Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

એઝરા 1 - પવિત્ર બાઇબલ C.L.

1 યર્મિયા સંદેશવાહક દ્વારા પ્રભુએ પ્રગટ કરેલો સંદેશ પૂર્ણ થાય તે માટે ઇરાનના સમ્રાટ કોરેશે પોતાના અમલના પ્રથમ વર્ષે પ્રભુની પ્રેરણા પ્રમાણે પોતાના સામ્રાજ્યમાં એક લેખિત આદેશ બહાર પાડયો અને તેની જાહેરાત કરાવી.

2 તેનો આદેશ આ પ્રમાણે હતો: “ઈરાનનો સમ્રાટ હું કોરેશ પોતે આ આદેશ આપું છું. આકાશના ઈશ્વર પ્રભુએ મને સમગ્ર દુનિયાનાં રાજ્યો પર સત્તા આપી છે અને યહૂદિયામાંના યરુશાલેમમાં તેમને માટે મંદિર બાંધવાની જવાબદારી સોંપી છે.

3 હે સર્વ પ્રજાજનો, તમારામાં પ્રભુના લોક છે. તેમના ઈશ્વર તેમની સાથે હો! તમે તેમને તેમના ઈશ્વરનું મંદિર ફરી બાંધવા યરુશાલેમ જવા દો. યાહવે જ સાચા ઈશ્વર છે.

4 દેશનિકાલીમાં આવેલા લોકોમાંથી બાકી રહેલા પૈકી જે કોઈને ત્યાં પાછા ફરવું હોય તેમને તેમના પડોશીઓએ મદદ કરવી. તેમણે તેમને સોનું, રૂપું જરૂરી પુરવઠો અને પ્રાણીઓ તેમ જ યરુશાલેમમાં ઈશ્વરના મંદિરમાં ચડાવવા માટે અર્પણો આપવાં.”

5 ત્યારે યહૂદા અને બિન્યામીનના કુળના ગોત્રોના આગેવાનો, યજ્ઞકારો, લેવીઓ તથા જેમના મનમાં ઈશ્વરે પ્રેરણા કરી એવા સૌ કોઈ યરુશાલેમમાંના પ્રભુના મંદિરને ફરીથી બાંધવા માટે જવા તૈયાર થયા.

6 તેમના સર્વ પડોશીઓએ તેમને ઘણી વસ્તુઓની મદદ કરી: રૂપાનાં પાત્રો, સોનું, સરસામાન, પ્રાણીઓ, અન્ય કિંમતી ચીજવસ્તુઓ અને મંદિર માટે અર્પણો આપ્યાં.

7 નબૂખાદનેસ્સારે યરુશાલેમના પ્રભુના મંદિરમાંથી જે પાત્રો અને પ્યાલાઓ ઉપાડી લાવીને પોતાના દેવોના મંદિરમાં રાખ્યાં હતાં તે પણ સમ્રાટ કોરેશે તેમને મંગાવી આપ્યાં.

8 રાજાના ખજાનાના મુખ્ય અધિકારી મિથ્રદાથે યહૂદિયાના રાજ્યપાલ શેશ્બાસ્સારને તે ગણીને આપ્યાં. તેમની યાદી આ પ્રમાણે હતી:

9-10 અર્પણ માટેનાં સોનાનાં: પાત્રો... 30 અર્પણ માટેનાં રૂપાનાં પાત્રો... 1,000 અન્ય વિવિધ પાત્રો... 29 સોનાના નાના પ્યાલા... 30 રૂપાના નાના પ્યાલા... 410 અન્ય પાત્રો... 1,000

11 શેશ્બાસ્સાર અને અન્ય દેશનિકાલ થયેલાઓ બેબિલોનથી યરુશાલેમ પાછા ફર્યા ત્યારે શેશ્બાસ્સાર પોતાની સાથે સોનારૂપાંના જે પાત્રો લાવ્યો તે એકંદરે પાંચ હજાર ચારસો હતાં.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan