Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

હઝકિયેલ 8 - પવિત્ર બાઇબલ C.L.


હઝકિયેલને થયેલું ઈશ્વરનું બીજું દર્શન યરુશાલેમના મંદિરમાં મૂર્તિપૂજા

1 છઠ્ઠા વર્ષના છઠ્ઠા માસના પાંચમા દિવસે હું મારા ઘરમાં બેઠો હતો અને યહૂદિયાના આગેવાનો મારી સામે બેઠા હતા ત્યારે પ્રભુ પરમેશ્વરના પરાક્રમી પ્રભાવે કબજો મારો લીધો.

2 મેં જાયું તો મને માણસના જેવી એક ઝળહળતી આકૃતિ દેખાઈ. તેની કમરથી નીચેનો અર્ધો ભાગ અગ્નિ જેવો હતો અને કમરથી ઉપરનો ભાગ ઓપેલા તાંબાના જેવો તેજોમય હતો.

3 તેણે હાથ જેવું કશુંક લંબાવ્યું અને મારા માથાના વાળ પકડયા. ઈશ્વરના આત્માએ મને આકાશ તથા પૃથ્વી વચ્ચે ઊંચકી લીધો અને દૈવી સંદર્શનમાં યરુશાલેમ લઈ જઈ મંદિરના અંદરના પટાંગણના ઉત્તર તરફના અંદરના દરવાજાની પાસે લઈ ગયો. ત્યાં ઈશ્વરને કોપાયમાન કરે તેવી મૂર્તિ સ્થાપેલી હતી.

4 અને ત્યાં મને કબાર નદીના કિનારાના પ્રદેશમાં જેવું દર્શન થયું હતું તેવું ઇઝરાયલના ઈશ્વરના ગૌરવનું દર્શન થયું.

5 પછી ઈશ્વરે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, ઉત્તર તરફ દષ્ટિ કર” તેથી મેં ઉત્તર તરફના દરવાજાના પ્રવેશદ્વાર તરફ જોયું તો યજ્ઞવેદીની નજીકમાં ઈશ્વરને કોપ ચડાવે તેવી મૂર્તિ હતી.

6 પછી ઈશ્વરે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, આ લોકો શું કરે છે તે તું જુએ છે? મારે મારા પવિત્રસ્થાનથી દૂર જતા રહેવું પડે એ માટે ઇઝરાયલના લોકો અહીં આ ભારે ધિક્કારપાત્ર કાર્યો કરે છે. છતાં હજુ તું આના કરતાંય વધારે ધૃણાસ્પદ કૃત્યો જોશે.”

7 પછી તે મને બહારના પ્રાંગણના પ્રવેશદ્વાર પાસે લાવ્યો. મેં જોયું તો દીવાલમાં એક બાકોરું હતું.

8 તેમણે કહ્યું, “હે મનુષ્યપુત્ર, અહીં દીવાલમાં ખોદ, તેથી મેં ભીંતમાં ખોદયું તો બારણું દેખાયું.

9 તેમણે મને કહ્યું, “અંદર જઈને જો કે તેઓ ત્યાં કેવાં દુષ્ટ અને ધિક્કારપાત્ર કૃત્યો કરે છે.”

10 તેથી હું અંદર ગયો અને જોયું તો ચારેય બાજુ દીવાલો પર સર્વ પેટે ચાલનારાં પ્રાણીઓનાં, અન્ય અશુદ્ધ પશુઓનાં અને ઇઝરાયલીઓની સર્વ મૂર્તિઓનાં ચિત્રો કોતરેલાં હતાં.

11 ત્યાં ઇઝરાયલી લોકના સિત્તેર આગેવાનો ઊભા હતા. તેમની સાથે શાફાનનો પુત્ર યાઝાન્યા ઊભો હતો. દરેકના હાથમાં પોતાની ધૂપદાની હતી, તેમાંથી ધૂપનો ઘૂમાડો ઉપર ચઢતો હતો.

12 ઈશ્વરે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, ઇઝરાયલી લોકના આગેવાનો અંધકારમાં પોતપોતાની મૂર્તિની ઓરડીઓમાં શું કરે છે તે તેં જોયું? તેઓ મૂર્તિઓવાળા પૂજાગૃહમાં પૂજા કરી રહ્યા છે. તેઓ કહે છે, ‘પ્રભુ અમને જોતા નથી. તે તો દેશ છોડી જતા રહ્યા છે.”

13 વળી, તેમણે કહ્યું, “તું તેમને આનાથીયે અધિક ધૃણાસ્પદ કૃત્યો કરતાં જોશે.”

14 પછી તે મને પ્રભુના મંદિરના ઉત્તરના દરવાજાના પ્રવેશદ્વારે લાવ્યો. મેં જોયું તો સ્ત્રીઓ ત્યાં તામ્મૂઝ દેવતાના મૃત્યુ માટે વિલાપ કરતી હતી.

15 તેમણે મને પૂછયું, “હે મનુષ્યપુત્ર, તેં આ જોયું? તું આ કરતાંયે અધિક ધિક્કારપાત્ર કૃત્યો જોશે.”

16 પછી તે મને પ્રભુના મંદિરના અંદરના પટાંગણમાં લઈ આવ્યો, ત્યાં પ્રભુના મંદિરના પ્રવેશદ્વાર પાસે, પરસાળ તથા યજ્ઞવેદીની વચ્ચે આશરે પચીસ માણસો હતા. તેમની પીઠ પ્રભુના મંદિર તરફ હતી અને મોં પૂર્વ તરફ હતાં. તેઓ પૂર્વમાં જોઈને સૂર્યની પૂજા કરતા હતા.

17 પ્રભુએ મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, તેં આ જોયું? યહૂદિયાના લોકો અહીં જે ધિક્કારપાત્ર કૃત્યો કરે છે, તેટલાંથી તેમને સંતોષ થતો નથી કે તેમણે આખો દેશ અત્યાચારથી ભરી દીધો છે? વળી, મને વિશેષ રોષ ચડાવવા તેઓ પૂજામાં પોતાના નાકે ડાળી અડકાડે છે તે જો.

18 તેથી હું પણ તેમની સાથે રોષપૂર્ણ વ્યવહાર કરીશ. હું તેમના પ્રત્યે દયાદષ્ટિ રાખીશ નહિ કે તેમને બચાવીશ નહિ. તેઓ મારા કાનમાં ગમે તેટલા મોટે સાદે પોકારશે તો યે હું તેમનું સાંભળીશ નહિ.”

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan