, નાથાન, અદાયા, માખ્નાદબાય, શાશાય, શારાય, અઝારએલ, શેલેમ્યા, શેમાર્યા, શાલ્લુમ, અમાર્યા તથા યોસેફ. 43 નબોના ગોત્રમાંના: યેઈએલ, માત્તિથ્યા, ઝાબાદ, ઝબીના, ઇદ્દો, યોએલ તથા બનાયા. 44 આ બધાએ વિધર્મી સ્ત્રીઓ સાથે લગ્ન કર્યાં હતાં અને તેમનાથી તેમને બાળકો હતાં. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide